નડિયાદ: સંતરામ મંદિરમાં પોષી પૂનમની ભવ્ય ઉજવણી, લાખો ભક્તોએ માનતા પૂરી કરવા બોર ઉછાળ્યા | Crowd of devotees at grand celebration of Poshi Poonam at Santram Temple in Nadiad Kheda

Nadiad News : ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદમાં સ્થિત વિશ્વપ્રસિદ્ધ સંતરામ મંદિરમાં આજે શનિવારે (3 જાન્યુઆરી, 2026) પોષી પૂનમના પાવન અવસરે ભક્તિનું ઘોડાપૂર ઉમટ્યું હતું. સંતરામ મહારાજના પરમધામમાં લાખો શ્રદ્ધાળુઓએ શિષ નમાવી ‘જય મહારાજ’ના ગગનભેદી નાદ સાથે પરંપરાગત બોરની ઉછામણી કરી ધન્યતા અનુભવી હતી.
શ્રદ્ધા અને આસ્થાનો અનોખો સંગમ
નડિયાદ સંતરામ મંદિરમાં પોષી પૂનમનો દિવસ વર્ષનો સૌથી પવિત્ર દિવસ માનવામાં આવે છે. વહેલી સવારથી જ મંદિરના દ્વાર ખુલતાની સાથે જ અમદાવાદ, વડોદરા અને સૌરાષ્ટ્ર-કચ્છ સહિત સમગ્ર રાજ્યભરમાંથી ભક્તોનું મહેરામણ ઉમટી પડ્યું હતું. મંદિરના ગર્ભગૃહથી લઈને મુખ્ય પ્રવેશદ્વાર સુધી ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી.

શા માટે કરવામાં આવે છે બોરની ઉછામણી?
સંતરામ મંદિરમાં બોર ઉછાળવાની પરંપરા સદીઓ જૂની છે અને તેની પાછળ ગાઢ ધાર્મિક શ્રદ્ધા જોડાયેલી છે.
માનતાનું મહત્ત્વ: જે બાળકો બોલી શકતા ન હોય અથવા તોતડું બોલતા હોય, તેમના માતા-પિતા બાળકના સ્વાસ્થ્ય માટે માનતા રાખે છે.
પરંપરા: માનતા પૂર્ણ થતા ભક્તો દિવ્ય જ્યોતના દર્શન કરી મંદિરના ચોકમાં ઉભા રહીને હવામાં બોર ઉછાળે છે.
આ ઉછાળેલા બોરને પ્રસાદી રૂપે ઝીલવા માટે પણ શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ અને હોડ જોવા મળી હતી.

દિવ્ય જ્યોતના દર્શનથી ભક્તો ધન્ય થયા
મંદિરમાં પ્રજ્વલિત દિવ્ય જ્યોતના દર્શનનું વિશેષ મહત્વ હોવાથી ભાવિકો કલાકો સુધી લાઈનમાં ઉભા રહી દર્શન માટે આતુર દેખાયા હતા. સમગ્ર મંદિર પરિસર ભક્તિમય માહોલમાં રંગાઈ ગયું હતું. ભક્તોની સુરક્ષા અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે મંદિર વહીવટદાર અને સ્વયંસેવકો દ્વારા પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું.
પોષી પૂનમના આ પર્વે નડિયાદ શહેર જાણે સંતરામ મય બની ગયું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા, જ્યાં અમીર-ગરીબના ભેદભાવ ભૂલી સૌ કોઈ સેવા અને ભક્તિના રંગે રંગાયા હતા.



