આજે ગિગ વર્કર્સની હડતાળ, નવા વર્ષની ઉજવણી બગાડશે! જાણો એમની માગણીઓ વિશે | Gig Workers Nationwide Strike Today May Disrupt New Year Celebrations

![]()
Gig Workers Strike: ડિલિવરી ક્ષેત્રના કામદારો વધુ મોટું અને નિર્ણાયક પગલું ભરી રહ્યા છે. ‘તેલંગાણા ગિગ એન્ડ પ્લેટફોર્મ વર્કર્સ યુનિયન’ (TGPWU) અને ‘ઇન્ડિયન ફેડરેશન ઑફ એપ-બેઝ્ડ ટ્રાન્સપોર્ટ વર્કર્સ’ (IFAT)એ સંયુક્ત રીતે 31મી ડિસેમ્બર, 2025ના રોજ દેશવ્યાપી હડતાલ જાહેર કરી છે. આ હડતાલમાં સ્વિગી, ઝોમેટો, ઝેપ્ટો, એમેઝોન, બ્લિંકિટ અને ફ્લિપકાર્ટ જેવા મોટા ઓનલાઇન ફૂડ ડિલિવરી અને ઈ-કોમર્સ પ્લેટફોર્મ્સ સાથે જોડાયેલા લાખો ડિલિવરી કર્મચારીઓ ભાગ લેશે. દેશના તમામ મેટ્રો શહેરો અને ટાયર-2 શહેરોમાં આ હડતાલની અસર દેખાશે. 31મી ડિસેમ્બરની રાત નવા વર્ષની ઉજવણીની હોય છે, જ્યારે ઑર્ડર્સનું પ્રમાણ ખૂબ વધી જાય છે. આ ખાસ તારીખ પસંદ કરવાનો હેતુ પ્લેટફોર્મ કંપનીઓ પર મહત્તમ આર્થિક અને સેવા-સંચાલનનું દબાણ બનાવવાનો છે.
ગિગ વર્કર્સ એટલે શું?
ગિગ વર્કર્સ (Gig Workers) એટલે ‘એવા કામદારો કે જેઓ ટુકડાઓમાં અથવા ટૂંકા ગાળા માટે કામ લે છે અને પૂરું કરી આપે છે’. મૂળ તો કોઈ પ્રસંગે સંગીત કાર્યક્રમ કરવા આવતા કલાકારો માટે ‘ગિગ’ શબ્દ વપરાતો. હવે એ શબ્દ એવા કામદારો માટે પણ વપરાય છે જે કોઈ એક ચોક્કસ કામ (જેમ કે, એક ઑર્ડરની ડિલિવરી કરવી, એક રાઇડ પૂરી કરવી અથવા એક ઘરની સફાઈ કરવી) માટે જ ‘હાયર’ કરવામાં આવે છે. એ કામ પૂરું થાય એટલે એમનું કામ પૂરું, પછી બીજું કામ મળે કે ન મળે તે અલગ વાત.
હડતાલ પાછળના મુખ્ય કારણો
ગિગ અર્થતંત્રમાં કામદારોની સ્થિતિ સતત ખરાબ થવાના કારણે, વારંવાર હડતાલ જેવા કડક પગલાં જરૂરી બન્યા છે. કંપનીના પૂર્ણકાલિક કર્મચારી નહીં, પણ સ્વતંત્ર કરારધારી (Independent Contractor) ગણાતા હોવાથી તેમને નિશ્ચિત પગાર કે નોકરીની સુરક્ષા મળતી નથી; પ્રોવિડન્ટ ફંડ, ગ્રેચ્યુઇટી, પેઇડ રજા, આરોગ્ય વીમો જેવા લાભોથી પણ તેઓ વંચિત રહે છે. કામદારોનો આવાજ દબાવી દેવામાં આવે છે અને વાટાઘાટોની પ્રક્રિયા અટકી પડી છે, એવો તેમનો આરોપ છે. કામદારોના રોષ પાછળના કારણો વિગતવાર જોઈએ.
1. અનિશ્ચિત અને ઘટતી આવક
•પહેલાં નિશ્ચિત ‘પે પર ડિલિવરી’ (ડિલિવરી દીઠ નિશ્ચિત રકમ) મળતી હતી, એના બદલે હવે ડાયનેમિક પગાર સિસ્ટમ લાદવામાં આવી છે, જેમાં અલ્ગોરિધમ જટિલ ગણતરીઓ વડે કામદારની રકમ નક્કી કરે છે. આમાં અંતર, સમય, ટ્રાફિક, કલાક અને ‘સર્પ્લસ’ જેવા અસ્પષ્ટ પરિબળો સામેલ હોય છે.
•આ સિસ્ટમમાં પ્રોત્સાહન (ઇન્સેન્ટિવ્સ) અને બોનસનાં નિયમો વારંવાર અને અચાનક બદલાય છે, જેથી કામદાર પાસેથી વધુ કામ લઈ શકાય, પણ વધુ પગાર ન આપવો પડે.
