गुजरात

બગદાણા મારામારી કેસ: જયરાજ આહીરનો વીડિયો વાઈરલ, 4 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર | Bagdana Navneet Baldhiya attack case 4 accused remand Jayaraj Ahir Video viral


Bagdana Case: હાલ ભાવનગર જિલ્લાના બગદાણામાં થયેલી મારામારીની ઘટનાના સમગ્ર ગુજરાતમાં પડઘા પડ્યા છે. બગદાણાના નવનીત બાલધિયા નામના વ્યક્તિ પર આઠ શખ્સો દ્વારા જીવલેણ હુમલો કરાયો હતો. આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ત્યારે પોલીસે 8 શખ્સો પૈકીના 4 આરોપી નાજુ કામળિયા, રાજુ ભમ્મર, વિરેન્દ્રસિંહ પરમાર, સતીશ વનાળીયાનાના 48 કલાકના રિમાન્ડ મંજૂર કર્યા છે. આરોપીઓના રિમાન્ડ આવતીકાલે બપોરે 4 કલાકે પૂર્ણ થશે. જ્યારે અન્ય 4 આરોપીઓને જેલ હવાલે કરી દેવામાં આવ્યા છે. આ બનાવની ગંભીરતાને જોતા ફરિયાદમાં BNS કલમ 109 (IPC 307)ની કલમનો ઉમેરો કરાયો છે. જોકે, આ મામલે ઘણા નવા વળાંકો આવ્યા છે. કોળી સમાજ પણ મેદાને આવ્યો છે. 

જયરાજ આહીરનો આરોપીઓ સાથેનો વીડિયો વાઈરલ?

હાલ, સોશિયલ મીડિયા પર એક વીડિયો ખુબ વાઈરલ થઈ રહ્યો છે. જેમાં માયાભાઈ આહીરના ફાર્મ હાઉસ પર પુત્ર જયરાજ આહીર જોવા મળી રહ્યો છે. આ કથિત વીડિયોમાં જયરાજ આહીર અને તેની સાથે આરોપીઓ પણ હોવાનો દાવો કરાઈ રહ્યો છે. આ મીટિંગ બાદ હુમલો થયો હોવાની અટકળો લગાવાઈ રહી છે. જોકે, ગુજરાત સમાચાર આ વીડિયોની પુષ્ટિ નથી કરતું.

બગદાણા મારામારી કેસ: જયરાજ આહીરનો વીડિયો વાઈરલ, 4 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર 2 - image

જણાવી દઈએ કે, નવનીત બાલધિયા પર થયેલા હુમલા પાછળ લોક કલાકાર માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીરનું ષડયંત્ર હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. બીજી તરફ ભાજપ અને કોંગ્રેસના નેતાઓ, ધારાસભ્યો, પૂર્વ મંત્રી, ભાવનગરના નગરસેવક, કોળી સમાજના આગેવાનો મહુવાની હનુમંત હોસ્પિટલે દોડી આવ્યા હતા. જ્યાં નવનીત બાલધિયા સારવાર હેઠળ છે. કોઈ અઘટિત બનાવ ન બને તે માટે પોલીસે હોસ્પિટલ બહાર ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે. ભાજપ નેતાઓ હુમલાખોરોને સજા અપાવવાની ખાતરી આપી રહ્યા છે ત્યાં કોંગ્રેસે કાયદો વ્યવસ્થા અંગે સવાલ ઉઠાવ્યા છે. 

બગદાણા મારામારી કેસ: જયરાજ આહીરનો વીડિયો વાઈરલ, 4 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર 3 - image

કોની કોની થઈ છે ધરપકડ?

બગદાણાના નવનીત બાલધિયા પર થયેલા હુમલાના મામલે પોલીસે અત્યાર સુધીમાં કુલ આઠ શખ્સોની ધરપકડ કરી છે. જેમાં મુખ્ય સૂત્રધાર નાજુ કામળીયા, રાજુ ભમ્મર, આતુ ભમ્મર, વિરેન્દ્રસિંહ પરમાર, સતીષ વનાળીયા, ભાવેશ શેલાણા, પંકજ મેર, વીરુ સેરડાને પોલીસે દબોચી લીધા છે. ગઈકાલે આ તમામ આરોપીઓનું પોલીસે ઘટના સ્થળે લઈ જઈને રિકન્ટ્રક્શન કર્યું હતું.

બગદાણા મારામારી કેસ: જયરાજ આહીરનો વીડિયો વાઈરલ, 4 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર 4 - image

શું છે સમગ્ર મામલો? 

મહુવાના બગદાણામાં મોણપર ગામ નજીક 29 ડિસેમ્બરની મોડી રાતે આઠ શખ્સોએ યુવક પર ધોકા અને પાઇપ વડે હુમલો કર્યો હતો. જે બાદ આઠ શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. પીડિત યુવકે લોકકલાકાર માયાભાઈ આહીરના પુત્ર જયરાજ પર ગંભીર આરોપ લગાવ્યા હતા. જોકે મહુવાના ઈન્ચાર્જ DYSPએ દાવો કર્યો હતો કે દારૂની બાતમી આપ્યાની શંકાના કારણે નવનીતભાઈ પર હુમલો થયો હતો. 

