गुजरात

ગ્રાન્ટ ખૂટી પડતા ગુજરાત પોલીસના હજારો કર્મચારીઓનો પગાર અટક્યો, નવા વર્ષે જ ‘ખાખી’ના ખિસ્સા ખાલી રહેશે! | Gujarat Police Face Pay Crisis as Grant Shortage Sparks New Year Salary Fears



Gujarat Police Salary Crisis: જનતાના ખિસ્સા પર ભાર કે સરકારની અગ્રતામાં ખામી? એક તરફ ગુજરાત સરકાર વાઇબ્રન્ટ મહોત્સવો, સાંસ્કૃતિક કાર્યક્રમો અને સરકારી તાયફાઓ પાછળ પાણીની જેમ લાખો-કરોડો રૂપિયા ખર્ચી રહી છે, તો બીજી તરફ રાજ્યની સુરક્ષા માટે રાત-દિવસ એક કરતા પોલીસ જવાનોના પગાર માટે ‘ગ્રાન્ટ’ ખૂટી પડી છે. ગૃહ અને પોલીસ વિભાગના એક પત્રએ રાજ્ય સરકારની આર્થિક વ્યવસ્થા અને પોલીસ કર્મચારીઓ પ્રત્યેની સંવેદનશીલતા પર સવાલો ઉભા કર્યા છે.

તાયફા માટે બજેટ છે, તો રક્ષકો માટે કેમ નહીં?

રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવતા હજારો પોલીસ કર્મચારીઓ માટે નવા વર્ષની શરૂઆત ફીકી રહેવાના એંધાણ છે. સત્તાવાર પત્ર મુજબ, પૂરતી ગ્રાન્ટ ન હોવાને કારણે ડિસેમ્બર-૨૦૨૫ના પગાર બિલો નિયત સમય મર્યાદા (૨૩ ડિસેમ્બર) સુધીમાં તિજોરી કચેરીમાં રજૂ કરી શકાયા નથી. આ વિલંબ પાછળ વહીવટી બેદરકારી જવાબદાર હોવાનું મનાય છે.

આ પણ વાંચો: કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, 100 mgની પેન કિલર દવા Nimesulide પર પ્રતિબંધ મૂક્યો

કયા વિભાગોમાં પગારનો પેચ ફસાયો?

ગ્રાન્ટની આ અછતને કારણે નીચેના મહત્વના વિભાગોને સીધી અસર થશે.

•તમામ પોલીસ કમિશનર અને રેન્જ કચેરીઓ.

•સી.આઈ.ડી. ક્રાઈમ, ઈન્ટેલીજન્સ અને રેલ્વે વિભાગ.

•હથિયારી એકમો અને એસ.સી.આર.બી. ગાંધીનગર.

•તમામ જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરીઓ.

•તહેવારો અને ઉજવણીઓ વચ્ચે ‘ખાખી’ લાચાર

રાજ્ય સરકાર જ્યારે કરોડોના ખર્ચે કાર્યક્રમોના આયોજનમાં વ્યસ્ત છે, ત્યારે રક્ષકોને પોતાના પરિવારના ગુજરાન અને બેંકના હપ્તા ભરવા માટે પગારની રાહ જોવી પડશે. સૂત્રોના જણાવ્યા મુજબ, ગ્રાન્ટ રિલીઝ કરવામાં થયેલી આ વિલંબિત પ્રક્રિયાથી પોલીસ બેડામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પ્રશ્ન એ થાય છે કે શું સરકાર માટે ઉત્સવોની રોશની જવાનોના ઘરના ચૂલા કરતા વધુ મહત્વની છે?

બહારથી ભપકો અને અંદરથી પોલાણ જેવી સ્થિતિ? 

જે પોલીસ રાત-દિવસ જનતાની સુરક્ષામાં ઉભી રહે છે, તેના જ મહેનતાણા માટે તંત્ર પાસે ગ્રાન્ટ નથી એ શરમજનક બાબત છે, તેવી ચર્ચાએ જોર પકડ્યું છે.

હવે શું?

હાલ તો વિલંબથી પગાર બિલો સ્વીકારવા માટે મંજૂરી માંગવામાં આવી છે, પરંતુ જો ગ્રાન્ટ ફાળવવામાં હજુ વધુ સમય લાગશે તો પોલીસ કર્મીઓનું નવું વર્ષ આર્થિક ખેંચતાણમાં પસાર થશે તે નક્કી છે.

પોલીસ કર્મીઓમાં અજંપો

રાજ્યની કાયદો અને વ્યવસ્થા જાળવતા પોલીસ કર્મીઓને આશા હતી કે નવા વર્ષની શરૂઆત પગાર સાથે થશે, પરંતુ વહીવટી પ્રક્રિયા અને ગ્રાન્ટની ખેંચને કારણે હવે તેમના આર્થિક આયોજન પર અસર પડી શકે તેમ છે. હવે જોવાનું એ રહેશે કે સરકાર આ મામલે કેટલી ઝડપથી ગ્રાન્ટ રિલીઝ કરીને કર્મચારીઓને રાહત આપે છે.



Source link

Related Articles

Back to top button