गुजरात

ડોક્ટરની બેદરકારીના કારણે પેટમાં કોટન રહી જતા વડોદરામાં ધો.12 સાયન્સની વિદ્યાર્થિનીનું મોત | Due to doctor’s negligence girl died after cotton was left in her stomach during an operation



Vadodara 16 Year Old Girl Died News : વડોદરામાં 16 વર્ષની કિશોરીને પેટમાં ગાંઠ થતા તેનું ઓપરેશન વાઘોડિયા રોડ ગુરુકુળ ચાર રસ્તા પાસે આવેલી હર્ષલ હોસ્પિટલમાં કરાવવામાં આવ્યું હતું. ડોક્ટરની બેદરકારીના કારણે કિશોરીના પેટમાં કોટન રહી જતા તેની તબિયત ફરીથી બગડી હતી. સારવાર દરમિયાન કિશોરીનું મોત થતા પરિવારે ડોક્ટર સામે ગુનો દાખલ કરવાની  માગણી કરી છે.

પરિવારના જણાવ્યા મુજબ, મકરપુરા જી.આઇ.ડી.સી. રોડ મહેશ્વરીનગર સોસાયટીમાં રહેતા હિતેન્દ્રસિંહ રાજેન્દ્રસિંહ વાઘેલાની 16 વર્ષની દીકરી ધો.12 સાયન્સમાં અભ્યાસ કરતી હતી. સંજનાને પેટમાં દુખાવો  રહેતા દિવાળીના થોડા દિવસ અગાઉ વાઘોડિયા રોડ ગુરૃકુળ ચાર રસ્તા પાસે આવેલી હર્ષલ  હોસ્પિટલમાં સારવાર કરાવી હતી. કિશોરીના પેટમાં ગાંઠ  હોવાનું નિદાન થતા ડોક્ટર વિજયસિંહ રાજપૂત  દ્વારા ઓપરેશન કરવામાં આવ્યું હતું. રજા આપ્યાના થોડા દિવસ પછી કિશોરીને ફરીથી પેટમાં દુખાવો શરુ થતા નવા વર્ષના દિવસે મકરપુરા હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. ડોક્ટરે સિટિ સ્કેન રિપોર્ટ કરાવતા કિશોરીના પેટમાં કોટન રહી ગયું હોવાનું જણાઇ આવ્યું હતું. જેના કારણે ફરીથી ઓપરેશન કરાવવું પડે તેવી સ્થિતિ સર્જાઇ હતી.

પરિવારે ડો.વિજયસિંહનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે, હું બહાર ગામ છું. તમે જે  હોસ્પિટલમાં છો. ત્યાં ઓપરેશન કરાવી દો.  દરમિયાન ગઇકાલે કિશોરીનું મોત થયું હતું. ડોક્ટરની બેદરકારીના કારણે મોત થતા ડોક્ટરની સામે ગુનો દાખલ કરવા માટે પરિવારે પોલીસમાં અરજી આપી છે. જે અરજીના આધારે પોલીસે તપાસ  શરુ કરી છે. આ અંગે હર્ષલ હોસ્પિટલના  ડોક્ટરનો સંપર્ક કરવાનો પ્રયાસ કરતા થઇ શક્યો નહતો.

અગાઉના ડોક્ટરની બેદરકારીની વાત સાચી છે : મકરપુરા હોસ્પિટલ

કિશોરીની તબિયત ફરીથી બગડતા તેને મકરપુરા હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી.   હોસ્પિટલના એડમિનિસ્ટ્રેટરે જણાવ્યું હતું કે, અગાઉના ડોક્ટરે કરેલી સર્જરી દરમિયાન પેટમાં કોટન રહી ગયું  હોવાથી ઇન્ફેક્શન વધી ગયું હોવાનો પરિવારનો આક્ષેપ સાચો છે. જોકે, મોતનું સાચું કારણ તો પી.એમ. રિપોર્ટ આવ્યા  પછી જ જાણી શકાશે.

કિશોરીને જ્યારે મકરપુરા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી ત્યારે હર્ષલ હોસ્પિટલના ડોક્ટર વિજયસિંહે ત્યાંની સારવારનો તમામ ખર્ચ આપવાનું કહ્યું હતું. મકરપુરા હોસ્પિટલમાં કિશોરીનો સારવારનો ખર્ચ 6 લાખ ઉપરાંત થયો હતો. પરંતુ, ડોક્ટરે માત્ર 1.70 લાખ ચૂકવ્યા હતા અને ત્યારબાદ ફોન રિસિવ કરવાનું બંધ કરી દીધું હતું.

ડોક્ટરની બેદરકારીથી કિશોરી 90 દિવસ સુધી હેરાન થઇ

પુત્રી ગુમાવનાર  પિતાએ કહ્યું હતું કે, ડોક્ટરની બેદરકારીના કારણે જીવ ગુમાવનાર મારી દીકરી 90 દિવસ સુધી  હેરાન થઇ છે. મકરપુરા હોસ્પિટલમાં જ તેની ૪૪  દિવસ સુધી સારવાર ચાલી હતી. પરિવારની માગણી છે કે, ડોક્ટર સામે કડક કાર્યવાહી કરવામાં આવે. ડોક્ટરને અમે 100 થી 150 કોલ કર્યા હતા. પરંતુ, તેમણે કોલ રિસિવ કરવાનું બંધ કરી  દીધું હતું અને એવો મેસેજ મોકલ્યો હતો કે, મારા જડબાનું ઓપરેશન કરાવ્યું હોવાથી હું વાત કરી શકું તેમ નથી.



Source link

Related Articles

Back to top button