गुजरात

‘હેપ્પી ન્યૂ યર’ મેસેજની અજાણી લિન્ક ખોલતા ચેતી જજો, ગુજરાતમાં 30 દિવસમાં 121 કરોડના સાયબર ફ્રોડ | happy new year link scam 121 crore cyber fraud gujarat



Happy New Year Link Scam: વર્ષ 2025 વિદાય લઈ રહ્યું છે ત્યારે જાગૃતિ જ તમારો સૌથી મોટો બચાવ છે. હાલમાં ‘હેપ્પી ન્યૂ યર’ની આકર્ષક લિન્ક મોકલીને છેતરપિંડી કરવાનું નવું કાવતરું ચાલી રહ્યું છે, જેને ખોલતા જ તમે સાયબર ફ્રોડનો ભોગ બની શકો છો. સ્ટેટ સાયબર સેલે હાઈએલર્ટ વચ્ચે માત્ર બે દિવસમાં 17.72 કરોડ રૂપિયા બચાવી લીધા છે. જોકે, ડિસેમ્બરના 30 દિવસમાં ઠગાઈ ગયેલા 121 કરોડમાંથી માત્ર અડધી રકમ પરત મેળવી શકાઈ છે, જ્યારે લોકોએ પોતાની મહેનતના 60 કરોડ રૂપિયા ગુમાવ્યા છે.

ગુજરાતમાં સાયબર ફ્રોડથી 30 જ દિવસમાં લોકોના 121 કરોડ ગયાં

ગુજરાત સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ યુનિટે ડિસેમ્બર મહિના દરમિયાન સાયબર ફ્રોડ હેલ્પલાઈન ઉપર ફ્રોડ થવાથી 121 કરોડ રૂપિયા લોકોએ ગુમાવ્યાના કોલ આવ્યા તેમાંથી 61 કરોડ રૂપિયા બચાવ્યાં છે. ખાસ કરીને ડિસેમ્બરના અંતભાગના બે દિવસ તા. 28-29ના નોંધપાત્ર સફળતા મળી હતી. 28 ડિસેમ્બરે 1930 હેલ્પલાઈન ઉપર સાયબર ફ્રોડ સંદર્ભે 658 કોલ આવ્યા હતા. આ પૈકી એક કોલ સમયસર આવતાં ત્વરિત કાર્યવાહીથી 1.57 કરોડ રૂપિયા ઠગાઈ કરાય તે પહેલાં બચાવી લેવાયા હતા. 

‘ગોલ્ડન અવર’નું મહત્ત્વ: ઠગાઈ બાદ તુરંત જાણ કરવાથી પૈસા પરત મળ્યા

તા. 29 ડિસેમ્બરે 1115 કોલ આવ્યાં તેમાં 10.54 કરોડના ઈ-ચીટિંગમાંથી 85 ટકા રકમ એટલે કે 9.04 કરોડ બચાવાયા હતા. બીજી ઘટનામાં 7.12 કરોડની ઓનલાઈન ઠગાઈ થયાનો કોલ આવતાં ત્વરિત કામગીરીથી 7.11 કરોડ બચાવાયા હતા. ઠગાઈ થયાની જાણ થાય એટલે તરત 1930 હેલ્પલાઈન ઉપર કોલ કરવાથી આ ગોલ્ડન અવરમાં પૈસા બચવાની સંભાવના વધી જાય છે.

121 કરોડની લૂંટ બાદ હાઈએલર્ટ: સાયબર સેલની જનતાને તાકીદ

વર્ષ 2025નો ડિસેમ્બર મહિનો ભારે રહ્યો હોય તેમ 121 કરોડ રૂપિયાના સાયબર ચીટિંગ વચ્ચે હવે અંતિમ દિવસ એટલે કે 31 ડિસેમ્બરે નવા વર્ષ 2026ના આગમનને વધાવવાના બહાને ઠગાઈ થવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. ગુજરાત સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ યુનિટે એલર્ટ જાહેર કર્યું છે કે, ‘હેપ્પી ન્યૂ યર’ લખાણ સાથે નવા વર્ષની શુભકામના હોય તેવા મેસેજ સાથે લિન્ક હોય તો ચેતજો. 

આ પણ વાંચો: અમદાવાદને લગતી 85 ટ્રેનની સ્પીડ વધતાં કુલ 167 ટ્રેનોની અવર-જવરની ટાઈમિંગ બદલાઈ

ડિજિટલ સેફ્ટી ટિપ્સ: અજાણી લિંક્સથી દૂર રહી નવા વર્ષને સુરક્ષિત બનાવો

જો અજાણ્યા નંબરથી હેપ્પી ન્યૂ યર મેસેજ સાથે લિન્ક હોય તો સાયબર ફ્રોડ થવાની ભીતિ છે. વોટ્‌સ-એપ ઉપર ગ્રિટીંગ્સ કાર્ડ કે ગિફ્‌ટ મોકલી હોવાના બહાને લિન્ક ખોલવા કહેવાશે. અજાણ્યા વોટ્‌સ-એપ નંબરથી મોકલેલી લિન્ક ખોલશો તો તમારા ફોનનો ડેટા ચોરી લેવાશે અથવા તો ફોન હેક કરી તેનાથી બેન્કીંગ કરી પૈસા સેરવી લેવાય તેવું બની શકે છે. હેકર આ રીતે લિન્કથી તમારા ફોનમાં વાયરસ એન્ટર કરીને બેન્ક ખાતાં, તેના ઓટીપી, ફોન ગેલેરી તેમજ કોન્ટેક્ટ નંબર્સ સહિતની વિગતો મેળવી લેશે. 

અજાણી પીડીએફ કે ફાઈલ ડાઉનલોડ કરવાનું ટાળો

ગંભીર બાબત એ છે કે, સરકારી વિભાગ, નેતા, મંત્રી, આગેવાન કે કંપનીના નામે લિન્ક મોકલાય તેવું બની શકે છે. કોઈ કિસ્સામાં લિન્કથી વાયરસ મોકલી તમારા ફોન ઉપર આવતાં કોલ કે અન્ય વાતચિત રેકોર્ડિંગ કરવા, પીડીએફ – પીપીટી કે ડેટા ફાઈલ ચોરી લેવા, તમને જીપીએસ લોકેશનથી સતત ટ્રેક કરવા અને તમારા સોશિયલ નેટવર્કનું મેપિંગ કરવા સુધીના કૃત્ય આચરી શકે છે. અજાણ્યા નંબરથી આવેલી હેપ્પી ન્યૂ યર મેસેજ સાથેની લિન્ક નહીં ખોલવા ચેતવણી અપાઈ છે.


'હેપ્પી ન્યૂ યર' મેસેજની અજાણી લિન્ક ખોલતા ચેતી જજો, ગુજરાતમાં 30 દિવસમાં 121 કરોડના સાયબર ફ્રોડ 2 - image



Source link

Related Articles

Back to top button