બીમાર દીકરીને દવાખાને લઈ જતા પિતાનું વાહનની અડફેટે મોત નિપજ્યું | Father dies after being hit by vehicle while taking sick daughter to hospital

![]()
ગાંધીનગરના વડોદરા ગામે અકસ્માતની કરુણ ઘટના
છોટાઉદેપુરનો પરિવાર પાંચ મહિનાથી ડભોડા ખાતે કામ અર્થે આવ્યો હતો ઃ ચાલક સામે ગુનો દાખલ કરાયો
ગાંધીનગર : વર્ષના અંતિમ દિવસે ગાંધીનગરના વડોદરા ગામમાં એક હૃદયદ્રાવક
અકસ્માતની ઘટના સામે આવી છે. પોતાની નાની દીકરીને સારવાર માટે સરકારી દવાખાને લઈ
જઈ રહેલા પિતાને પૂરઝડપે આવતી એક અશોક લેલન ગાડીએ પાછળથી ટક્કર મારતા તેમનું
સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. જે અંગે ચાલક સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
ગાંધીનગર શહેર તેમજ આસપાસના વિસ્તારમાં અકસ્માતની ઘટનાઓ વધી
રહી છે ત્યારે શહેર નજીક આવેલા વડોદરા ગામમાં પુત્રીને દવાખાને લઈ જતા પિતાનું
અકસ્માતમાં મોત થયું છે. આ ઘટના અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે મૂળ
છોટા ઉદેપુરના અને હાલ ડભોડામાં મજૂરી કામ કરતા દિલીપભાઈ પ્રવિણભાઈ નાયકાની ૪
વર્ષની દીકરી દેવ્યાંશીને ઉધરસ થઈ હોવાથી,
તેઓ ૩૧ ડિસેમ્બરના રોજ સવારે તેને અને મોટી દીકરી વંદુને લઈને વડોદરા ગામના
સરકારી દવાખાને ચાલતા જઈ રહ્યા હતા. જ્યારે તેઓ વડોદરા ગામની ભાગોળે દવાખાના સામે
પહોંચ્યા, ત્યારે
વડોદરા ગામના પાટીયા તરફથી પૂરઝડપે આવતી એક અશોક લેલન ગાડીના ચાલકે દિલીપભાઈને
પાછળથી જોરદાર ટક્કર મારી હતી. અકસ્માતને પગલે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા
દિલીપભાઈને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
જોકે, પેટના
ભાગે અને શરીરે થયેલી ગંભીર ઇજાઓને કારણે સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું.
આ ઘટનાની જાણ થતા જ તેમના પત્ની નિશાબેન નાયકા અને અન્ય પરિવારજનો હોસ્પિટલ દોડી
આવ્યા હતા. જ્યાં તેમની ફરિયાદના આધારે પોલીસે વાહન ચાલક સામે ગુનો દાખલ કરીને
દોડધામ શરૃ કરી છે.



