સિટી સર્વે વિભાગના તત્કાલીન મહિલા અધિકારીનું કૌભાંડમાં નામ ખૂલ્યા હોવાની ચર્ચા બાદ વધુ તપાસ હાથ ધરાઈ | investigation conducted female officer of the City Survey Department was revealed scam

![]()
સુરેન્દ્રનગર જીલ્લા કલેક્ટર કચેરીમાં ઈ.ડી.ની રેઇડ બાદ તપાસનો ધમધમાટ તેજ
તત્કાલીન મહિલા અધિકારીને પુછપરછ માટે સુરેન્દ્રનગર જીલ્લા કલેકટર કચેરી ખાતે બોલાવ્યા હોવાની ચર્ચાઓ
આગામી દિવસોમાં અન્ય વધુ અધિકારીઓની સંડોવણી પણ બહાર આવવાની શક્યતાઓ
સુરેન્દ્રનગર – સુરેન્દ્રનગર જીલ્લામાં ઈ.ડી.ના દરોડા બાદ હાલ એસીબી સહિત ઈ.ડી.ની ટીમો દ્વારા તપાસનો ધમધમાટ શરૃ છે. જેમાં સુરેન્દ્રનગર એસીબી કચેરી ખાતે જિલ્લા કલેક્ટર ડો.રાજેન્દ્રકુમાર પટેલ, નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી, કલેક્ટરના પી.એ. જયરાજસિંહ ઝાલા અને ક્લાર્ક મયુરસિંહ ગોહિલ સામે અપ્રમાણસર મિલકત અંગેનો ગુન્હો પણ નોંધાયો છે. ત્યારે ઈ.ડી.ની તપાસમાં જમીન તેમજ સિટી સર્વે વિભાગના એક તત્કાલીન મહિલા અધિકારીની સંડોવણી બહાર આવી હોવાનું સામે આવ્યું છે ત્યારે આ મહિલા અધિકારીને સુરેન્દ્રનગર જીલ્લા કલેક્ટર કચેરી ખાતે પૂરછપરછ માટે બોલાવી આગળની તપાસ હાથ ધરી હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.
સુરેન્દ્રનગર જીલ્લામાં ઈ.ડી.ની અલગ અલગ ટીમો દ્વારા દરોડા અને સર્ચ ઓપરેશન હાથ ધર્યા બાદ સુરેન્દ્રનગર એસીબી સહિત ઈ.ડી.ની ટીમો દ્વારા રાત દિવસ તપાસ તેજ કરી છે. જયારે દિલ્હી ખાતે ઈ.ડી.ની ટીમ દ્વારા નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીની ધરપકડ દરમિયાન અનેક નવા ખુલાસાઓ બહાર આવી રહ્યા છે. જેમાં મળી આવેલ જમીનની વિગતો સાથેની શીટ જૂની અને અગાઉના પૂર્વ કલેક્ટર કે.સી.સંપતના કાર્યકાળ દરમિયાનની હોવાનું પણ ચર્ચાતા આગામી દિવસોમાં પૂર્વ ક્લેક્ટર સામે પણ રેલો આવવાની શક્યતાઓ સેવાઈ રહી છે.
આ ઉપરાંત તપાસ દરમિયાન સિટી સર્વે કચેરીના એક તત્કાલીન મહિલા અધિકારીની પણ સંડોવણી બહાર આવી છે. ત્યારે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આ મહિલા અધિકારી સામે હાલ તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને મહિલા અધિકારીની બદલી થઈ ગઈ હોવા છતા જમીન કૌભાંડ મામલે તેમને સુરેન્દ્રનગર જીલ્લા કલેક્ટર કચેરી ખાતે બોલાવી ખાનગી રીતે જમીનને લગતી ફાઈલો અંગે પૂરપરછ કરવામાં આવી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
કલેક્ટર કચેરીમાં જમીન અને દસ્તાવેજોને લગતી ફાઈલોની ચકાસણી કરવામાં આવી રહી હોવાનું અને કોની કેટલી ફાઇલો એન.એ.થઈ છે ? સોલાર પ્લાન્ટની કેટલી ફાઇલો અને ક્યાં ગામની ફાઇલો છે ? આ તમામ બાબતો અંગે ફાઇલોની ચકાસણી થઈ રહી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આ સમગ્ર મામલે જીલ્લાના સ્થાનિક ઉચ્ચ અધિકારીઓ મૌન સેવી રહ્યા છે અને આગામી દિવસોમાં વધુ અધિકારીઓની સંડોવણી બહાર આવે તેમ લાગી રહ્યુ છે.



