2026ની શરૂઆતમાં જ રશિયા-યુક્રેન વચ્ચે તણાવ વધ્યો! ઝેલેન્સ્કીએ કહ્યું- આત્મસમર્પણ નહીં કરું | Russia Ukraine War: Putin Predicts Victory Zelenskyy Rejects Weak Peace Deal

![]()
Russia-Ukraine War: રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા ચાર વર્ષથી સૈન્ય સંઘર્ષ ચાલી રહ્યો છે. આ સંઘર્ષ સમાપ્ત કરવા વિશ્વના અનેક દેશો પ્રયાસ કરી ચૂક્યા છે. હાલના દિવસોમાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ મધ્યસ્થી કરી રહ્યા છે. એવામાં વર્ષ 2026માં આ સંઘર્ષ સમાપ્ત થશે કે નહીં તેને લઈને વિશ્વની નજર શાંતિ કરાર પર છે. એવામાં રશિયા અને યુક્રેનના પ્રમુખે વર્ષના પહેલા જ દિવસે મોટું નિવેદન આપ્યું છે.
પુતિનને જીતનો વિશ્વાસ
રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિને કહ્યું કે યુક્રેન સામે રશિયાનો જ વિજય થશે. તેમણે પોતાના સંબોધનમાં રશિયાના સૈનિકોને અસલી હીરો બનાવ્યા અને દેશને વિશ્વાસ અપાવ્યો કે વિજય રશિયાનો જ થશે. નોંધનીય છે કે તેમણે પોતાના સંબોધનમાં યુક્રેનના ડ્રોન ઍટેક મુદ્દે કોઈ ઉલ્લેખ કર્યો નહોતો.
ઝેલેન્સ્કીની કરાર પર સહી ન કરવાની ચીમકી
બીજી તરફ યુક્રેનના પ્રમુખ વૉલોદિમીર ઝેલેન્સ્કીએ નવા વર્ષની પૂર્વ સંધ્યાએ દેશને સંબોધિત કરતાં કહ્યું કે અમે યુદ્ધ સમાપ્ત કરવા માંગીએ છીએ પણ કોઈ પણ ભોગે નબળો શાંતિ કરાર સ્વીકારીશું નહીં. અમે એવો કોઈ જ કરાર નહીં કરીએ જેનાથી દેશનું ભવિષ્ય ખતરામાં પડે. અમે યુદ્ધનો અંત કરવા માંગીએ છીએ, યુક્રેનનો નહીં. જો કોઈ એવું વિચારતું હોય કે યુક્રેન આત્મસમર્પણ કરી દેશે, તો તે ભ્રમમાં છે. હું માત્ર મજબૂત કરાર પર જ હસ્તાક્ષર કરીશ.
નોંધનીય છે કે યુક્રેનની મીડિયાનો દાવો છે કે યુક્રેનના 19 ટકા વિસ્તાર પર હવે રશિયાનો કબજો છે.


