માછીમારી જાળના પૈસાની લેતીદેતીમાં ઘાતકી હુમલો : આધેડની ઘાતકી હત્યા | Brutal attack over fishing net money: Brutal murder of middle aged man

![]()
જામનગરના સચાણા ગામે નવા વર્ષના પ્રારંભે જ ઘટના : તલવાર, છરી, ધોકા જેવા હથિયારો વડે હુમલામાં બન્ને પક્ષે 10 લોકો ઘાયલ, 14 ઈસમો સામે ગુનો દાખલ, 7 રાઉન્ડઅપ
જામનગર, : જામનગર તાલુકાના સચાણા ગામમાં નવા વર્ષના પ્રારંભે જ એક હત્યાની ઘટના સામે આવી છે. માછીમારી જાળીની પૈસાની લેતી-દેતીના મામલે ગઈકાલે મોડી સાંજે બે જૂથ વચ્ચે તકરાર થઈ હતી, જેમાં એક જ કુટુંબના ૧૦ સભ્યો પર તલવાર, છરી, ધોકા જેવા હથિયારો વડે હુમલો કરાયો હતો, અને તમામને સારવારના ખસેડાયા હતા. જે પૈકી મોડી રાત્રે એક આધેડનું મૃત્યું નિપજતાં આ બનાવ હત્યામાં પલટાયો હતો. પોલીસે હત્યાના બનાવ મામલે ૧૪ આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે. જે પૈકીના ૭ને રાઉન્ડઅપ કર્યા છે. અન્ય છ આરોપીઓની શોધખોળ ચાલી રહી છે. જ્યારે એક આરોપી સારવાર હેઠળ છે.
જામનગરના સચાણા ગામમાં રહેતા અને ખેતીકામ તથા માછીમારી કરતા હાજી બચુભાઈ કકલ, કે જેણે પોતાના જ પરિચિત એવા અકબર દાઉદ બુચડ પાસે માછીમારીની ઝાળ ખરીદી હતી, જેના પાંચ લાખ રૂપિયા આપવાના હતા. જે પૈકી ચાર લાખની રકમ આપી દીધી હતી. પરંતુ એક લાખ રૂપિયા બાકી હતા, જે આજે ૧ જાન્યુઆરી, ૨૦૨૬ ના દિવસે આપવાના હતા, પરંતુ અકબર દાઉદ બુચડ અને તેના અન્ય સાગ્રીતો તલવાર, પાઈપ, ધોકો, છરી જેવા હથિયારો સાથે ગઈકાલે મોડી સાંજે ધસી આવ્યા હતા, અને પૈસાની માંગીને હાજી બચુ કકલ અને તેના પરિવારની ત્રણ મહિલા સહિતના અન્ય સભ્યો પર હુમલો કર્યો હતો.
જેમાં સૌપ્રથમ હાજી બચુ કક્કલને ઇજા થઇ હતી. ઘરના સભ્યો બચાવવા માટે ત્યાં આવ્યા હતા, જેમાં બનેવી ઇસ્માઇલ ઇશાભાઈ સંઘાર, ઓસમાણ હુશેન સોઢા, નવાજ ઓસમાણ સોઢા, જાફર ઇસ્માઇલ સંઘાર, આઇશાબેન ઓસમાણભાઇ સોઢા, મુસ્કાન સમીર કકલ, અકબર બચુભાઈ કકલ, સુહાના અકબરભાઈ કકલ, બચુભાઈ હાસમભાઈ કકલ વગેરે ઉપર પણ હુમલા કરાતાં તમામને નાની મોટી ઈજા થઈ હોવાથી સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં બનેવી ઇસ્માઇલભાઈને ગંભીર ઇજા હોવાથી સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું અને આ બનાવ આખરે હત્યામાં પલટાઈ ગયો હતો. જ્યારે બાકીના અન્ય સારવાર હેઠળ છે.
જે બનાવ અનુસંધાને પંચકોશી એ-ડિવિઝનના પીઆઈ એન.એમ. શેખ અને તેઓની સમગ્ર ટીમ દ્વારા તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા અને 14 આરોપીઓ પૈકી સાત ઈસમોને રાઉન્ડઅપ કરી અન્યની શોધખોળ હાથ ધરી હતી. વળી, એક આરોપી ઇજાગ્રસ્ત બન્યો હોવાથી જામનગરની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જેના ઉપર પોલીસ પહેરો ગોઠવી દેવામાં આવ્યો હતો.



