2026 : નાસા અને ઈસરોના અનેક મહત્ત્વપૂર્ણ સ્પેસ મિશનથી ભરપૂર વર્ષ | 2026: A year full of many important space missions from NASA and ISRO

![]()
– 1972ના એપોલો પ્રોગ્રામ બાદ નાસાનું મૂન મિશન
– ઈસરોના ગગનયાન, સ્પેસએક્સના સ્ટારશિપ મંગળ મિશન સહિત અનેક મિશન આ વર્ષને ખાસ બનાવશે
વોશિંગ્ટન : ૨૦૨૬નું વર્ષ સ્પેસ મિશન માટે અતિ મહત્ત્વપૂર્ણ રહેવાનું છે. ૧૯૭૨ બાદ ચંદ્ર ભ્રમણકક્ષામાં નાસાની વાપસી થવાની છે. આ મૂન મિશન સાથે જ નાસાની ક્રિસ્ટિના કોચ પહેલી મહિલા અવકાશયાત્રી બનશે. નાસાના આ મિશન સિવાય ઈલોન મસ્કની સ્પેસએક્સના સ્ટારશિપ મંગળ મિશન અને ઈસરોના ગગનયાન સહિત અનેક મિશન આવનારા દાયકાઓના અવકાશ સંશોધનોને વ્યાખ્યાયિત કરશે.
નાસાનું આર્ટેમિસ ૨ મિશન ફેબુ્રઆરી, ૨૦૨૬માં લોન્ચ કરવામાં આવી શકે છે. આ ૧૦ ૨દિવસના મિશનમાં ચાર અવકાશયાત્રીઓને ચંદ્રની આસપાસ ફ્લાયબાય પર મોકલાશે. જે ૧૯૭૨ના નાસાના એપોલો પ્રોગ્રામની સમાપ્તિ બાદ પહેલી વાર માણસો નીચી પૃથ્વી ભ્રમણકક્ષાની બહાર મુસાફરી કરશે. આ મિશન માટે નાસાના અવકાશયાત્રીઓ રીડ વાઈઝમેન, વિક્ટર ગ્લોવર અને ક્રિસ્ટીના કોચની પસંદગી કરવામાં આવી છે. આ સાથે જ કેનેડિયન સ્પેસ એજન્સીના અવકાશયાત્રી જેરેમી હેન્સન ૨૦૨૭ના આર્ટેમિસ-૩ મિશનની પૂર્વ તૈયારીઓ કરશે.
ઈસરો તેના ગગનયાન મિશનની તૈયારીઓ કરી રહ્યું છે. આ ત્રણ દિવસના મિશનનો હેતુ સમુદ્રના પાણીમાં સુરક્ષિત સ્પેશડાઉન કરતા પહેલા ૪૦૦ કિમીની ભ્રમણકક્ષામાં ત્રણ વ્યક્તિના ક્રૂને લોન્ચ કરીને ભારતની માનવ અવકાશ ઉડાન ક્ષમતા પૂરવાર કરવાનો છે. આ મિશન ભારતને સ્વતંત્ર રીતે ક્રૂ-સ્પેસક્રાફ્ટ લોન્ચ કરનાર વિશ્વનો ચોથો દેશ બનાવશે. બીજી તરફ, ચીને ૨૦૩૦ સુધીમાં પોતાના ક્રૂ સાથે ચંદ્ર પર ઉતરાણ કરવાની યોજના બનાવી છે. જેથી, ૨૦૩૦ સુધીમાં વિવિધ દેશો વચ્ચે એક પ્રકારની સ્પેસ મેરેથોન જોવા મળશે.
ઈલોન મસ્કની સ્પેસએક્સ તેના સ્ટારશિપ પ્રોગ્રામ સાથે નવા પડકારોનો સામનો કરશે.
તેમની યોજના ૨૦૨૬ના અંત સુધીમાં મંગળને ટારગેટ કરતી ટેસ્ટ ફ્લાઈટ મોકલવાની છે. જેમાં, રોબોટિક પેલોડ્સને સામેલ કરવામાં આવશે. આ ઉપરાંત તેમની સ્ટારશિપનું એક મોડલ નાસાના આર્ટેમિસ-૩ મિશન માટે મૂન લેન્ડર તરીકે સેવા આપવા તૈયાર કરવામાં આવ્યું છે. નાસા એસ્કેપેડ મિશન હેઠળ, મંગળના ચુંબકીય ક્ષેત્ર અને વાતાવરણનો અભ્યાસ કરવા માટે બે નાના ટ્વીન અવકાશયાનને લોન્ચ કરશે.



