गुजरात

માત્ર 4 હજારની ચોરી કરતાં સિક્યોરિટી ગાર્ડની ધોકા ફટકારી હત્યા, બે બહેનોએ એકનો એક ભાઈ ગુમાવ્યો | Kutch News Theft Security guard dies after being beaten Mundra Police Crime News



Kutch News: કચ્છના મુન્દ્રામાં હત્યાનો ચકચારી બનાવ સામે આવ્યો છે. સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતાં રાજસ્થાની યુવકે ચોરી કરતાં સિક્યુરિટી કંપનીના ફિલ્ડ ઑફિસરે ધોકાથી માર માર્યો હતો, જેમાં માથાના ભાગે ગંભીર ઈજા થતાં યુવક મોતને ભેટ્યો છે. પોલીસે ફિલ્ડ ઑફિસર સામે હત્યાનો ગુનો નોંધી તેને સકંજામાં લીધો છે. 

ચાર હજારની ચોરી કરતાં પકડાયો

મુન્દ્રામાં રાજસ્થાનની આવેલો 22 વર્ષનો વિશાલ સંદિપકુમાર મીણા જય દુર્ગા સિક્યુરિટી કંપનીમાં નોકરી કરતો હતો. તેને ઘટનાના દોઢ મહિના પહેલા સિક્યુરિટી કંપનીના ફિલ્ડ ઑફિસર તરીકે નોકરી કરતાં તેના કૌટુંબિક કાકા દિનેશ નાથુલાલ મીણાએ નોકરીએ લગાડ્યો હતો. ગુરુવારના રોજ વિશાલ એક્ટિવ કાર્ગો નામની પેઢીના પોઈન્ટ પર સિક્યુરિટી તરીકે નોકરી પર મૂકવામાં આવ્યો હતો. પણ તકનો લાભ ઉઠાવી તેને એક ટ્રક ડ્રાઈવરના ચાર હજાર રૂપિયા ચોરી લીધા હતા. જો કે, તે રંગેહાથ પકડાઈ ગયો હતો  બાદમાં પોતાના ગુનાની કબૂલાત કરી તેણે રૂપિયા પરત આપી દીધા હતા.

ચોરીની કબૂલાત કર્યા બાદ ધોકાથી ઢોર માર

પણ કૌટુંબિક કાકા અને  કંપનીના ફિલ્ડ ઑફિસર દિનેશ નાથુલાલ મીણાએને ચોરીની જાણ થતાં વિશાલને રૂમ પર બોલાવ્યો હતો. જ્યાં તેને હાથમાં ધોકો લઈ માર માર્યો હતો, જેમાં વિશાલે ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી તેમ છતાં પણ મગજ પરથી કંટ્રોલ ગુમાવી ચૂકેલા દિનેશ મીણાએ તેને મારવાનું ચાલુ રાખ્યું હતું. એક ધોકો માથાના ભાગે વાગતા લોહી નીકળવા લાગ્યું હતું. તેમ છતાં પણ લોહી લુહાણ હાલતમાં ચોરી કરનાર વિશાલને ક્રૂરતાપૂર્વક માર મારવામાં આવ્યો હતો. 

સવારે જોયું તો વિશાલ મૃત હાલતમાં હતો

ઢોર માર ખાધા પછી વિશાલ રાત્રે 11 વાગ્યા આસપાસ તેની રૂમમાં જઈને ઊંઘી ગયો હતો. પણ શુક્રવાર (2 જાન્યુઆરી)એ સવારે છ વાગ્યે તેને ઉઠાડતાં તે જાગ્યો ન હતો. જે બાદ તેને 108ની મદદ લઈ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. 

બે બહેનો વચ્ચે એકનો એક ભાઈ

ઘટનાની જાણ પરિવારને કરવામાં વિશાલના પિતા અને અન્ય પરિવારજનો અધ્ધર શ્વાસે મુન્દ્રા દોડી આવ્યા હતા. જ્યાં દીકરાની હાલત જોઈ પડી ભાંગ્યા હતા. મૃતક વિશાલ બે બહેનો વચ્ચે એકનો એક ભાઈ હતો અને પરિણીત હતો. પૂછપરછ કરતાં કૌટુંબિક કાકા અને  કંપનીના ફિલ્ડ ઑફિસર દિનેશ નાથુલાલ મીણાના મારથી દીકરાનું મોત થયું હોવાની જાણ થઈ હતી. 

આ પણ વાંચો: અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર રિક્ષાચાલકો અને RPF જવાનો વચ્ચે ઉગ્ર ઘર્ષણ, પોલીસે લાઠીચાર્જ કર્યો

આરોપીની ધરપકડ

ફરિયાદ કરવામાં આવતા મુન્દ્રાપોલીસે મૃતદેહનું પોસ્ટ મોર્ટમ કરી પરિવારજનોને સોંપવાની તજવીજ કરી હતી. હત્યાનો ગુનો નોંધી આરોપી દિનેશ મીણાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. 



Source link

Related Articles

Back to top button