અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર રિક્ષાચાલકો અને RPF જવાનો વચ્ચે ઉગ્ર ઘર્ષણ, પોલીસે લાઠીચાર્જ કર્યો | Ahmedabad News Kalupur Railway Station Rickshaw Drivers RPF Video Viral

![]()
Ahmedabad News: અમદાવાદના હાર્દ સમાન કાલુપુર રેલવે સ્ટેશનમાં આજે વહેલી સવારે રિક્ષાચાલકો અને RPF (રેલવે પ્રોટેક્શન ફોર્સ)ના જવાનો સામ સામે આવી જતાં અફરાતફરી સર્જાઇ હતી. પેસેન્જર ભરવા જેવી બાબતે રિક્ષાચાલકો અને RPFના જવાનો વચ્ચે માથાકૂટ મોટી બબાલમાં પરિણમી હતી. સ્થિતિને કાબૂમાં લેવા માટે લાઠીચાર્જનો સહારો લેવામાં આવ્યો હતો. જેના દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા.
ઉગ્ર બોલાચાલી બાદ બબાલ
ઘટનાની વિગતો અનુસાર, વહેલી સવારે કાલુપુર રેલવે સ્ટેશન પર મુસાફરોની અવરજવર વધુ હોય છે, દાવા મુજબ અનેક રિક્ષા ચાલકો પેસેન્જરને બેસાડવા માટે સ્ટેશન નજીક ઊભા રહેતા હોય છે, જેમાં આજે RPFના જવાનોએ પેસેન્જર ભરવાની બાબતમાં રિક્ષાચાલકોને રોકતા તેઓ રોષે ભરાયા હતા અને RPFના જવાનો સાથે રકઝક કરી હતી. અંતે બંને તરફથી ઉગ્ર બોલાચાલી થઈ હતી.
એક રિક્ષાચાલકને ઢોર માર માર્યો હોવાનો આરોપ
રિક્ષાચાલકોનો આક્ષેપ છે કે RPF જવાનોએ એક રિક્ષાચાલકને ઢોર માર માર્યો હતો, જેના લીધે અન્ય સાથી રિક્ષા ચાલકો ગુસ્સે ભરાયા હતા અને સ્ટેશનમાં હોબાળો મચાવ્યો હતો. જોત જોતામાં ઘર્ષણ જેવી સ્થિતિ ઊભી થઈ હતી. જેથી ભેગી થયેલી ભીડને ઓછી કરવા માટે પોલીસકર્મીઓએ રિક્ષાચાલકો પર લાઠીચાર્જ કર્યો હતો. અંતે સ્થિતિ કાબૂમાં આવી હતી. જેના દ્રશ્યો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે.
કોનો વાંક?
રેલવે તંત્રની સુરક્ષા વ્યવસ્થા અને રિક્ષાચાલકોના વર્તન પર અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. ઘણા લોકો રિક્ષા ચાલકોને સપોર્ટ કરી કહી રહ્યા છે કે રોજગારી માટે જાહેર સ્થળો પર આવવા જવા રિક્ષાચાલકને થોડી છૂટછાટ મળવી જોઈએ, બીજી તરફ ઘણા લોકો RPFના જવાનોને સપોર્ટ કરી રિક્ષા ચાલકોના વર્તન અને નિયમ ભંગ કરવાની તાસીર હોવાથી લાઠીચાર્જ કર્યો તેને યોગ્ય ઠેરવી રહ્યા છે.



