दुनिया

સ્વિટ્ઝર્લેન્ડમાં વૈભવી રિસોર્ટમાં વિસ્ફોટથી 40નાં મોત, 100 ઘાયલ | 40 killed 100 injured in explosion at luxury resort in Switzerland



– નવા વર્ષની ઊજવણી માતમમાં ફેરવાઈ, આતંકી હુમલાની શક્યતા નકારાઈ

– રિસોર્ટના બારમાં બારમેડના હાથમાં સળગતી મિણબત્તીથી લાકડાની છતને આગ લાગતા તૂટી પડી : સાક્ષીઓનો દાવો

ક્રાન્સ-મોન્ટાના : દુનિયાની સાથે સ્વિટ્ઝર્લેન્ડમાં પણ નવા વર્ષની ધામધૂમથી ઊજવણી થઈ રહી હતી એવામાં સ્વિસ અલ્પાઈનમાં ક્રાન્સ-મોન્ટાના શહેરની સ્કી રિસોર્ટના બારમાં મધરાત પછી અચાનક જ આગ લાગ્યા પછી ભયાનક વિસ્ફોટ થતાં ૪૦ લોકોનાં મોત નીપજ્યાં છે અને ૧૦૦થી વધુ લોકો ઘાયલ થયા છે. નવા વર્ષની ઊજવણી વચ્ચે શરૂઆતમાં આ વિસ્ફોટ કોઈ આતંકી હુમલો હોવાનું મનાતું હતું, પરંતુ સરકારે પાછળથી તેને નકારી કાઢ્યો હતો. આ દુર્ઘટના સ્વિટ્ઝર્લેન્ડના ઈતિહાસમાં સૌથી ભયાનક દુર્ઘટના બની રહી છે.

સ્વિટ્ઝર્લેન્ડના ક્રાન્સ-મોન્ટાના શહેરમાં બુધવારે મોડી રાતે આંતરરાષ્ટ્રીય સ્કી અને ગોલ્ફ વેન્યુ તરીકે પ્રખ્યાત રિસોર્ટના લે કોન્સ્ટેલેશન બાર એન્ડ લાઉન્જમાં નવા વર્ષની ભવ્ય ઊજવણી થઈ રહી હતી. બારમાં ૧૫૦થી વધુ લોકો હાજર હતા. આ સમયે અચાનક જ બારની છતમાં આગ લાગી હતી અને જોત-જોતામાં છત તૂટી પડી હતી, જેને પગલે બારમાં બૂમરાણ મચી ગઈ હતી.

દક્ષિણ-પશ્ચિમ સ્વિટ્ઝર્લેન્ડના વાલિસ કેન્ટનમાં એક પોલીસ પ્રવક્તા ગૈટન લૈથિયને કહ્યું કે, બારમાં અજ્ઞાાત કારણોથતી વિસ્ફોટ થયો હતો. અનેક લોકો ઘાયલ થયા છે. આ વિસ્ફોટ અંદાજે ૧.૩૦થી ૨.૦૦ કલાકે લે કોન્સ્ટેલેશન બારમાં થયો હતો. આ દુર્ઘટના એટલી ભયાનક છે કે પીડિતોની ઓળખ પ્રક્રિયામાં લાંબો સમય લાગી શકે છે.

બારમાં આગ લાગતા વિવિધ દેશોમાંથી નવા વર્ષની ઊજવણી માટે રિસોર્ટમાં આવેલા પ્રવાસીઓની મદદ માટે હેલિકોપ્ટર્સ અને એમ્બ્યુલન્સર ઘટના સ્થળે દોડી ગયા હતા તેમ અધિકારીઓએ જણાવ્યું હતું.

આ ઘટના નજરે જોનારી બે મહિલાઓએ જણાવ્યું કે, આ ઘટના સમયે તેઓ બારની અંદર હતી. એક બારમેનને તેના ખભા પર બારમેઈડને લઈ જતા તેમણે જોયો હતો. બારમેઈડે એક બોટલમાં સળગતી મીણબત્તી પકડી રાખી હતી, જેનાથી લાકડાની છતમાં આગ લાગી હતી. આ આગ એકદમ ઝડપથી ફેલાઈ અને છત નીચે નવા વર્ષની ઊજવણી કરી રહેલા ટોળા પર તૂટી પડી હતી. નાઈટક્લબના બેઝમેન્ટમાં છત તૂટી પડતા લોકોએ સાંકડી સીડીઓ અને દરવાજામાંથી ભાગવાનો પ્રયત્ન કર્યો હતો.

અન્ય એક સાક્ષીએ કહ્યું કે, લોકો આગથી બચવા માટે બારીઓ તોડીને ભાગ્યા હતા, જેમાં કેટલાક લોકોને ગંભીર ઈજા થઈ હતી. આ બારમાં નવા વર્ષની ઊજવણી કરનારા મોટા ભાગના યુવાનો હતા, જેઓ આ દુર્ઘટનાનો ભોગ બન્યા હતા. આગની દુર્ઘટના સમયે રિસોર્ટમાં ૧૫થી ૨૦ વર્ષના યુવાનોની સંખ્યા સૌથી વધુ હતી. આગ એટલી ઝડપથી ફેલાઈ કે કેટલીક મિનિટોમાં જ ઉપરના માળ સુધી પહોંચી ગઈ.

સ્વિસ પોલીસ અને ફાયર બ્રિગેડે કહ્યું કે તેઓ સમાચાર મળતા જ મિનિટોમાં ઘટના સ્થળે પહોંચી ગયા હતા,  પરંતુ ત્યાં સુધીમાં ભારે વિનાશ થઈ ગયો હતો. વિસ્તારને તાત્કાલિક સીલ કરી દેવાયો હતો અને નો-ફ્લાય ઝોન જાહેર કરાયો હતો. અધિકારીઓએ કહ્યું કે, આગ લાગવાના કારણની તપાસ ચાલી રહી છે.



Source link

Related Articles

Back to top button