જામનગરમાં ત્રણ મહિલા સહિત 5 બાંગ્લાદેશી ઝડપાયા, પાસપોર્ટ ધારા ભંગ સહિતની કલમ હેઠળ કાર્યવાહી | 5 Bangladeshis Caught in Jamnagar action taken under sections including violation of Passport Act

![]()
5 Bangladeshis Caught In Jamnagar : સમગ્ર ભારત દેશના જુદા-જુદા રાજ્યોમાંથી બાંગ્લાદેશીઓને શોધી કાઢવામાં આવી રહ્યા છે. તેમજ ભારતના ચૂંટણી તંત્ર દ્વારા SIRની પણ કામગીરી કરવામાં આવી રહી છે, ત્યારે જામનગર શહેરમાંથી પણ ત્રણ મહિલા સહિતના પાંચ બંગલાદેશી નાગરિકો મળી આવતાં પોલીસ તંત્રમાં દોડધામ થઈ છે.
જામનગરમાં ત્રણ મહિલા સહિત 5 બાંગ્લાદેશી ઝડપાયા
દેશમાં ગેરકાયદેસર ઘૂસણખોરી કરી ગેરકાયદેસર વસવાટ કરી દેશ વિરૂધ્ધી પ્રવૃતિ કરતાં ઈસમોને શોધી કાઢવા માટે એસ.ઓ.જી. સ્ટાફ દ્વારા ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે. જામનગર પોલીસ દ્વારા શહેરના પટેલ કોલોની વિસ્તારમાં પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. આ દરમિયાન જામનગરમાં પટેલ કોલોની, શેરી નંબર-11, સ્વસ્તિક મારબલની સામે આવેલા ગુલામમયુદિન અબ્દુલકરીમખાન ગાગદાણીના મકાનમાં બાંગ્લાદેશી નાગરીક ગેરકાયદેસર રીતે વસવાટ કરતા હોવાની SOG સ્ટાફને બાતમી મળી હતી.
પોલીસે બાતમીના આધારે દરોડા પાડતાં બે પુરૂષ તથા ત્રણ મહિલા એમ કુલ-5 બાંગ્લાદેશી નાગરિકો મળી આવ્યા હતા. જેઓ પાસપોર્ટ, વિઝા કે ભારત સરકારની મંજૂરી વગર રહેતા હતા. પોલીસે તમામને ડીટેઇન કરીને આગળની તપાસ હાથ ધરી છે.
ઝડપાયેલા બાંગ્લાદેશી નાગરિકો
– શાહબુદિન મોહમદ ગૌસ શેખ
– મહમદઆરીફ મુંઝીબર શેખ
– જમીલા બેગમ અનારદિ શેખ
– નઝમા બેગમ અબ્દુલહકીમ હાઉલડર
– મુર્સીદા બેગમ મહમદઆરીફ મુઝીબર શેખ
પશ્ચિમ બંગાળના રહેવાસી હોવાના આધારકાર્ડ મળ્યા
ઝડપાયેલા તમામ બાંગ્લાદેશી નાગરિકોને સિટી બી. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયા છે, જ્યાં તેમની સામે પાસપોર્ટ ધારા ભંગ સહિતની આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે. પોલીસે તેઓની પૂછપરછ કરતાં આરોપી પાસેથી પશ્ચિમ બંગાળના રહેવાસી હોવાના આધારકાર્ડ મળી આવ્યા હતા. પોલીસ દ્વારા સર્ચ કાર્ય દરમિયાન બે મહિલાઓ ઘણા સમયથી અહીં ભાડેથી રહેતી હતી, જ્યારે ત્રીજી એક મહિલા તાજેતરમાં જ અહીં રહેવા આવી હોવાનું ઉપરાંત અન્ય બે પુરુષો પણ થોડો સમય પહેલા રહેવા માટે આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
તેઓ પાસે પાસપોર્ટ નહીં હોવાનું અને પોતે બાંગ્લાદેશથી આવ્યા હોવાનું પોલીસ તંત્રને ધ્યાનમાં આવી ગયું છે, જેથી પાંચેય સામે પાસપોર્ટ ધારા ભંગ સહિતની જુદી-જુદી કલમ હેઠળ ગુનો નોંધવા અને ભારતીય એમ્બેસીને જાણ કરવા માટેની પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવી રહી છે.



