મુંબઇ-દિલ્હી એક્સપ્રેસ વે પર ટ્રકે પલટી મારતા શેરડી નીચે દબાઇ જતા યુવાનનું કરૃણ મોત | accident at express way one dead

![]()
વડોદરા, તા.31 મુંબઇ-દિલ્હી એક્સપ્રેસ હાઇવે પર ફાજલપુર ટોલનાકા પાસે એક ટ્રક પલટી મારતા શેરડીની નીચે દબાઇ જતા એક યુવાનનું કરૃણ મોત નિપજ્યું હતું જ્યારે અન્ય એકને ઇજા થતા સારવાર માટે ખસેડાયા છે.
પ્રાપ્ત માહિતી મુજબ બોટાદમાં હણકુઇ વિસ્તારમાં નવહથ્થા હનુમાન મંદિર પાછળ રહેતા સુરેશ રવજીભાઇ જીલીયા તા.૨૯ના રોજ ઘેરથી સુરત ખાતે સરદાર માર્કેટમાં શેરડી ખરીદવા ગયા હતાં. બીજા દિવસે સુરતમાં શેરડી ખરીદીને પિન્ટુ જેસલભાઇ મેટાલિયાની આઇસર ટ્રક ભાડે કરી તેમાં શેરડી ભરીને હું તેમજ મારા અન્ય સંબંધીઓ બોરસદ જવા માટે સાંજે નીકળ્યા હતાં.
ટ્રક કિશન ઘનશ્યામ રાફૂસા ચલાવતો હતો. અમે મુંબઇ-દિલ્હી એક્સપ્રેસ હાઇવે પરથી પસાર થતા હતા અને ફાજલપુર ટોલનાકા પાસે ટ્રકને ટર્ન મારતા તે પલટી મારતા ટ્રકની ઉપર બેસેલ ગોપાલ પુજાભાઇ દેવીપૂજક (રહે.યોગીચોક, નાના વરાછા, સુરત) અને પ્રહલાદભાઇ ગાડી પરથી નીચે પટકાતા તેઓ શેરડીની નીચે દબાઇ ગયા હતાં. બંનેને સારવાર માટે પ્રથમ વાસદ ખાતેની હોસ્પિટલમાં લઇ જવાયા હતા અને ત્યાંથી વડોદરાની સયાજી હોસ્પિટલમાં ખસેડતા ગોપાલનું મોત નિપજ્યું હોવાનું જાહેર કરાયું હતું. આ બનાવ અંગે નંદેસરી પોલીસે ટ્રકના ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.