માયાભાઈ આહીરના પુત્ર જયરાજ પર ગંભીર આરોપ

મુંબઈના એક કાર્યક્રમમાં માયાભાઈ આહીરે બગદાણા ધામના મેનેજિંગ ટ્રસ્ટીનું નામ લીધું હતું. જોકે બાદમાં નવનીત બાલધિયાએ તેમને ફોન કરીને જણાવ્યું હતું કે હજુ સુધી કોઈ પણ મેનેજિંગ ટ્રસ્ટી નક્કી કરાયા નથી. ભૂલ સમજાતા માયાભાઈ આહીરે માફી માંગતો વીડિયો બનાવ્યો હતો. જેની દાઝ રાખી માયાભાઈના પુત્ર જયરાજે હુમલો કરાવ્યો હોય તેવા આરોપ લગાવવામાં આવી રહ્યા છે. 

બગદાણા મારામારી કેસ: જયરાજ આહીરનો વીડિયો વાઈરલ, 4 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર 5 - image

પોલીસ સામે પણ કેમ છે રોષ? 

નોંધનીય છે કે સમગ્ર કેસમાં પીડિતે લોક કલાકાર માયાભાઈ આહીરના પુત્ર જયરાજનો દોરીસંચાર હોવાનો આરોપ લગાવ્યો હતો. જોકે PI અને DYSPએ પ્રાથમિક તપાસમાં જ જયરાજની કોઈ સંડોવણી નથી તેમ કહી ક્લીનચીટ આપી હતી. 

PI ડાંગરની બદલીનો આદેશ 

જોકે સમગ્ર મામલે પોલીસ પર ગંભીર આરોપો થતાં હોવાથી જિલ્લા પોલીસ વડાએ ગુરૂવારે તાત્કાલિક અસરથી બગદાણાના PI ડીવી ડાંગરની બદલી કરીને લીવ રિઝર્વમાં મૂકી દીધા છે. જ્યારે આ કેસની તપાસ મહુવા ટાઉનના PI પટેલને સોંપી છે. 

બગદાણા મારામારી કેસ: જયરાજ આહીરનો વીડિયો વાઈરલ, 4 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર 6 - image

જિલ્લા પોલીસ વડાએ કેસ ડાયવર્ટ નહીં થાય તેવી ખાતરી આપી 

આ મામલે જિલ્લા પોલીસ વડા નિતેષ પાંડેએ જણાવ્યું છે, કે પ્રાથમિક તબક્કે ફરિયાદ નોંધીને આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. કેસ ડાયવર્ટ કરવામાં આવી રહ્યો હોય તેવી કોઈ વાત જ નથી. ઝડપાયેલા આરોપીઓની પૂછપરછ, સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરવામાં આવી રહી છે. આ મામલે કોઈને છોડવામાં નહીં આવે. 

સોમવારે મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને રજૂઆત કરીશું: ભાજપ ધારાસભ્ય હીરા સોલંકી 

પીડિત યુવાન નવનીત બાલધિયા હનન હનુમંત હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. ત્યારે ભાજપના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી અહીં ખબર અંતર પૂછવા આવ્યા હતા. હીરાભાઈ સોલંકીએ હુંકાર કરતાં કહ્યું હતું, કે તમામ ચમરબંધીઓને સજા આપવાની થાય છે. કોળી સમાજે બહુ સહન કર્યું છે. ગવે ભવિષ્યમાં કોઈ કોળી સમાજના લોકોનો ચાળો ન કરે તેવી સજા અપાવીશું. મોટા ભાઈ પરસોત્તમભાઈ સાથે પણ વાત થઈ ગઈ છે. સોમવારે કોળી સમાજના ધારાસભ્યોને લઈને મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને રજૂઆત કરવાની છે. 

બગદાણા મારામારી કેસ: જયરાજ આહીરનો વીડિયો વાઈરલ, 4 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર 7 - image

ગુજરાતમાં ડબલ એન્જિન નહીં ગુંડાઓનું રાજ: કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા 

આ મામલે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ કમિટીના પ્રમુખ અમિત ચાવડાએ રાજ્યની ભાજપ સરકાર સામે સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું છે, કે ગુજરાતમાં ડબલ એન્જિન નહીં પણ ગુંડાઓનું રાજ ચાલી રહ્યું છે. બગદાણામાં કોળી સમાજના સરપંચ પરિવારના યુવાન પર ગુંડાઓ હુમલો કરી હાથ પગ તોડી નાંખે છે અને પોલીસ દેખાવ પૂરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે. હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? 



Source link

Related Articles

Back to top button