યુવા વર્ગ યુપીઆઈનો સૌથી વધારે ઉપયોગ શોપિંગ અને મોબાઈલ રિચાર્જ માટે કરે છે | youth of gujarat use upi most for shopping says msu researchers

![]()
વડોદરાઃ ગુજરાતનો યુવા વર્ગ બહુ ઝડપથી ડિજિટલ વોલેટ એટલે કે યુપીઆઈ( યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ) તરફ વળી ગયો છે.૧૦૦માંથી ૯૨ ટકા યુવાઓને યુપીઆઈ અંગે મોટાભાગની અથવા તો અશંતઃ જાણકારી છે.માત્ર ૭ ટકા યુવાઓ જ યુપીઆઈ અંગે માહિતગાર નથી.આ જાણકારી એમ.એસ.યુનિવર્સિટીના કોમર્સ એન્ડ બિઝનેસ મેનેજમેન્ટ વિભાગના પીએચડી સંશોધકો પંકિતા ગોહિલે પોતાના અધ્યાપક ડો.સંદિપ પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ કરેલા પીએચડીમાં સામે આવી છે.ગુજરાતમાં પ્લાસ્ટિક મની અને ડિજિટલ વોલેટના ઉપયોગ અંગે પીએચડીના ભાગરુપે પંકિતા ગોહિલે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટના ૧૮ થી ૩૨ વર્ષના ૧૩૩૦ યુવાઓના પ્રત્યક્ષ અને ઓનલાઈન ઈન્ટરવ્યૂ લીધા હતા.આ પૈકીના ૭૫ ટકા યુનિવર્સિટી અને કોલેજોમાં અભ્યાસ કરતા હતા.આ સંશોધનમાં એવું પણ સામે આવ્યું છે કે, યુવાઓ યુપીઆઈનો સૌથી વધારે ઉપયોગ ઓનલાઈન અને ઓફલાઈન શોપિંગ કરવા માટે, મોબાઈલ રિચાર્જ કરવા માટે કરે છે.આ ટકાવારી અનુક્રમે ૩૨ ટકા અને ૨૦ ટકા છે.રસપ્રદ બાબત એ છે કે, ૭૭ ટકાએ કહ્યું હતું કે, યુપીઆઈનો ઉપયોગ અમે નોટબંધી પછી જ શરુ કર્યો છે.
વપરાશ કેટલા સમયથી
૬૬ ટકા ૧-૨ વર્ષથી
૨૫ ટકા ૩- ૫ વર્ષથી
૮ ટકા પાંચ વર્ષથી વધારે
રોજના કેટલા ટ્રાન્ઝેક્શન
૪૬ ટકા ૦ -૧
૩૮ ટકા ૨-૪
૯.૧ ટકા ૫-૭
૬.૫ ટકા સાતથી વધારે
ઉપયોગ કરવાના કારણ
૪૬ ટકા સરળ ઉપયોગ
૩૪ ટકા સુરક્ષા, સલામતી
૨૯.૫ ટકા સ્ટેટસ
૨૪.૭ ટકા કોઈ ચાર્જ નહીં
૨૨ ટકા રોકડ ના હોય તો ઉપયોગી
પ્રેરણા કોની પાસેથી મળી
૩૦.૪ ટકા મિત્રો
૧૮ ટકા સહકર્મચારીઓ
૩૨ ટકા પરિવારના સભ્યો
૧૨ ટકા સગા- સબંધી
ઉપયોગ શેના માટે
૨૧ ટકા ઓનલાઈન શોપિંગ
૧૧.૫ ટકા ઓફલાઈન શોપિંગ
૨૦.૫ ટકા મોબાઈલ રિચાર્જ
૭.૬ ટકા ફૂડ ઓર્ડર
૫.૮ ટકા ટિકિટ બૂકિંગ
૧૮.૫ ટકા યુટિલિટી બિલ
૧૪.૯ ટકા ફંડ ટ્રાન્સફર
જાણકારી કોની પાસેથી મળી
૨૪.૭ ટકા ઈન્ટરનેટ
૪૧.૨ ટકા મિત્રો
૧૮.૯ ટકા ટેલિવિઝન
એક વર્ષમાં ટ્રાન્ઝેક્શનમાં ૩૨ ટકાનો વધારો
ભારતમાં યુપીઆઈ થકી એક મહિનામાં ૧૮.૩૯ અબજ નાણાકીય વ્યવહારો
દેશમાં ૪૯ કરોડ લોકો, ૬૭૫ બેન્કો અને ૬.૫ કરોડ વેપારીઓ યુપીઆઈ સાથે જોડાયેલા છે
નેશનલ પેમેન્ટસ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના આંકડા ભારતમાં યુપીઆઈની સફળતાની ચાડી ખાઈ રહ્યા છે.આ આંકડા પ્રમાણે
–જૂન મહિનામાં યુપીઆઈ થકી ૧૮.૩૯ અબજ નાણાકીય વ્યવહારો થયા હતા અને તેની વેલયૂ ૨૪.૦૩ લાખ કરોડ રુપિયા હતી.
