અમદાવાદને લગતી 85 ટ્રેનની સ્પીડ વધતાં કુલ 167 ટ્રેનોના અવર-જવરના ટાઈમિંગ બદલાયા | Western Railway Revises Schedule of 167 Trains After Speed Boost in Ahmedabad Section

Railway Update: પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ વિભાગને લાગુ પડતી 85 ટ્રેનની સ્પીડમાં વધારો કરવામાં આવ્યો છે. જેના પગલે પહેલી જાન્યુઆરીથી જુદી જુદી કુલ 167 ટ્રેનના સમયમાં પાંચથી 45 મિનિટ સુધીનો ફેરફાર થશે. રેલવે વિભાગે દાવો કર્યો છે કે, આ ફેરફારના કારણે અમદાવાદ વિભાગના વિવિધ સ્ટેશનને લાગુ પડતી 23 ટ્રેનની મુસાફરીમાં કુલ સમયમાં 5થી 40 મિનિટ સુધીનો ઘટાડો થશે. એટલે મુસાફરોનો કિંમતી સમય બચશે.
આ રેલવે સ્ટેશન પર આવક-જાવક કરતી ટ્રેનના સમય હવે બદલાઈ જશે
અમદાવાદ વિભાગ દ્વારા ગુરૂવાર (પહેલી જાન્યૂઆરી 2026)થી લાગું પડતું નવું સમય પત્રક પણ જાહેર કરવમાં આવ્યું છે. ટ્રેનોની ગતિ વધારવાના કારણે વિવિધ સ્ટેશનો પર 110 જેટલી ટ્રેન પોતાના અગાઉના સમય કરતા 5થી 40 મિનિટ સુધી વહેલી પહોંચી જશે. જ્યારે 57 ટ્રેન પોતાના હાલના સમય કરતા 5થી 45 મિનિટ સુધી મોડી પડશે. એટલે કે કુલ 167 ટ્રેનના સમયમાં ફેરફાર થશે. અમદાવાદના કાલુપુર સ્થિત મુખ્ય રેલવે સ્ટેશન ઉપરાંત સાબરમતી, મહેસાણા, પાલનપુર, પાટણ, ભીલડી, ઊંઝા, સિદ્ધપુર, ગાંધીનગર, કલોલ, વિરમગામ, ગાંધીધામ, હિંમતનગર, હળવદ, ધ્રાંગધ્રા, સામખિયાળી, ભુજ સહિતના રેલવે સ્ટેશન પર આવક-જાવક કરતી ટ્રેનના સમય હવે બદલાઈ જશે. ટ્રેનના સમય અંગેની વિગતો રેલવેની વેબસાઈટ પર તેમજ પૂછપરછ માટેના 139 નંબર પરથી મુસાફરો મેળવી શકશે.

વિવિધ ટ્રેનની સ્પીડ 66 કિ.મી. પ્રતિ કલાક સુધી વધશે
પશ્ચિમ રેલવે દ્વારા કુલ 89 ટ્રેનની સ્પીડમાં પાંચ કિલોમીટર પ્રતિકલાકથી માંડીને 66 કિ.મી. પ્રતિકલાક સુધીનો વધારો કરવામાં આવ્યો છે. જેમાં અમદાવાદ વિભાગને 85 જેટલી ટ્રેન લાગું પડે છે. સૌથી વધુ સ્પીડ વધારવામાં આવી છે, તેવી ટ્રેન પર નજર કરીએ તો બાન્દ્રા ટર્મિનસ-દિલ્હી સારાય રોહિલ્લામાં 66, અજમેર-દાદારમાં 42, જેસલમેર-બાન્દ્રા ટર્મિનસમાં 40, બિકાનેર-દાદરમાં 35, દાદર-ભગત કી કોઠીમાં 30, ભગત કી કોઠી-બાન્દ્રા ટર્મિનસમાં 40 અને ઓખા-જયપુર ટ્રેનની સ્પીડમાં 30 કિ.મી.નો વધારો કરાયો છે. એટલે કે આ ટ્રેનો હવે તેની અગાઉની સ્પીડ કરતા આટલી વધારે સ્પીડથી દોડાવવામાં આવશે.



