ઈરાનમાં પણ થશે સત્તાપલટો? ભારે હિંસા વચ્ચે અમેરિકા વચ્ચે કૂદ્યું, ટ્રમ્પની ખામેનેઈને ધમકી | trump warns us will rescue iran kills peaceful protesters

Trump Warns Iran: ઈરાનમાં અલી ખામેનેઈની સરકાર વિરુદ્ધ ચાલી રહેલા વિરોધ પ્રદર્શનોએ હવે હિંસક સ્વરૂપ ધારણ કર્યું છે. છેલ્લા છ દિવસથી આર્થિક તંગી અને મોંઘવારી વિરુદ્ધ શરૂ થયેલું આ આંદોલન હવે સત્તા પરિવર્તનની માંગ સાથે ‘રાજકીય જંગ’માં ફેરવાઈ ગયું છે. આ સ્થિતિ વચ્ચે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાની શાસનને કડક શબ્દોમાં ચેતવણી આપી છે.
ડોનાલ્ડ ટ્રમ્પની ‘લૉક એન્ડ લોડેડ’ ચેતવણી
ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઈરાની સરકારને સીધી ધમકી આપતા લખ્યું છે કે, ‘જો શાંતિપૂર્ણ પ્રદર્શન કરી રહેલા લોકો પર હિંસા કરવામાં આવશે અથવા તેમને મારવામાં આવશે, તો અમેરિકા તેમની મદદ માટે આગળ આવશે. અમે પૂરી રીતે તૈયાર છીએ(We are locked and loaded and ready to go).’ અમેરિકાના આ વલણથી સ્પષ્ટ જણાય છે કે તે પ્રદર્શનકારીઓના સમર્થનમાં મેદાનમાં ઉતરી શકે છે.
ઈરાનમાં અનેક લોકોના મોત
માનવાધિકાર સંગઠનો અને મીડિયા રિપોર્ટ્સ મુજબ, ઈરાનમાં સુરક્ષા દળોના સીધા ફાયરિંગમાં અનેક પ્રદર્શનકારીઓ માર્યા ગયા છે. જેમાં કુહદશ્તમાં અમીરહેસમ ખોદાયારીફાર્દને માથામાં અને ફૂલાદશહેરમાં દારિયુશ અંસારીને રાઈફલથી ગોળી મારી ઠાર કરાયા હતા. આ સિવાય મર્વદશ્તમાં ખોદાદાદ શરીફી મોનફારેદ તેમજ અઝના અને લોરદેગનમાં પણ સુરક્ષા દળોની હિંસક કાર્યવાહીમાં અન્ય પ્રદર્શનકારીઓના મોત નીપજ્યા છે.
આ પણ વાંચો: કતારમાં ફાંસીની સજાથી બચી ગયેલા ભારતીય નેવી ઓફિસરની ફરી ધરપકડ, બહેને માગી PM મોદીની મદદ
ઈરાનમાં પોલીસ ફાયરિંગમાં અનેક મોત
માનવાધિકાર સંગઠનો અને વિવિધ મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઈરાનમાં પોલીસના ગોળીબારમાં અનેક પ્રદર્શનકારીઓનાં મોત થયા છે. કુહદશ્તમાં અમીરહેસમ અને ફૂલાદશહેરમાં દારિયુશ અંસારીને ગોળી મારીને ઠાર કરાયા હતા. આ ઉપરાંત, મર્વદશ્ત, અઝના અને લોરદેગનમાં પણ સુરક્ષા દળોની હિંસામાં અન્ય લોકોએ જીવ ગુમાવ્યા હોવાના અહેવાલ છે.
‘ડેથ ટુ ડિક્ટેટર’ના નારાથી ગુંજ્યું ઈરાન
પ્રદર્શનકારીઓ હવે રસ્તા પર ઉતરીને ‘ડેથ ટુ ડિક્ટેટર'(સરમુખત્યારનો નાશ થાઓ) અને ‘મુલ્લા દેશ છોડો’ જેવા આકરા નારા લગાવી રહ્યા છે. સ્થિતિને કાબૂમાં લેવા માટે ઈરાન સરકારે ઈન્ટરનેટ પર પ્રતિબંધ લાદી દીધો છે, છતાં પણ લોકોનો રોષ ઓછો થવાનું નામ નથી લઈ રહ્યો.
ઈરાન સરકારનું કડક વલણ
એક તરફ અમેરિકાની ધમકી છે, તો બીજી તરફ ઈરાની શાસન નમતું જોખવા તૈયાર નથી. લોરેસ્તાન પ્રાંતના ચીફ જસ્ટિસ સઈદ શાહવારીએ પ્રદર્શનકારીઓ વિરુદ્ધ નિર્ણાયક કાયદાકીય કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે. સરકારી ન્યૂઝ એજન્સીના મતે, અઝનામાં પોલીસ હેડક્વાર્ટર પર થયેલા હુમલામાં 3 લોકોના મોત થયા છે અને 17 ઘાયલ થયા છે.
અમેરિકાએ શું કહ્યું?
અમેરિકન વિદેશ મંત્રાલયે આ પ્રદર્શનોને ઈરાન સરકારની નિષ્ફળતાઓ પર લોકોનો સ્વાભાવિક ગુસ્સો ગણાવ્યો છે. અમેરિકાનું કહેવું છે કે તેહરાને દાયકાઓથી દેશની અર્થવ્યવસ્થા, ખેતી અને પાણી જેવી પાયાની જરૂરિયાતોની ઉપેક્ષા કરીને અબજો ડોલર આતંકવાદી ગતિવિધિઓ અને પરમાણુ હથિયારો પાછળ ખર્ચ્યા છે, જેનું પરિણામ આજે જનતા ભોગવી રહી છે.



