તાઈવાનનો ચીનમાં વિલય કરાશે જ અને વિશ્વનો સૌથી મોટો બંધ બ્રહ્મપુત્રા બંધ બનશે જ | Taiwan will be merged with China and the world’s largest dam the Brahmaputra Dam will be built

![]()
– શી-જિનપિંગનો નવા વર્ષનો સંદેશો
– ચીનની સેના જ્યારે તાઈવાન જલ-સંધી (સ્ટ્રેઈટસ)માં પ્રચંડ યુદ્ધાભ્યાસ કરી રહી છે ત્યારે શીનો રાષ્ટ્રજોગ સંદેશો
બૈજિંગ : ચીનના સર્વેસર્વા પ્રમુખ શી-જિનપિંગે નવ વર્ષની પૂર્વ સંધ્યાએ, નવ વર્ષ નિમિત્તે આપેલા રાષ્ટ્રજોગ સંદેશામાં કહ્યું હતું કે, તાઈવાનનું ચીનમાં એકીકરણ કોઈ રોકી શકે તેમ નથી. તે ઉપરાંત તેઓએ કહ્યું હતું કે, વિશ્વનો સૌથી મોટો બંધ, બ્રહ્મપુત્રા ઉપરનો બંધ પણ બનીને જ રહેશે.
સામાન્ય શિરસ્તો તે છે કે, નવ વર્ષ નિમિત્તે પરસ્પરને શુભકામનાઓ પાઠવવામાં આવે છે, પરંતુ આ તો ચીન છે, તેના સરમુખત્યાર શી-જિનપિંગ છે. રાષ્ટ્ર જોગ ટીવી ઉપરના સંદેશામાં તેઓ ખુલ્લો પડકાર ફેંકે છે.
તાઈવાન અંગે તેઓએ કહ્યું, તાઈવાન જલ સંધિની બંને બાજુએ રહેનારા ચીનના લોકો રાહત અને બંધુત્વના અતૂટ બંધનથી જોડાયેલા છે અને તેઓનું જોડાણ અમારી માતૃભૂમિની મહેચ્છા છે, તેને કોઈ રોકી શકે તેમ નથી.
તાઈવાન અંગે શી-જિનપિંગનું આ કથન એવા સમયે આવ્યું છે કે જયારે ચીનની સેના તાઈવાન જળ સંધિ પાસે સઘન યુદ્ધાભ્યાસ કરી રહી છે. યુદ્ધ વિમાનો, વિમાનવાહક જહાજો, અને ડ્રોન્સ સાથેનો આ ૨૦૨૨ પછીનો સૌથી મોટો યુદ્ધાભ્યાસ છે. આ છઠ્ઠી વખત તેણે કર્યું છે. એટલે કે એક વર્ષમાં બે વખત આવો યુદ્ધાભ્યાસ તે કરતું રહ્યું છે.
ત્સાંગ-વો (બ્રહ્મપુત્ર) નદી પર બંધાનારા બંધનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું, આ ૧૭૦ અબજ ડોલરનો હાઈડ્રો પાવર પ્રોજેક્ટ છે.
ઉલ્લેખનીય છે કે અરૂણાચલ પ્રદેશની સરહદ પાસે બંધાઈ રહેલો આ બંધ ભારત અને બાંગ્લાદેશ બંને માટે ભયરૂપ છે. એક તરફ તેથી બંને દેશોમાં જળ-પ્રવાહ અટકી જાય તેમ છે. તેમાં જો ભારે વર્ષા દરમિયાન, તેમાંથી જળ પ્રવાહ (જાણી જોઈને) વહેતો મુકવામાં આવે તો બંને દેશોમાં પ્રચંડ પૂરો તારાજી સર્જી શકે તેમ છે. બંને દેશો માટે તે બંધ સૌથી મોટી ચિંતા બની રહ્યો છે.



