પ્લાસ્ટિક મુક્ત અભિયાનઃ નાના વેપારીઓને દંડવાને બદલે પહેલા ફેક્ટરીઓ બંધ કરો | Plastic free campaign: Instead of fining small traders close factories first

![]()
– ધોળકામાં પાલિકાની ઝુંબેશ સામે વેપારીઓની હૈયાવરાળ
– નગરપાલિકાની ટીમે સતત બીજા દિવસે પ્રતિબંધિત પ્લાસ્ટિક સામે કાર્યવાહી 13 હજારનો દંડ વસૂલાયા
બગોદરા : ધોળકા શહેરમાં પ્લાસ્ટિક મુક્ત શહેર બનાવવાના અભિયાન હેઠળ નગરપાલિકા દ્વારા સતત બીજા દિવસે પણ પ્રતિબંધિત પ્લાસ્ટિક સામે કાર્યવાહી હાથ ધરી હતી.
પાલિકાની ટીમે બજાર વિસ્તારમાં ચેકિંગ હાથ ધરી વેપારીઓ પાસેથી ૧૩ હજારનો દંડ વસૂલ કર્યો હતો. જોકે, આ સમયે વેપારઓ અને પાલિકાની ટીમ સાથે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા.
ધોળકા નગરપાલિકાની ટીમે શહેરના મુખ્ય બજાર વિસ્તારમાં આવેલી વિવિધ દુકાનો અને લારી-ગલ્લાઓ પર સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. તપાસ દરમિયાન પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઝભલા મળી આવતા નગરપાલિકા દ્વારા અલગ-અલગ વેપારીઓ પાસેથી કુલ રૂપિયા ૧૩,૦૦૦ના દંડની વસૂલાત કરવામાં આવી હતી.
નગરપાલિકાની આ કાર્યવાહી દરમિયાન કેટલાક વેપારીઓએ પોતાનો વિરોધ પણ દર્શાવ્યો હતો.
વેપારીઓનું કહેવું હતું કે, ગ્રાહકો ખરીદી કરવા આવે ત્યારે પોતાની થેલી સાથે લાવતા નથી અને પ્લાસ્ટિકના ઝભલાની જીદ કરે છે. ગ્રાહકોને ઝભલા ન આપી તો જતા રહે અને વેપાર-ધંધાને અસર પડે છે. વેપારીઓએ કહ્યું કે જો સરકાર ખરેખર પ્લાસ્ટિક બંધ કરાવવા માંગતી હોય તો નાના વેપારીઓને દંડવાને બદલે પ્લાસ્ટિક બનાવતી ફેક્ટરીઓ જ બંધ કરાવી દેવી જોઈએ, જેથી વેપારીઓ સુધી પ્લાસ્ટિક પહોંચે જ નહીં.



