બગદાણા કેસ: PIને તાત્કાલિક અસરથી રજા પર ઉતારી દેવાયા, હિરા સોલંકીએ લીધી પીડિતની મુલાકાત | Bagdana Police Station PI Dangar Live Reserve Hira Solanki met victim Navneet Baldhia Assault case

Navneet Baldhia Assault Case In Bagdana : સુપ્રસિદ્ધ યાત્રાધામ બગદાણાના સેવક નવનીત બાલધિયા પર થયેલા હુમલા બાદ સોશિયલ મીડિયામાં અનેક તર્ક-વિતર્ક વહેતા થયા છે. લોકસાહિત્યકાર માયાભાઈ આહીરનો માફી માંગતો વીડિયો અને ત્યારબાદ સેવક પર થયેલા હુમલાના કેસ મામલે બગદાણા પોલીસ સ્ટેશનના PI ડી.વી. ડાંગરને તાત્કાલિક અસરથી ‘લિવ રિઝર્વ’માં મૂકવામાં આવ્યા છે. બીજી તરફ, પીડિત સાથે રાજુલા વિધાનસભા બેઠક પરથી ચૂંટાયેલા ભાજપના ધારાસભ્ય હીરા સોલંકીએ મુલાકાત કરી હતી.
વિવાદની શરૂઆત ક્યાંથી થઈ?
થોડા દિવસો પૂર્વે મુંબઈના કાંદીવલીમાં આયોજિત એક કાર્યક્રમમાં લોકકલાકાર માયાભાઈ આહીરે મુંબઈના યોગેશ સાગરને ‘બગદાણા મંદિરના મેનેજિંગ ટ્રસ્ટી’ તરીકે સંબોધ્યા હતા. આ બાબતે બગદાણાના સેવક અને પૂર્વ સરપંચ નવનીત બાલધિયાએ માયાભાઈનું ધ્યાન દોર્યું હતું કે, “હાલ બગદાણા ગુરુ આશ્રમમાં કોઈ મેનેજિંગ ટ્રસ્ટી પદ નથી, તમામ માત્ર ટ્રસ્ટીઓ જ છે.”
પોતાની ભૂલ સમજાતા માયાભાઈ આહીરે ખેલદિલી પૂર્વક એક વીડિયો જાહેર કર્યો હતો. જેમાં તેમણે જણાવ્યું હતું કે, “મેનેજિંગ ટ્રસ્ટી શબ્દ વાપર્યો તે મારી ભૂલ હતી. મને નવનીતભાઈનો ફોન આવ્યો અને સત્યની જાણ થઈ, તે બદલ હું બગદાણા ટ્રસ્ટની ક્ષમા માંગુ છું.”
પીડિતે વીડિયોમાં કર્યા આક્ષેપ
ભાવનગર જિલ્લાના બગદાણા ગુરુ આશ્રમના સેવક નવનીત બાલધિયાએ હુમલાને લઈને એક વીડિયોમાં આક્ષેપ કર્યો હતો કે, ‘માયાભાઈના પુત્ર જયરાજ સાથેની વાતચીત બાદ રાત્રિના સમયે અજાણ્યા શખસોએ પાઈપ અને ધોકા વડે હુમલો કર્યો હતો. આ હુમલો કોઈ ‘મોટા માથા’ના ઈશારે કરવામાં આવ્યો હોઈ શકે છે અને પોલીસે તટસ્થ તપાસ કરવી જોઈએ.’ જેને લઈને કોળી સમાજ દ્વારા ઉગ્ર રજૂઆતો અને આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. કોળી સમાજે આક્ષેપ કર્યા હતા કે, પોલીસની તપાસમાં પક્ષપાત રાખવામાં આવી રહ્યો છે.

બગદાણા પો.સ્ટે.ના PIને તાત્કાલિક અસરથી ‘લિવ રિઝર્વ’ કરાયા
સમગ્ર મામલે તંત્ર દ્વારા બગદાણા પોલીસ સ્ટેશનના PI ડી.વી. ડાંગરને તાત્કાલિક અસરથી રજા પર ઉતારી દેવામાં આવ્યા છે. પોલીસે હુમલાની ઘટના મામલે અજાણ્યા 8 શખસો સામે ફરિયાદ નોંધી છે. જેમાં પીડિતે માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીર પર હુમલા કરાવ્યાનો ગંભીર આક્ષેપ લગાવ્યો છે, ત્યારે પોલીસે સમાજના દબાણને પગલે પી.આઈ. વિરૂદ્ધમાં પગલા લીધા છે. કેસ મામલે નવા તપાસ અધિકારીની નિમણૂક સાથે વધુ ખુલાસા થઈ શકે છે.

પીડિત સાથે હિરા સોલંકીએ કરી મુલાકાત
પીડિત નવનીત બાલધિયા હોસ્પિટલ છે, ત્યારે ધારાસભ્ય હીરા સોલંકીએ પીડિતની મુલાકાત લીધી હતી. આ સમયે તેમણે જણાવ્યું હતું કે, ‘કોળી સમાજે ઘણું સહન કર્યું, હવે કોઈ અન્યાય સહન નહીં થાય. નવનીતની સાથે આખો કોળી સમાજ છે.’



