જામનગરમાં જૂથ અથડામણ: સચાણા ગામે પૈસાની લેતી-દેતીમાં હિચકારો હુમલો, 1 આધેડનું મોત, 9 સારવાર હેઠળ | Jamnagar News Sachana Village Clash Between Two Groups money transaction Jamnagar Police

![]()
Jamnagar News: જામનગરના સચાણા ગામમાં ગઈકાલે રાત્રે બે જૂથ વચ્ચે ધિંગાણું થતાં તંગદિલીભર્યું વાતાવરણ સજાર્યું હતું. જેમાં એક ઇજાગ્રસ્ત આધેડનું સારવાર દરમિયાન મોત થતાં ઘટના હત્યામાં ફેરવાઇ છે. સમગ્ર મામલે પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે. પ્રાથમિક વિગતો મુજબ પૈસાની લેતીદેતી મામલે બે જૂથ સામ સામે આવી ગયા હતા. હુમલાખોરોએ પાઈપ અને હથિયારો સાથે એક પરિવારના 10 સભ્યો પર હુમલો કર્યો હતો.
14 સામે ગુનો, 7ની ધરપકડ, એક આરોપી સારવાર હેઠળ
માછીમારી જાળીની પૈસાની લેતી દેતી મામલે ગઈકાલે (31 ડિસેમ્બર) મોડી સાંજે બે જૂથ વચ્ચે તકરાર થઈ હતી, જેમાં એક જ કુટુંબના 10 સભ્યો પર તલવાર છરી ધોકા જેવા હથિયારો વડે હુમલો કરાયો હતો, તમામને સારવારના ખસેડાયા હતા જે પૈકી મોડી રાત્રે એકનું મૃત્યું નિપજતાં આ બનાવ હત્યામાં પલટાયો હતો. પોલીસે હત્યાના બનાવ મામલે 14 આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે. જે પૈકીના 7ને રાઉન્ડઅપ કર્યા છે. અન્ય 6 આરોપીઓની શોધખોળ ચાલી રહી છે. જ્યારે એક આરોપી સારવાર હેઠળ છે.
1 લાખ રૂપિયા બાકી હતા, હથિયારોથી હુમલો
બનાવ વિગતો જોઈએ તો જામનગર તાલુકાના સચાણા ગામમાં રહેતા અને ખેતી કામ તથા માછીમારી કરતા હાજી બચુભાઈ કકલને પોતાના જ પરિચિત એવા અકબર દાઉદ બુચડ પાસે માછીમારીની જાળ ખરીદી હતી, જેના પાંચ લાખ રૂપિયા આપવાના હતા. જે પૈકી ચાર લાખની રકમ આપી દીધી હતી. પરંતુ એક લાખ રૂપિયા બાકી હતા, જે 1 જાન્યુઆરી 2026ના દિવસે આપવાના હતા, પરંતુ અકબર દાઉદ બુચડ અને તેના અન્ય સાગરીતોએ ધારદાર હથિયારો સાથે ગઈકાલે મોડી સાંજે ધસી આવ્યા હતા, અને ગઈકાલે જ પૈસાની માંગણીના સંદર્ભમાં તકરાર કર્યા બાદ તમામ લોકોએ હાજી બચુ કકલ અને તેના પરિવારના ત્રણ મહિલા સહિતના અન્ય સભ્યો પર હીંચકારો હુમલો કરી દીધો હતો, જોત જોતાંમાં વાતાવરણ તંગ બની ગયું હતું. જૂથ અથડામણ જેવી સ્થિતિ સર્જાઇ હતી.
સચાણા ગામમાં પોલીસ બંદોબસ્ત
સચાણા ગામમાં બે જૂથ વચ્ચે થયેલી મારામારીમાં દસ લોકો ઘાયલ થયા હતા. ઇસ્માઇલ સંધાર નામના આધેડને ગંભીર ઇજા થતાં તેમનું મોત થયું છે. બાકીના 9 લોકોની સારવાર જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ચાલી રહી છે. ઘટના બાદ સચાણા ગામ પોલીસ પહેરામાં ફેરવાઇ ગયું છે. બે જૂથ વચ્ચેની આ બબાલ હવે મોટું સ્વરૂપ ધારણ ન કરે તે માટે પોલીસે સધન ચેકિંગ શરૂ કર્યું છે.
ફરિયાદીએ શું કહ્યું?
આ બનાવ અંગે હાજી બચુ કકલે પંચકોસી એ. ડિવિઝન પોલીસ સમક્ષ નોંધાવેલી પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે ‘અમારા ગામના અકબર દાઉદ બુચડ પાસેથી માછલી પકડવાની જાળી લીધેલી હતી. જેના રૂપિયા બાબતે આરોપીએ સંપ કરીને ઘરના સભ્યો પર જીવલેણ હુમલો કર્યો છે. હુમલાખોરો અકબર દાઉદ બુચડ, તથા ઉંમર દાઉદ બુચડ, સીદીક દાઉદ બુચડ, જાફર ઉંમર બુચડ, ઇમરાન ઉમર બુચડ, અફજલ ઉમર બુચડ, જુસબ ઓસમાણ ગંઢાર, સુલતાન જાકુભાઈ બુચડ, આબીદ હાજી સાયચા, જાકીરહુશેન જુમાઅલી જામ, સબીર અસગર બુચડ, જીલાની અસગર બુચડ, જાવેદ જુમાઅલી જામ વગેરે 14 આરોપીઓ સામે હુમલા તેમજ હત્યા અંગેની ફરીયાદ નોંધાવી છે. ઘરના 10 સભ્યોને શરીરે તેમજ માથાના ભાગે સામાન્ય તેમજ ગંભીર ઇજાઓ પહોંચાડી છે. જેમાંથી એકનું મોત થયું છે.’



