નવા વર્ષની ઉજવણી માતમમાં ફેરવાઈ! સ્વિત્ઝર્લેન્ડના રિસોર્ટમાં વિસ્ફોટ, 10ના મોત, અનેક ઈજાગ્રસ્ત | Massive explosion at Swiss resort amid New Year celebrations many deaths feared

![]()
Switzerland Blast News : નવા વર્ષની ઉજવણી વચ્ચે ગુરુવારે સ્વિત્ઝર્લેન્ડના રિસોર્ટમાં એક મોટી દુર્ઘટના સર્જાયાની માહિતી સામે આવી રહી છે. અહીં એક સ્કી રિસોર્ટમાં પ્રચંડ વિસ્ફોટ થતાં 10 લોકોના મોત નિપજ્યાં હતા. જ્યારે અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
પોલીસે શું કહ્યું?
સ્વિસ પોલીસે ગુરુવારે સવારે જણાવ્યું હતું કે આ વિસ્ફોટ લક્ઝરી અલ્પાઈન સ્કી રિસોર્ટ સિટી ક્રેસ મોન્ટાનામાં એક બારમાં થયો હતો. આ વિસ્ફોટને કારણે મોત અને ઈજાગ્રસ્તોનો આંકડો મોટો હોઈ શકે છે. કેમ કે બ્લાસ્ટને પગલે આખી ઈમારત આગમાં ઘેરાઈ ગઇ હતી. આ બારમાં 400 લોકો હાજર રહી શકે એટલી ક્ષમતા હતી. જોકે આ ઘટનાના સમયે બારમાં 100 લોકો હાજર હતા. જેમાંથી 10 લોકોના મોત થતાં ઘણાં લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
જાણીતા બારમાં બ્લાસ્ટ
દક્ષિણ-પશ્ચિમ સ્વિત્ઝર્લેન્ડના વોલિસ કેન્ટનમાં એક પોલીસ પ્રવક્તા ગેટન લેથિયને કહ્યું કે હજુ સુધી બ્લાસ્ટનું કારણ જાણી શકાયું નથી. આ ઘટના સવારે 1:30 વાગ્યાની આસપાસ કોન્સ્ટેલશન નામના એક બારમાં બની હતી. આ બાર પર્યટકો વચ્ચે લોકપ્રિય છે. તે સમયે લોકો નવા વર્ષની ઉજવણી કરી રહ્યા હતા.
સ્વિસ મીડિયાના હવાલાથી સામે આવેલી તસવીરોમાં એક ઈમારતમાં ભીષણ આગની સ્થિતિ જોઈ શકાય છે. જ્યારે આજુબાજુ ઈમરજન્સી વિભાગની ગાડીઓ ઊભેલી દેખાઈ રહી છે. પોલીસના અહેવાલ અનુસાર હજુ પણ બચાવ અભિયાન જારી છે.


