તારાપુરના કનેવાલ તળાવની વચ્ચે આવેલા 2 ટાપુ પરથી 35 દબાણો હટાવાયા | 35 pressures removed from 2 islands in the middle of Kanewal Lake in Tarapur

![]()
– 8 હિટાચી મશીન, ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે સિંચાઈ વિભાગ દ્વારા
– વર્ષોથી ટાપુ પરની 100 વિઘા જેટલી જમીન પર લોકો દ્વારા અનઅધિકૃત ઘરો બનાવી ખેતી કરાતી હતી
તારાપુર : તારાપુરમાં સિંચાઈ વિભાગ હસ્તકના કનેવાલ તળામાં વર્ષોથી બે ટાપુ પરની ૧૦૦ વિઘા જેટલી જમીન પર લોકો દ્વારા અનઅધિકૃત ઘરો બનાવી ખેતી કરાતી હતી. ત્યારે હાલ સરકાર દ્વારા વિકાસના પ્રોજેક્ટ હાથ ધરવમાં આવતા ડિમોલિશનની કામગીરી હાથ ધરાઈ હતી. સિંચાઈ વિભાગ દ્વારા ૮ હિટાચી મશીન, ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે બે ટાપુ પરથી ૩૫ જેટલા દબાણો હટાવામાં આવ્યા હતા.
તારાપુરમાં સિંચાઈ વિભાગ હસ્તકના કનેવાલ તળાવમાં સરકાર દ્વારા હાલ વિકાસના પ્રોજેક્ટ અંતર્ગત તળાવ ઊંડું કરવાનું તેમજ રીમોડલિંગ અને તળાવના પાળાના નવીનીકરણનું કામકાજ હાથ ધરાયું છે. ત્યારે કેટલાક શખ્સોે દ્વારા વર્ષોથી અનઅધિકૃત રીતે ઘરો બનાવી ૧૦૦ વીઘા જેટલી જમીનમાં ગેરકાયદેસર ખેતી કરવામાં આવતી હતી. જેને લઈ સિંચાઈ વિભાગ દ્વારા કનેવાલ તળાવની વચ્ચોવચ આવેલા બે બેટ પર અનઅધિકૃત રીતે બાંધવામાં આવેલા ૩૫ જેટલા કાચા-પાકા દબાણો અને ૧૦૦ વીઘા જેટલી જમીન પર અનઅધિકૃત રીતે કરવામાં આવતી ખેતી સહિતના દબાણો આઠ હિટાચી મશીન દ્વારા તથા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આજે દૂર કરાયા હતા.
કનેવાલ તળાવમાંથી તારાપુર ખંભાત અને સૌરાષ્ટ્રના ગામોને પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે. સરકાર દ્વારા છેલ્લા ચારેક માસથી કનેવાલ તળાવમાં પાણીની સંગ્રહ શક્તિ વધારવા ઊંડું કરવાની કામગીરીને લઈ તળાવ ખાલી કરાયું હતું અને નવીનીકરણની કામગીરી હાલ ચાલુ છે. તળાવ ઊંડું કરવા અને નવીનીકરણની કામગીરીને લઈ છેલ્લા ચારેક માસ પહેલા તળાવ ખાલી કરાયું હતું. પીવાના પાણીની તંગી નિવારવા માટે બે દિવસમાં તળાવમાં પાણી ભરવાનું શરૂ કરાશે તેમ તારાપુર સિંચાઈ વિભાગના ડે.એન્જિ નિકુંજભાઈએ જણાવ્યું હતું. કનેવાલ તળાવના બેટ પર જવા માટે કોઈ રસ્તો નથી એક માત્ર હોળી દ્વારા જ બેટ ઉપર જઈ શકાતું હતું. છતાં પણ તળાવની વચોવચ આવેલા બે ટાપુ પર અનઅધિકૃત રીતે પાકા મકાનો બનાવી, સરકારી જમીન પર ખેતી કરવામાં આવતી હતી. બંને બેટ પર જવા માટે ગેરકાયદેસર રીતે હોળી લઈને જીવના જોખમે લોકો અવરજવર કરતા હતા.



