પહેલા જ દિવસે ઝોહરાન મમદાનીના નિર્ણય પર ભડક્યું ઈઝરાયલ, કહ્યું – આગમાં ઘી હોમ્યું | Israel was outraged by Zohran Mamdani’s decision on the very first day saying fuel to the fire

![]()
Zohran Mamdani and Israel : ન્યૂયોર્કના નવનિયુક્ત મેયર ઝોહરાન મમદાનીએ સત્તા સંભાળતાની સાથે જ પૂર્વ મેયરના બે કાર્યકારી આદેશોને રદ કરી દીધા છે, જેના કારણે ઈઝરાયલ સરકારે તેમની આકરી ટીકા કરી છે. ઈઝરાયલે મમદાની પર યહૂદી વિરોધી હોવાનો આરોપ લગાવ્યો છે.
પૂર્વ મેયરના આદેશો રદ
ન્યૂયોર્ક સિટીના પૂર્વ મેયર એરિક એડમ્સે 2 કાર્યકારી આદેશો જારી કરીને કહ્યું હતું કે ઈઝરાયલ વિરુદ્ધની કેટલીક ટીકાઓને યહૂદી વિરોધી ગણવામાં આવશે અને કોઈ પણ ઈઝરાયલનો બહિષ્કાર નહીં કરે. જોકે, ગુરુવારે મેયર પદના શપથ ગ્રહણ કર્યાના થોડા કલાકો બાદ જ ઝોહરાન મમદાનીએ આ આદેશોને રદ કરવાની જાહેરાત કરી દીધી.
ઈઝરાયલે વ્યક્ત કરી નારાજગી
ઈઝરાયલના વિદેશ મંત્રાલયે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું, “ન્યૂયોર્ક શહેરના મેયરે સત્તા સંભાળતાની સાથે જ પોતાનો અસલી ચહેરો બતાવી દીધો છે. તેમણે યહૂદી વિરોધી પગલું ભરતા કાર્યકારી આદેશોને રદ કરી દીધા છે અને ઈઝરાયેલના બહિષ્કાર પર લાગેલા પ્રતિબંધોને પણ હટાવી દીધા છે. આ યહૂદી વિરોધી આગમાં ઘી નાખવાનું કામ છે.”
મમદાનીએ શું કહ્યું?
આદેશો રદ કર્યા બાદ મમદાનીએ કહ્યું કે મેયર પાસે કોઈપણ કાર્યકારી આદેશ લાગુ કરવાનો અને તેને પાછો ખેંચવાનો અધિકાર હોય છે. તેમણે એમ પણ કહ્યું કે, “અમે ન્યૂયોર્કમાં યહૂદી નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છીએ અને અમે તેને વાસ્તવમાં સાકાર કરીને બતાવીશું.” ઝોહરાન મમદાની ન્યૂયોર્ક શહેરના 112મા મેયર બન્યા છે. 34 વર્ષીય મમદાની મેયર પદ સંભાળનાર સૌથી યુવા વ્યક્તિ છે. તેઓ શહેરના પ્રથમ મુસ્લિમ અને દક્ષિણ એશિયાઈ મૂળના મેયર પણ છે.



