યુનુસ સરકારે હિન્દુઓના અધિકાર છીનવ્યા, બાંગ્લાદેશમાં ચાર મોટા તહેવારોની રજા રદ | Bangladesh Muhammad Yunus Govt Skips Hindu Holidays Omits Language Day

![]()
Bangladesh Government Holiday Controversy : બાંગ્લાદેશમાં વચગાળાની મોહમ્મદ યુનુસ (Muhammad Yunus) સરકાર દ્વારા વર્ષ 2026 માટે સત્તાવાર રજાઓની યાદી જાહેર કરવામાં આવી છે. આ યાદીના કારણે દેશમાં ધાર્મિક અને રાજકીય વિવાદ ઉભો થયો છે. નવી યાદી મુજબ હિન્દુઓના મહત્ત્વના તહેવારો જેવા કે સરસ્વતી પૂજા, જન્માષ્ટમી અને મહાલયા પર કોઈ રજા આપવામાં આવી નથી. આ ઉપરાંત બુદ્ધ પૂર્ણિમા અને મે દિવસ (મજૂર દિવસ) પર પણ રજાઓ રદ કરવામાં આવી છે.
યુનુસ સરકાર પર ધાર્મિક લાગણી દુભાવાનો આક્ષેપ
સરકારની નવી ગાઈડલાઈન મુજબ આ તમામ તહેવારોના દિવસે શાળાઓ અને શૈક્ષણિક સંસ્થાઓ ખુલ્લી રહેશે. લોકો આક્ષેપ કરી રહ્યા છે કે, યુનુસ સરકાર હિન્દુઓના અધિકારો છિનવી રહી છે અને આ નિર્ણયથી ધાર્મિક લાગણીઓ દુભાઈ છે. જોકે રમઝાન અને ઈદ-ઉલ-ફિત્ર માટે રજાઓ આપવામાં આવી છે, પરંતુ તેના દિવસોની સંખ્યામાં પણ અગાઉની સરખામણીએ ઘટાડો કરવામાં આવ્યો છે.
ભાષા આંદોલનના ઈતિહાસને ભૂંસી નાખવાનો પ્રયાસ?
સૌથી મોટો વિવાદ ‘ભાષા શહીદ દિવસ’ (21 ફેબ્રુઆરી)ને લઈને ઉભો થયો છે. રજાઓની સત્તાવાર યાદીમાં ક્યાંય પણ આ દિવસનો ઉલ્લેખ કરાયો નથી. બાંગ્લાદેશના નિર્માણમાં 1952ના ભાષા આંદોલનનો મોટો ફાળો રહ્યો છે, ત્યારે અનેક લોકો આક્ષેપ કરી રહ્યા છે કે, સરકાર દેશના ઈતિહાસમાંથી ભાષા આંદોલનના પ્રતીકોને ભૂંસી નાખવા માંગે છે. અગાઉ પણ યુનુસ સરકારે મુક્તિ સંગ્રામ અને બંગબંધુ શેખ મુજીબુર રહેમાન સાથે જોડાયેલા ઘણા પાસાઓને ઈતિહાસમાંથી હટાવવાના નિર્ણયો લીધા છે.
યુનુસ સરકારની ટીકા
બીજીતરફ સરકારનો બચાવ કરી રહેલા સરકારી સૂત્રોનું કહેવું છે કે, 2026માં 21 ફેબ્રુઆરીએ શનિવાર છે, જે બાંગ્લાદેશમાં સાપ્તાહિક રજાનો દિવસ હોવાથી તેનો અલગથી ઉલ્લેખ કરાયો નથી. બીજીતરફ લોકો દલીલ કરી રહ્યા છે કે, 2025માં પણ આ દિવસે સાપ્તાહિક રજા હોવા છતાં તેને ભાષા દિવસ તરીકે નોટિફિકેશનમાં દર્શાવવામાં આવ્યો હતો. રજાઓને લઈ યુનુસ સરકારના નિર્ણયોની આકરી ટીકાઓ શરૂ થઈ ગઈ છે.
આ પણ વાંચો : શું વન-ડે મેચ રમાવાની બંધ થઈ જશે? પૂર્વ ભારતીય ખેલાડી આર. અશ્વિનના નિવેદને ચોંકાવ્યા



