ધર્મેન્દ્રને જીવનભર આ વાતનો અફસોસ રહ્યો, ‘ઈક્કીસ’ના સેટ પર ઈમોશનલ થયા હતા, ડિરેક્ટરનો ખુલાસો | dharmendra ikkis movie director reveals emotional secret

Dharmendra News: બોલિવૂડના ‘હી-મેન’ ગણાતા દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રની છેલ્લી ફિલ્મ ‘ઇક્કીસ'(Ikkis) 1 જાન્યુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. ફેન્સ પોતાના પ્રિય સુપરસ્ટારને છેલ્લી વાર મોટા પડદા પર જોવા માટે આતુર છે. આ દરમિયાન ફિલ્મના ડાયરેક્ટર શ્રીરામ રાઘવને ધર્મેન્દ્ર સાથે કામ કરવાના અનુભવો શેર કર્યા છે અને તેમના દિલમાં છુપાયેલા વર્ષો જૂના દર્દ વિશે પણ ખુલાસો કર્યો છે.
શ્રીરામ રાઘવને એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે ધર્મેન્દ્ર એકદમ નેચરલ કલાકાર છે. તેમણે કહ્યું, ‘ધરમજી સાથે કામ કરવું એ માત્ર એક્ટિંગ જેવું નહોતું, તેમની ચાલ અને વાતો એ બધું જ પાત્રનો હિસ્સો બની ગયું હતું. તેઓ સ્ટોરી સાથે ઊંડાણપૂર્વક જોડાયેલા હતા.’
વર્ષો જૂનું એ દર્દ જે ધર્મેન્દ્રના દિલમાં હતું
ડાયરેક્ટર શ્રીરામ રાઘવને ધર્મેન્દ્રના જીવનભરના અફસોસ અને સંઘર્ષ વિશે વાત કરતા એક ભાવુક ખુલાસો કર્યો હતો. તેમણે જણાવ્યું કે, ‘પંજાબમાં પોતાનું વતન અને ઘર છોડવાનું દર્દ ધર્મેન્દ્રના હૃદયમાં વર્ષોથી અકબંધ હતું, જે આ ફિલ્મ દરમિયાન ફરી સામે આવ્યું હતું. જ્યારે ફિલ્મની વાર્તામાં ફરી ઘરે જવાનો પ્રસંગ આવ્યો, ત્યારે તે અભિનેતા માટે માત્ર એક સીન ન રહેતા એક અત્યંત અંગત અને સંવેદનશીલ અનુભવ બની ગયો હતો. આ જ કારણ હતું કે તેઓ પોતાના પાત્રમાં એટલી હદે ડૂબી ગયા હતા કે લાગણીઓ વ્યક્ત કરવા માટે તેમણે લાંબા ડાયલોગ્સને બદલે મૌન અને ટૂંકા શબ્દોના ઉપયોગને વધુ મહત્ત્વ આપ્યું હતું.’
ડાયરેક્ટરે કર્યા ધર્મેન્દ્રની શાયરીના વખાણ
ડાયરેક્ટરે જણાવ્યું કે, ‘હું ઘણીવાર ધર્મેન્દ્ર સાથે શાયરી પર ચર્ચા કરતો હતો. ધર્મેન્દ્ર માત્ર સારા અભિનેતા જ નહીં પણ ઉત્તમ શાયર પણ છે. મેં તેમને ડાયલોગ આપ્યા હતા, પરંતુ તેઓ પોતાની રીતે તેમાં સુધારો કરતા અને મેં તેમની ઘણી લાઇનો ફિલ્મમાં વાપરી પણ છે. મેં તેમને ફિલ્મમાં તેમની જ એક કવિતા સંભળાવવા વિનંતી કરી હતી, જે ખૂબ જ સુંદર છે.’
આ પણ વાંચો: કાર્તિક આર્યન કબીર ખાન સાથેની ફિલ્મનું શૂટિંગ ફેબ્રુઆરીમાં શરૂ કરશે
ફિલ્મ ‘ઇક્કીસ’માં ધર્મેન્દ્રની સાથે અમિતાભ બચ્ચનનો દોહિત્ર અગસ્ત્ય નંદા મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મથી સિમર ભાટિયા બોલિવૂડમાં ડેબ્યૂ કરી રહી છે, જ્યારે જયદીપ અહલાવત પણ મહત્ત્વના રોલમાં જોવા મળશે. આખી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આ ફિલ્મને લઈને જબરદસ્ત ઉત્સાહ છે કારણ કે આ ધર્મેન્દ્રની છેલ્લી ફિલ્મ હોવાનું કહેવાય છે.




