વેનેઝુએલા પર હુમલા બાદ અમેરિકાને રશિયાની ‘શાંતિ’ની સલાહ! કહ્યું- UNSCની બેઠક બોલાવો | Russia Calls UN Security Council Meet After US Strikes Venezuela Trump Claims Maduro Detained

![]()
Russia Calls UN Security Council Meet After US Strikes Venezuela : અમેરિકાએ વેનેઝુએલા પર હુમલો કરી પ્રમુખ નિકોલસ માદુરો અને તેમની પત્નીને કેદ કર્યા છે. અમેરિકાએ મોટા પાયે હવાઈ હુમલા કર્યા અને ઓપરેશન પાર પાડ્યું. વેનેઝુએલાના પાટનગર કારાકાસ સહિત અનેક શહેરોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. જે બાદ હવે રશિયાએ વાતચીતના માધ્યમથી સમાધાનની અપીલ કરી છે.
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બેઠક બોલાવો: રશિયા
રશિયાના વિદેશ મંત્રાલયે કહ્યું છે, કે વેનેઝુએલા મુદ્દે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બેઠક બોલાવી જોઈએ. અમેરિકાની આ સૈન્ય આક્રમકતાની ટીકા કરીએ છીએ. અમેરિકાએ આપેલા તર્ક પાયાવિહોણા છે અને આ કાર્યવાહી વૈચારિક દુશ્મનાવટ પ્રેરિત હોય તેવું દેખાઈ રહ્યું છે. વેનેઝુએલાને કોઈ પણ બાહ્ય સૈન્ય દખલ વિના પોતાનું ભવિષ્ય નક્કી કરવાનો અધિકાર છે. લેટિન અમેરિકા ક્ષેત્રમાં ફરી શાંતિ સ્થાપન થવી જોઈએ.
ઈરાને અમેરિકાની નિંદા કરી
બીજી તરફ ઈરાને પણ અમેરિકાના આ હુમલાની નિંદા કરી છે. ઈરાનનું માનવું છે કે આ સૈન્ય હુમલો આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષાનું ગંભીર ઉલ્લંઘન છે. જેની અસર વૈશ્વિક વ્યવસ્થા પર પડશે.
કોલંબિયા અને ક્યુબા વેનેઝુએલાની પડખે
કોલંબિયાના પ્રમુખ ગુસ્તાવો પેટ્રો ખૂલીને વેનેઝુએલાની પડખે આવ્યા છે. તેમણે કહ્યું છે કે અમેરિકાએ વેનેઝુએલા પર મિસાઈલથી હુમલો કર્યો છે. જેથી સંયુક્ત રાષ્ટ્રએ તાત્કાલિક બેઠક બોલાવવી જોઈએ. ક્યુબાના પ્રમુખ મિગુએલ ડિયાઝ કેનેલે પણ અમેરિકાની ટીકા કરી છે. તેમણે અન્ય દેશોને પણ અપીલ કરી છે કે તેમણે અમેરિકાની ‘ગુનાહિત’ કાર્યવાહીનો વિરોધ કરવો જોઈએ. આ લેટિન અમેરિકન ક્ષેત્ર વિરુદ્ધ એક પ્રકારનો ‘આતંકવાદ’ જ છે.
નિકોલસ માદુરો અને તેમની પત્નીને કેદ કરાયા: ટ્રમ્પ
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે, કે અમેરિકાએ વેનેઝુએલા પર મોટા પાયે હુમલા કર્યા છે. જે બાદ વેનેઝુએલાના પ્રમુખ નિકોલસ માદુરો અને તેમના પત્નીને કેદ કરી દેશની બહાર લઈ જવાયા છે.



