લીંબડી નગરપાલિકાની બેદરકારીથી ધૂળ ખાતુ ૨૦ લાખનું સ્વીપર મશીન | Sweeper machine worth 20 lakhs is getting dusty due to the negligence of Limbdi Municipality

![]()
મેન્યુઅલ સફાઈમાં સફાઇ કર્મીઓ દાંઠિયા વાળતા લોકોને હાલાકી
ત્રણ વર્ષ પહેલા ખરીદાયેલા રોડ સ્વીપર મશીનનો એક વાર પણ ઉપયોગ ન કરાયોઃ હવે ભંગાર બનવાના આરે
લીંબડી – લીંબડી પાલિકાની અણઘડ નીતિને કારણે પ્રજાના ટેક્સના લાખો રૃપિયાનો ધુમાડો થઈ રહ્યો છે. પાલિકાએ ત્રણ વર્ષ અગાઉ ૨૦ લાખથી વધુના ખર્ચે રસ્તા સાફ કરવા માટે ‘રોડ સ્વિપર મશીન’ ખરીદ્યું હતું, જે આજે પાલિકાના કંપાઉન્ડમાં ભંગાર બની રહ્યું છે. બીજી તરફ, શહેરના રસ્તાઓ ધૂળથી ખદબદે છે, જેના કારણે નાગરિકોના સ્વાસ્થ્ય સામે ગંભીર ખતરો ઊભો થયો છે.
નવાઈની વાત એ છે કે ખરીદીના ત્રણ વર્ષ બાદ પણ આ મશીનનો એક પણ વાર ઉપયોગ કરવામાં આવ્યો નથી. પાલિકાના સત્તાધીશો જણાવે છે કે મશીન ચલાવવું ખર્ચાળ છે. જો નિભાવ ખર્ચ પરવડતો નહોતો, તો ૨૦ લાખનો ખર્ચ કરીને આ મશીન ખરીદાયું શા માટે? તેવો વેધક પ્રશ્ન જનતા પૂછી રહી છે. હાલમાં શહેરના મુખ્ય માર્ગો અને મહોલ્લાઓમાં ધૂળના થર જામ્યા છે. વાહનોની અવરજવરથી ઉડતી ધૂળને કારણે ખાણીપીણીની લારીઓ અને દુકાનોમાં ગંદકી ફેલાય છે, જેનાથી શ્વાસ અને ટીબી જેવા રોગોનો ભય વધી રહ્યો છે.
પાલિકા દ્વારા મેન્યુઅલ સફાઈના નામે માત્ર દેખાવ કરવામાં આવે છે. સફાઈ કામદારો ધૂળના ઢગલા કરે છે, જે સમયસર ઉપાડવામાં ન આવતા ફરી રસ્તા પર પથરાઈ જાય છે. લાખોના ખર્ચે વસાવાયેલું મશીન હવે કંપાઉન્ડમાં સડી જવાની તૈયારીમાં છે. જો આ મશીનનો ઉપયોગ નહીં કરવામાં આવે તો આગામી સમયમાં તે ભંગારમાં કાઢવાની નોબત આવશે. જનતાના પરસેવાની કમાણીના નાણાં આ રીતે વેડફાતા હોવાથી સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.



