વડોદરામાં નવા યાર્ડ ગટરની કામગીરી અંગે ખોદાયેલા ખાડામાં પડેલી મહિલાને માથામાં 15 ટાંકા આવ્યા | woman who fell into pit dug for new yard drain in Vadodara

![]()
Vadodara Corporation : સંસ્કાર નગરી વડોદરાનું નવું નામ હવે ખાડોજરા પડી ગયું છે ત્યારે ફતેગંજ વિસ્તારના નવા યાર્ડ ખાતે આવેલા આરીફ પઠાણ રોડ પર ગટરના કામકાજ અંગે છેલ્લા 15 દિવસથી રોડ રસ્તા ખોદી નાખવામાં આવ્યા છે. જેમાં આકસ્મિક રીતે પટકાયેલી મહિલાને માથામાં ગંભીર ઇજા થતાં સારવાર હેઠળ 15 ટાંકા લેવા પડ્યા હતા. જોકે કુંભકર્ણની નિંદ્રામાંથી અચાનક જાગેલા તંત્ર દ્વારા આજે કામગીરી શરૂ કરાઈ હોવાનો વિડીયો વાયરલ થયો છે.
ઉલ્લેખનીય છે કે, શહેરના મોટાભાગના તમામ રોડ રસ્તાઓ પાલિકા તંત્ર દ્વારા વિવિધ કામગીરી હેઠળ ખોદી નાખવામાં આવ્યા છે. પરિણામે વડોદરાનું હવે સંસ્કાર નગરીથી નવું નામ ખાડોદરા પડી ગયું છે ત્યારે શહેરના પશ્ચિમ વિસ્તાર ફતેગંજના નવા યાર્ડ ખાતે આવેલા સ્વ.આરીફ પઠાણ રોડ ગટરની કામગીરી અંગે છેલ્લા 15 દિવસથી ખોદી નાખવામાં આવ્યો છે. ત્યારબાદ કોઈપણ કારણોસર કામગીરી બંધ રહી હતી. દરમિયાન સમી સાંજે રોડ પરથી મહિલા પસાર થઈ રહી હતી ઠેર ઠેર ખોદી નંખાયેલા રસ્તાના કારણે મહિલા સમી સાંજે સાવચેતીથી રોડની એક બાજુએ ચાલી રહી હતી પરંતુ અચાનક સામેથી આવેલી રીક્ષાના કારણે પોતાના સ્વ બચાવમાં બાજુ પર ખસી જતા પાલિકા તંત્ર દ્વારા ખોદાયેલા ખાડામાં ફટકાતા ગંભીર ઈજા થઈ હતી. આ મહિલાને તાત્કાલિક સારવાર અર્થે લઈ જવાતા માથામાં 15 ટાંકા આવ્યા હતા. જોકે શહેરના મોટાભાગના રોડ રસ્તાઓ પાલિકા તંત્ર દ્વારા કોઈપણ કારણસર ખોદી નાખવામાં આવ્યા છે ત્યારે જુદા-જુદા વિસ્તારમાં અકસ્માતની અનેક દુર્ઘટનાઓ સર્જાયા કરે છે. કોઈપણ કારણોસર નિયત જગ્યાએ નિયત સમયે પહોંચવામાં ખોદાયેલા ખાડાને કારણે સમય વ્યતીત થતા મોડા પડાય છે. તાજેતરમાં જ માંજલપુર વિસ્તારમાં આવી જ રીતે પટકાયેલા એક યુવાનનું કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે પરશુરામ ભઠ્ઠા વિસ્તારમાં પણ ખુલ્લી ગટરથી સ્થાનિકોને બાળકો સહિત સૌ કોઈને પડી જવાથી ઇજા થવાની બીક લાગી રહી છે. જોકે ફતેગંજ નવા યાર્ડ વિસ્તારના આરીફ પઠાણ રોડ પર ખોદાયેલા ખાડામાં ગઈકાલે પણ એક વ્યક્તિને ઇજા થઈ હોવા હોવાનું સ્થાનિક સામાજિક કાર્યકરનું કહેવું છે. નવા યાર્ડ વિસ્તારના લાલપુરા અમન નગર સહિત આરીફ પઠાણ રોડ પણ પાલિકા તંત્ર દ્વારા ખોદી નાખવામાં આવ્યો છે આ અંગે સ્થાનિક કોર્પોરેટરો કે એન્જિનિયરો સહિત પાલિકા તંત્ર આ બાબતે સજાગ થાય એ અત્યંત જરૂરી હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.



