વર્ષ ૨૦૨૫માં એસીબીએ કુલ ૧.૭૨ કરોડની લાંચના ૨૧૩ ગુના નોંધ્યા | ACB Reported 213 bribe cases in Gujarat

અમદાવાદ,શુક્રવાર
લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોએ વર્ષ ૨૦૨૫માં ટ્રેપ, અપ્રમાણસર મિલકત સહિતના કુલ ૨૧૩ કરોડ રૂપિયા લાંચના કુલ ૨૧૩ જેટલા ગુના નોંધીને ૩૧૦ વ્યક્તિઓ વિરૂદ્ધ કાર્યવાહી કરી છે. જ્યારે ૧૬.૫૯ કરોડની અપ્રમાણસર મિલકતો જપ્ત કરી હતી. સૌથી વધારે લાંચના ગુના ગૃહ વિભાગ, પંચાયત ગ્રામ અને મહેસુલ વિભાગમાં નોંધાયા હતા. જે ગત વર્ષની સરખામણીમાં ૧૫ ટકા વધારે છે. સૌથી મહત્વની વાત એ છે કે એસીબીએ ૧૨૩ જેટલા ખાનગી વ્યક્તિઓની લાંચ કેસમાં ધરપકડ કરી હતી.
લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોએ વર્ષ ૨૦૨૫માં વર્ષ ૨૦૨૪ની સરખામણીમાં ૧૫ ટકા વધારે કામગીરી કરી છે. આ અંગે માહિતી આપતા એસીબીના અધિકારીએ જણાવ્યું કે વર્ષ ૨૦૨૫માં એસીબીએ કુલ ૨૧૩ ગુના નોંધ્યા હતા.
જેમાં ટ્રેપના ૧૭૪ કેસ, ડીકોયના ૧૯, અપ્રમાણસર મિલકતના ૧૬ અને સત્તાનો દુરઉપયોગ કરવાના ચાર ગુનાઓનો સમાવેશ થાય છે. ગુનાઓમાં સંડોવાયેલા અધિકારીઓમાં વર્ગ એકના ૧૩ આરોપીઓ, વર્ગ-૨ના ૩૫ આરોપીઓ, વર્ગ-૩ના ૧૩૪ આરોપીઓનો સમાવેશ થાય છ અને વર્ગ ચારના પાંચ કર્મચારીઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી.
ખાસ કરીને છેલ્લાં ઘણા સમયથી અધિકારીઓ ભ્રષ્ટ્રાચાર આચરવા માટે ખાનગી લોકોની મદદ લેતા હોય છે. ત્યારે એસીબીએ ૧૨૩ જેટલા ખાનગી વ્યક્તિઓને પણ અધિકારીઓ વતી લાંચ લેતા ઝડપી લીધા હતા.
એસીબીમાં સૌથી વધારે ગૃહવિભાગના ૬૨, પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના ૨૬ અને મહેસુલી વિભાગના ૩૨ ગુના નોંધાયા હતા.અપ્રમાણસર મિલકતોના ૧૬ ગુના નોંધાયા હતા. જેમાં કુલ ૧૬.૫૯ કરોડની અપ્રમાણસર મિલકતો શોધીને કાર્યવાહી કરવામાં આવી હતી.



