નાગલપર ગામે જીવલેણ હુમલાના બનાવમાં 5 આરોપીને સખત કેદ | 5 accused sentenced to rigorous imprisonment in the fatal attack incident in Nagalpar village

![]()
– ખેતીની જમીન બાબતે ચાલતી તકરારનું મનદુઃખ રાખી મારામારી કરી હતી
– વર્ષ 2020 ની ઘટનામાં બોટાદ કોર્ટે ચુકાદો આપ્યો
બોટાદ : બોટાદ તાલુકાના નાગલપર ગામે આશરે સાડા પાંચેક વર્ષ પૂર્વે બનેલી જીવલેણ હુમલાની ઘટનામાં એક શખ્સને સાત અને અન્ય ચાર આરોપીને પાંચ-પાંચ વર્ષ સખત કેદની સજા અને દંડ ફટકારવામાં આવ્યો છે.
બોટાદના નાગલપર ગામે રહેતા રમેશભાઈ વજુભાઈ ફતેપરાને તે જ ગામના શખ્સો સાથે ખેતીની જમીન મામલે તકરાર ચાલતી હોય, જે બનાવમાં બન્ને પક્ષે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. તેની દાઝ રાખી ગત તા.૧૫-૭-૨૦૨૦ના રોજ સવારના સમયે ગોવિંદ રઘુભાઈ હાડગડા, પંકજ લાખાભાઈ હાડગડા, છેલા રઘુભાઈ હાડગડા, કુંવરા રાઘડભાઈ હાડગડા, વેલા રત્નાભાઈ હાડગડા, છેલા વિભા હાડગડા, કાળીબેન લાખાભાઈ હાડગડા, લાખા રઘુભાઈ હાડગડા (રહે, તમામ નાગલપર)એ પ્રાણઘાતક હથિયારો લઈ ધસી આવી રમેશભાઈનું ખૂન કરવાના ઈરાદે તેમના ઉપર હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી હતી. આ બનાવ અંગે ત.મના ભાઈ પ્રભુભાઈ વજુભાઈ ફતેપરાએ બોટાદ પોલીસમાં મહિલા સહિત આઠેય વિરૂદ્ધ ગુનો નોંધાવતા પોલીસે આઈપીસી ૩૦૭, ૩૨૩, ૩૨૫, ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯ અને જીપીએ ૧૩૫ મુજબ ફરિયાદ લઈ આગળની તપાસ હાથ ધરી હતી. ત્યારબાદ પોલીસે બોટાદની ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. આ કામે ફરિયાદી પક્ષે ૧૫ સાક્ષી તપાસવામાં આવેલ તેમજ ૩૦ દસ્તાવેજી પુરાવા અને જિલ્લા સરકારી વકીલ કે.એમ. મકવાણાની અસરકારક દલીલો, રજૂઆતોનો ગ્રાહ્ય રાખી ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જજ એમ.જે.પરાશરે આરોપી લાખાભાઈ હાડગડાને સાત વર્ષની સખત કેદ, ગોવિંદ હાડગડા, પંકજ હાડગડા, છેલા હાડગડા અને કુંવરા હાડગડાને પાંચ વર્ષ સખત કેદની સજા તેમજ પ્રત્યેક આરોપીને રૂા.૧૫,૦૦૦ના દંડનો હુકમ કર્યો છે.


