गुजरात

માયાભાઈ આહીરના નિવેદન મામલે થયેલા વિવાદ વચ્ચે બગદાણાના સેવક પર જીવલેણ હુમલો, જાણો પોલીસનો ખુલાસો | Bagdana Trust Maya Bhai Ahir viral video Bhavnagar Police Navneet Baldhia case



Maya Bhai Ahir Viral Video: સુપ્રસિદ્ધ યાત્રાધામ બગદાણાના સેવક નવનીત બાલધિયા પર થયેલા હુમલા બાદ સોશિયલ મીડિયામાં અનેક તર્ક-વિતર્ક વહેતા થયા છે. લોકસાહિત્યકાર માયાભાઈ આહીરનો માફી માંગતો વીડિયો અને ત્યારબાદ સેવક પર થયેલા હુમલાને લઈને સર્જાયેલા વિવાદમાં હવે પોલીસે મોટો ખુલાસો કર્યો છે.

વિવાદની શરૂઆત ક્યાંથી થઈ?
થોડા દિવસો પૂર્વે મુંબઈના કાંદીવલીમાં આયોજિત એક કાર્યક્રમમાં લોકકલાકાર માયાભાઈ આહીરે મુંબઈના યોગેશ સાગરને ‘બગદાણા મંદિરના મેનેજિંગ ટ્રસ્ટી’ તરીકે સંબોધ્યા હતા. આ બાબતે બગદાણાના સેવક અને પૂર્વ સરપંચ નવનીત બાલધિયાએ માયાભાઈનું ધ્યાન દોર્યું હતું કે, “હાલ બગદાણા ગુરુ આશ્રમમાં કોઈ મેનેજિંગ ટ્રસ્ટી પદ નથી, તમામ માત્ર ટ્રસ્ટીઓ જ છે.”

પોતાની ભૂલ સમજાતા માયાભાઈ આહીરે ખેલદિલી પૂર્વક એક વીડિયો જાહેર કર્યો હતો. જેમાં તેમણે જણાવ્યું હતું કે, “મેનેજિંગ ટ્રસ્ટી શબ્દ વાપર્યો તે મારી ભૂલ હતી. મને નવનીતભાઈનો ફોન આવ્યો અને સત્યની જાણ થઈ, તે બદલ હું બગદાણા ટ્રસ્ટની ક્ષમા માંગુ છું.”

હુમલાનો ઘટનાક્રમ અને ગંભીર આક્ષેપો
માફીના વીડિયો બાદ તુરંત જ એક ચોંકાવનારો ઘટનાક્રમ બન્યો. નવનીત બાલધિયાએ આક્ષેપ કર્યો છે કે, માયાભાઈના પુત્ર જયરાજ સાથેની વાતચીત બાદ રાત્રિના સમયે અજાણ્યા શખ્સોએ તેમનું ટ્રેક્ટર અટકાવી, ચાવી કાઢી લીધી હતી. જ્યારે તેઓ સ્થળ પર પહોંચ્યા ત્યારે બે અલગ-અલગ કારમાં આવેલા શખ્સોએ પાઈપ અને ધોકા વડે તેમના પર હુમલો કર્યો હતો. આ હુમલામાં નવનીતભાઈને ગંભીર ઈજાઓ પહોંચતા હાલ તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

પીડિત નવનીત બાલધિયાએ એક વીડિયોમાં આક્ષેપ કર્યો છે કે, આ હુમલો કોઈ ‘મોટા માથા’ના ઈશારે કરવામાં આવ્યો હોઈ શકે છે અને પોલીસે તટસ્થ તપાસ કરવી જોઈએ.

ગંભીર આક્ષેપો બાદ પોલીસનો ખુલાસો-

આ મામલે પોલીસે 8 શખ્સો સામે ગુનો નોંધી મુખ્ય આરોપી નાજુભાઈની  ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં તદ્દન અલગ તારણ સામે આવ્યું છે. પોલીસના જણાવ્યા મુજબ, પકડાયેલા મુખ્ય આરોપી નાજુભાઈ (જે બુટલેગર અને ખનન સાથે જોડાયેલ છે) એ કબૂલ્યું છે કે તેને નવનીતભાઈ પર શંકા હતી કે તે પોલીસના ‘બાતમીદાર’ છે અને તેમના દારૂ તથા માટીના ગેરકાયદે ધંધા પર રેડ પડાવે છે. પોલીસ તપાસમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે પકડાયેલા આરોપીઓનો માયાભાઈ આહીર કે તેમના પરિવાર સાથે કોઈ સંપર્ક કે લિન્ક મળી નથી. આ હુમલો શુદ્ધ રૂપે ‘અંગત અદાવત’માં થયો હોવાનું પ્રાથમિક તપાસમાં જણાય છે.

મહત્વના સવાલો જે હજુ વણઉકેલ્યા છે:

1. શું આ હુમલો માત્ર બાતમીદારની શંકાએ થયો છે કે પછી તે યોગાનુયોગ છે કે જે તે જ સમયે થયો જ્યારે માયાભાઈ સાથે વિવાદ થયો?

2. પીડિત દ્વારા કરવામાં આવેલા ‘મોટા માથા’ના આક્ષેપોમાં કોઈ સત્યતા છે કે કેમ?

3. પોલીસ દ્વારા ઓળખાયેલા બાકીના 7 આરોપીઓની ધરપકડ બાદ શું નવી વિગતો બહાર આવશે?

હાલમાં નવનીત બાલધિયા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને તેમની ફરિયાદના આધારે તપાસ ચાલુ છે. જ્યારે પોલીસ તેને બુટલેગરો દ્વારા કરાયેલો હુમલો ગણાવે છે, ત્યારે સ્થાનિક સ્તરે આ ઘટનાને અન્ય વિવાદો સાથે જોડીને જોવામાં આવી રહી છે. સત્ય શું છે તે તો ઊંડી તપાસ બાદ જ સ્પષ્ટ થશે.



Source link

Related Articles

Back to top button