‘તમારા વિશે વિચારી રહ્યા છીએ…’ ન્યૂયોર્કના મેયર ઝોહરાન મમદાનીનો જેલમાં બંધ ઉમર ખાલિદને પત્ર | New York Mayor Zohran Mamdani Writes to Jailed Activist Umar Khalid

![]()
Zohran Mamdani Write a Latter to Umar Khalid : અમેરિકાના ન્યૂયોર્ક શહેરના નવનિયુક્ત મેયર ઝોહરાન મમદાનીએ જેલમાં બંધ ભારતીય વિદ્યાર્થઈ ઉમર ખાલિદને સ્વ હસ્તે લખેલો એક પત્ર મોકલીને સમર્થન કર્યું છે. 1 જાન્યુઆરી, 2026ના રોજ મેયર પદના શપથ લીધા બાદ આ પત્ર સામે આવ્યો છે, જે ઉમર ખાલિદ માટે આંતરરાષ્ટ્રીય સ્તરે સમર્થનનો એક મજબૂત સંદેશ આપે છે.
પત્રમાં શું લખ્યું?
ડિસેમ્બર 2025માં ઉમર ખાલિદના માતા-પિતાની અમેરિકા યાત્રા દરમિયાન લખાયેલા આ પત્રમાં મમદાનીએ લખ્યું છે, “પ્રિય ઉમર, હું અવારનવાર તારા એ શબ્દોને યાદ કરું છું જેમાં કટુતાને પોતાના પર હાવી ન થવા દેવાની વાત હતી. તારા માતા-પિતાને મળીને આનંદ થયો. અમે બધા તારા વિશે વિચારી રહ્યા છીએ.”
ઉમર ખાલિદની સાથીદાર બનોજ્યોત્સના લાહિડીએ આ પત્ર સોશિયલ મીડિયા પર શેર કર્યો છે, જે આંતરરાષ્ટ્રીય સ્તરે ઉમર ખાલિદ માટે એક મોટા ટેકા સમાન ગણાઈ રહ્યો છે. આ પત્ર પર જેમ્સ પી. મેકગવર્ન, જેમી રાસ્કીન, ક્રિસ વેન હોલેન અને ભારતીય મૂળના પ્રમીલા જયપાલ સહિતના ડેમોક્રેટિક નેતાઓએ હસ્તાક્ષર કર્યા છે.
જૂની મિત્રતા અને સમર્થન
આ પહેલીવાર નથી જ્યારે ભારતીય મૂળના મુસ્લિમ નેતા મમદાનીએ ઉમર ખાલિદનું સમર્થન કર્યું હોય. 2023માં ન્યૂયોર્કમાં એક કાર્યક્રમ દરમિયાન તેમણે ઉમર ખાલિદ દ્વારા જેલમાંથી લખાયેલો એક પત્ર જાહેરમાં વાંચ્યો હતો. તે સમયે તેમણે ઉમરને નફરત અને લિંચિંગ વિરુદ્ધ અવાજ ઉઠાવનાર ગણાવ્યો હતો. હવે મેયર બન્યા પછી પણ તેમનું આ સમર્થન યથાવત્ છે.
અમેરિકાથી ઉઠી રહ્યો છે ન્યાયનો અવાજ
આ દરમિયાન, અમેરિકન સાંસદ જેમ્સ પી. મેકગવર્ન સહિત આઠ ધારાસભ્યોએ ભારતના રાજદૂતને પત્ર લખીને ઉમર ખાલિદ અને અન્ય મુસ્લિમ એક્ટિવિસ્ટ્સની લાંબી અટકાયત પર ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે તપાસની નિષ્પક્ષતા પર સવાલો ઉઠી રહ્યા છે અને માનવાધિકાર સંગઠનોને ઉમરને આતંકવાદ સાથે જોડવાના કોઈ પુરાવા મળ્યા નથી. પત્રમાં ભારતને આંતરરાષ્ટ્રીય સમજૂતીઓનું પાલન કરીને ઝડપી ટ્રાયલ અથવા મુક્તિ સુનિશ્ચિત કરવા વિનંતી કરવામાં આવી છે.
ઉમર ખાલિદની વર્તમાન સ્થિતિ
ઉમર ખાલિદ 2020થી દિલ્હી રમખાણોના કથિત કેસમાં UAPA હેઠળ જેલમાં બંધ છે. તાજેતરમાં ડિસેમ્બર મહિનામાં બહેનના લગ્ન માટે તેમને વચગાળાના જામીન મળ્યા હતા. બનોજ્યોત્સનાના જણાવ્યા મુજબ, ઉમરે આખો સમય ઘરે જ વિતાવ્યો હતો, પરંતુ જામીનની શરતોને કારણે તે બહાર જઈ શક્યો ન હતો. જામીનનો સમયગાળો પૂરો થતાં તે ફરીથી જેલમાં છે.



