કોરોના બાદ બંધ થયેલા પુસ્તક મેળાનું આખરે મુર્હુત આવ્યું : અઠવા ઝોનમાં જાન્યુઆરી મહિનામાં પુસ્તક મેળાનું આયોજન કરવા મેયરે નોંધ મૂકી | Surat mayor has made a note to organize a book fair in athwa zone in January

Surat Book Fair : સુરત પાલિકાએ કોરોના કાળ બાદ બંધ કરેલા રાષ્ટ્રીય પુસ્તક મેળાનું આખરે મુર્હુત આવ્યું છે. સુરતના મેયરે પાલિકા તંત્રને એક નોંધ મૂકી છે જેમાં સુરતમાં જાન્યુઆરી મહિનામાં અઠવા ઝોન વિસ્તારમાં રાષ્ટ્રીય પુસ્તક મેળો, રાષ્ટ્રીય હોર્ટીકલ્ચર મેળો, ફ્લાવર શો, શિલ્પ ગ્રામ મેળા તેમજ ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવા માટે સૂચના આપી છે. આ વર્ષે પુસ્તક મેળા સાથે સુરતમાં જેટલા રાજ્યોના લોકો વસવાટ કરે છે તે રાજ્યની વાનગી સાથે ફુડ ફેસ્ટિવલ માટે આયોજન કરવા માટે કવાયત પણ શરુ થઈ છે.
સુરત પાલિકા સુરતીઓની વાંચન ભૂખ સંતોષવા માટે સુરત પાલિકા દ્વારા વર્ષ 2000ની સાલથી પુસ્તક મેળાનું આયોજન થઈ રહ્યું છે. આ પુસ્તક મેળા સાથે રાષ્ટ્રીય બાગાયત હર્બલ મેળો અને ફ્લાવર શો, શિલ્પગ્રામ મેળો ઉમેરતી ગઈ હતી. સુરત પાલિકાના પુસ્તક મેળો માત્ર સુરત જ નહીં પરંતુ દક્ષિણ ગુજરાતના વાંચન પ્રેમી-પુસ્તક પ્રેમી માટે મહત્વનો બની જતો હતો. સુરત પાલિકાના આ પુસ્તક મેળામાં 10 લાખ જેટલા મુલાકાતીઓ આવી હતા પરંતુ કોરોના બાદ બંધ થયેલા પુસ્તક મેળા માટે આયોજન કરાયા હતા પરંતુ સાકાર થયા ન હતા.

ગત વર્ષે મે મહિનામાં એસી ડોમમાં પુસ્તક મેળો યોજવા માટે આયોજન કરાયું હતું પરંતુ તે આયોજન પણ આખરે રદ્દ કરવું પડ્યું હતું તેના કારણે પુસ્તક મેળો હવે ક્યારે યોજાશે તે માટે અનેક અટકળો થતી હતી. આગામી થોડા મહિનાઓમાં પાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓની ટર્મ પૂરી થઈ રહી છે તે પહેલાં પુસ્તક મેળો થાય તેવું આયોજન શાસકો દ્વારા કરવામાં આવ્યું છે.
આજે સુરતના મેયર દક્ષેશ માવાણીએ એક નોંધ મુકી છે તેમાં લખ્યું છે કે, સુરત મહાનગરપાલિકા ધ્વારા આગામી વર્ષ-2026 માં માહે જાન્યુઆરી માસ દરમ્યાન સુરત શહેરની વાંચન પ્રિય, પ્રકૃતિ પ્રેમી જનતાને લક્ષમાં રાખી રાષ્ટ્રીય પુસ્તક મેળો, રાષ્ટ્રીય હોર્ટીકલ્ચર મેળો, ફલાવર શો, શિલ્પ ગ્રામ મેળો તેમજ ફૂડ ફેસ્ટિવલ’ સહિતના સમગ્ર આયોજન અઠવા ઝોન સાથે સંકલન કરી કરવાનું રહેશે.
આ ઉપરાંત આ વર્ષે પુસ્તક મેળા સાથે ફૂડ ફેસ્ટિવલનું આયોજન થયું છે તેમાં સ્થાયી સમિતિ અધ્યક્ષે એવી ટકોર કરી છે કે સુરતમાં જે રાજ્યના લોકો વસવાટ કરે છે તે તમામ રાજ્યની ઓળખ સમાન વાનગીઓનો ફૂડ ફેસ્ટિવલ રાખવામાં આવે જેથી પુસ્તક મેળામાં આવનારાની વાંચન ભુખ સાથે પેટની ભુખ પણ સંતોષાય અને અન્ય રાજ્યમાંથી સુરતમાં વસવાટ કરતા લોકોને પોતાના રાજ્યની વાનગીનો ટેસ્ટ મળી રહે તે માટે આયોજન થઈ રહ્યું છે.



