ધ્રાંગધ્રા હાઉસિંગ બોર્ડના કામમાં ભ્રષ્ટાચારની રાવ | Corruption in the work of Dhrangadhra Housing Board

![]()
કમ્પાઉન્ડ વોલના નબળા કામથી રોષ
પાયો ખોદ્યા વગર જ દીવાલ બનાવી દેવાઇ, પથ્થરો પણ નબળી ગુણવત્તાના વપરાયા
ધ્રાંગધ્રા – ધ્રાંગધ્રા શહેરમાં રાજ્ય સરકારની આવાસ યોજના અંતર્ગત ગરીબ અને જરૃરિયાતમંદ પરિવારો માટે પ્લોટિંગની સુવિધા ઊભી કરવાના ભાગરૃપે ત્રણથી ચાર કિલોમીટરના વિસ્તારમાં કમ્પાઉન્ડ વોલ બનાવવાનું કામ હાથ ધરવામાં આવ્યું છે. જોકે, આ કામમાં સરકારી ગ્રાન્ટનો દુરુપયોગ થતો હોવાના આક્ષેપો સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ, કેશોદની વચ્છરાજ કન્સ્ટ્રક્શન એજન્સી દ્વારા કરવામાં આવી રહેલી આ કામગીરીમાં દિવાલ માટે પૂરતો પાયો ખોદ્યા વગર જ સીધું ચણતર કરવામાં આવી રહ્યું છે. નાગરિકોના જણાવ્યા અનુસાર, કામમાં અત્યંત નબળી ગુણવત્તાના પથ્થરોનો ઉપયોગ થઈ રહ્યો છે અને સિમેન્ટનું પ્રમાણ પણ નહિવત રાખવામાં આવે છે. તેમજ, સ્થળ પર કોઈ જવાબદાર અધિકારી કે કોન્ટ્રાક્ટરની હાજરી વગર માત્ર શ્રમિકો દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે, જે ભવિષ્યમાં મોટી હોનારત નોતરી શકે છે.
આ ગંભીર બેદરકારી મામલે જાગૃત નાગરિકો દ્વારા હાઉસિંગ વિભાગ, ગાંધીનગરને લેખિત રજૂઆત કરવામાં આવી છે. તેમની માંગ છે કે આ કમ્પાઉન્ડ વોલના કામની ઉચ્ચસ્તરીય તપાસ કરવામાં આવે અને ભ્રષ્ટાચાર આચરનાર એજન્સીને તાત્કાલિક બ્લેકલિસ્ટ કરવામાં આવે. જો તંત્ર દ્વારા આ મામલે સત્વરે યોગ્ય કાર્યવાહી કરી નબળું કામ અટકાવવામાં નહીં આવે, તો આવનારા દિવસોમાં ધ્રાંગધ્રાના નાગરિકો દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.


