અમદાવાદ એરપોર્ટ પર DRIની મોટી કાર્યવાહી: બેંગકોકથી લવાયેલો રૂ.8 કરોડનો હાઇબ્રિડ ગાંજો ઝડપાયો, 1ની ધરપકડ | dri seizes hydroponic cannabis worth 8 crore at ahmedabad airport

![]()
Ahmedabad News: અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI)એ એક મોટી કાર્યવાહી કરતા આશરે રૂપિયા 8 કરોડની કિંમતનો 7.71 કિલો હાઈ-ગ્રેડ હાઈડ્રોપોનિક ગાંજો જપ્ત કર્યો છે. આ મામલે બેંગકોકથી આવેલા એક ભારતીય મુસાફરની ધરપકડ કરવામાં આવી છે.
કઈ રીતે ઝડપાયું ડ્રગ્સ?
DRI ને ચોક્કસ બાતમી મળી હતી કે એક મુસાફર નશીલા પદાર્થો લઈને આવી રહ્યો છે. જ્યારે આ મુસાફર બેંગકોકથી અમદાવાદ પહોંચ્યો, ત્યારે અધિકારીઓએ તેને અટકાવી તેના સામાનની તપાસ કરી હતી. તપાસ દરમિયાન કપડાંની વચ્ચે છુપાવેલા 6 વેક્યૂમ-પેક્ડ પ્લાસ્ટિકના પેકેટ મળી આવ્યા હતા. આ પેકેટો ખોલતા તેમાંથી તીવ્ર ગંધ આવતી હતી અને લીલા રંગનો નશીલો પદાર્થ જોવા મળ્યો હતો.
આ પણ વાંચો: અમદાવાદ-ગાંધીનગર હાઈવે પર અચાનક કાર ભડભડ સળગી ઉઠી, કારમાં સવાર બે લોકોનો આબાદ બચાવ
હાઈડ્રોપોનિક ગાંજો શું છે?
અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ સામાન્ય ગાંજો નથી પણ ‘હાઈડ્રોપોનિક ગાંજો’ છે. તે જમીનને બદલે માત્ર પોષક તત્વો ધરાવતા પાણી અને ખાસ ઇન્ડોર વાતાવરણમાં ઉગાડવામાં આવે છે. આ ગાંજો ખૂબ જ શક્તિશાળી હોય છે અને આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત સામાન્ય ગાંજા કરતા ઘણી વધારે હોય છે.