–ગત વર્ષે આ જ મહિનામાં ૧૩.૮૮ અબજ નાણાકીય વ્યવહાર માટે યુપીઆઈનો ઉપયોગ કરાયો હતો.આમ એક જ વર્ષમાં યુપીઆઈથી થતા ટ્રાન્ઝેક્શનમાં ૩૨ ટકા જેટલો વધારો નોંધાયો છે.
–હાલના તબક્કે લગભગ ૪૯ કરોડ લોકો અને ૬.૫ કરોડ વેપારીઓ યુપીઆઈનો ઉપયોગ કરી રહ્યા છે.
–૬૭૫ બેન્કોને એક પ્લેટફોર્મ પર લાવવામાં યુપીઆઈએ ભૂમિકા અદા કરી છે.જેના કારણે લોકો ગમે તે બેન્કમાં એકાઉન્ટ ધરાવતા હોય પણ યુપીઆઈનો ઉપયોગ કરી શકે છે.
–ભારતમાં યુપીઆઈએ પ્લાસ્ટિક મની એટલે કે ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડની સરખામણીએ નાણાકીય વ્યવહારમાં વર્ચસ્વ જમાવ્યું છે.દેશમાં થતા ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં ૮૫ ટકા હિસ્સો યુપીઆઈનો છે.
–વૈશ્વિક સ્તરે યુપીઆઈ ટ્રાન્ઝેક્શનમાં ભારતનો ફાળો ૫૦ ટકા જેટલો છે.
દરેક ભારતીય રોજ ૧૪ ટ્રાન્ઝેક્શન કરે છે
ભારતમાં પ્રતિ સેકન્ડ ૭૫૦૦ નાણાકીય વ્યવહાર યુપીઆઈથી થાય છે તો એક દિવસમાં સરેરાશ ૬૮૨૦ લાખ ટ્રાન્ઝેક્શન યુપીઆઈથી થાય છે.આમ દરેક ભારતીય રોજ સરેરાશ ૧૪ ટ્રાન્ઝેક્શન કરે છે.છેલ્લા કેટલાક વર્ષોમાં યુપીઆઈનો વધેલો વ્યાપ અભૂતપૂર્વ છે.
ડો.સંદિપ પ્રજાપતિ, પીએચડી ગાઈડ અને અધ્યાપક
અર્થતંત્રમાં પારદર્શિતા વધી રહી છે
યુપીઆઈના વધી રહેલા ચલણના કારણે અર્થતંત્રમાં પારદર્શિતા પણ વધી રહી છે.બેન્કિંગ સિસ્ટમમાં આજે ૫૭ ટકા ટ્રાન્ઝેક્શન ડિજિટલ કરન્સીથી થઈ રહ્યા છે.જેમાં તમામ પ્રકારના ઓનલાઈન ટ્રાન્ઝેકશનનો સમાવેશ થાય છે.જ્યારે ચેકથી થતી લેવડ દેવડનું પ્રમાણ ૩ ટકા જ રહ્યું છે.બાકીના બેન્કિંગ ટ્રાન્ઝેક્શન કેશથી થઈ રહ્યા છે.
પંકિતા ગોહિલ, પીએચડી સંશોધકો અને બારડોલીની કોલેજના અધ્યાપક