•પ્લેટફોર્મ નવા કામદારોની સતત ભરતી કર્યા કરતું હોવાથી ઓર્ડર્સનું વિતરણ તો ઝડપી થાય છે, પણ દરેક કામદારની આવક પર અસર પડે છે.
2. અલ્ગોરિધમિક નિયંત્રણ અને પારદર્શિતાનો અભાવ
•કામદારો પર ‘ડિજિટલ બોસ’નું સંપૂર્ણ નિયંત્રણ હોય છે. આ અલ્ગોરિધમ તેમની કમાણી, કામનું ભારણ, રેટિંગ અને એકાઉન્ટ બ્લોક કરવું વગેરે નક્કી કરે છે.
•’10-મિનિટમાં ડિલિવરી’ જેવા અત્યંત ઝડપી લક્ષ્યો પાર પાડવા માટે ડિલિવરી કામદારો રેડ સિગ્નલ વટાવી જવા, હેલ્મેટ ન પહેરવા અને થાકેલા હોવા છતાં મજબૂરીમાં વાહન ચલાવતા રહેવા જેવા પગલાં ભરે છે, જેને કારણે ઘણા અકસ્માતના ભોગ પણ બને છે.
•જો કોઈ ઓર્ડર રદ થાય, ગ્રાહક ફરિયાદ કરે અથવા ડિલિવરીમાં વિલંબ થાય (જેનાં કારણો ટ્રાફિક, મકાનનો નંબર ન મળવો, વગેરે હોઈ શકે), તો કામદારને દંડ થાય છે અને એમના રેટિંગ પણ ઘટી જાય છે. કામદારો વિરુદ્ધ જતાં આવા નિર્ણયો માટે કોઈ સ્પષ્ટીકરણ નથી આપવામાં આવતું.
3. સામાજિક સુરક્ષા લાભોનો સંપૂર્ણ અભાવ
•ગિગ કામદારોને કોઈ રોજગાર કાયદા હેઠળ કવર કરવામાં આવતા નથી. તેમને પેન્શન, પ્રોવિડન્ટ ફંડ (PF), ગ્રેચ્યુઇટી અથવા રાજ્ય વીમા (ESI) જેવા કોઈ લાભ મળતા નથી.
•લાંબા કલાકો સાયકલ/બાઇક પર ભટકવાના કારણે સ્વાસ્થ્ય સમસ્યાઓ થાય છે, પણ કોઈ આરોગ્ય વીમો (Health Insurance) હોતો નથી. અકસ્માતમાં ઇજા થાય તો ખર્ચો પોતે વહોરવો પડે છે.
•આરામનો સમય (Fixed Rest Breaks), રજા (Paid Leave), અથવા મેટર્નિટી/પેટર્નિટી બેનેફિટ્સ જેવી મૂળભૂત સુવિધાઓ પણ ઉપલબ્ધ નથી હોતી.
4. અસરકારક ફરિયાદ નિવારણ પ્રણાલીની કમી
•પગાર, દંડ અથવા એકાઉન્ટ બ્લોક સંબંધિત ફરિયાદ દાખલ કરવી હોય તો માત્ર ચેટબોટ અથવા ઈ-મેલ સપોર્ટ જ ઉપલબ્ધ છે. કોઈ માનવીય અધિકારી સાથે સીધો સંપર્ક શક્ય નથી.
•ફરિયાદનો જવાબ આવતાં અઠવાડિયા લાગે છે અને મોટાભાગનાં કિસ્સાઓમાં ‘કંપનીની પોલિસી અનુસાર’ જવાબ આપીને કેસ બંધ કરી દેવામાં આવે છે.
હડતાલની અસર કેવી પડશે?
વર્ષના અંત ભાગમાં ઓનલાઇન ઓર્ડર્સના પ્રમાણમાં ધરખમ વધારો થતો હોય છે. તેથી 31 ડિસેમ્બરે ઘણાં શહેરોમાં ફૂડ ડિલિવરીમાં વિલંબ થઈ શકે છે. રેસ્ટોરન્ટ્સને ઓર્ડર મળવા બંધ થઈ શકે છે. નવા વર્ષની તૈયારી માટેની ઑનલાઈન ખરીદી (કપડાં, ગિફ્ટ્સ)ની ડિલિવરી પણ મોડી થઈ શકે છે.
લક્ષ્ય લાંબા ગાળાનું છે
ગિગ યુનિયનોનો હેતુ ફક્ત એક દિવસની સેવા બંધ કરવાનો નથી. તેઓ કેન્દ્ર અને રાજ્ય સરકારોનું ધ્યાન આ સંકટ તરફ ખેંચવા માંગે છે. તેઓ ગિગ કામદારો માટે કાયદાકીય રક્ષણ, ન્યૂનતમ મજૂરી દર અને સામાજિક સુરક્ષા યોજનાઓની માંગ કરે છે. હડતાલનો સમય પણ પીક બિઝનેસ સીઝનનો રાખવામાં આવ્યો છે, જેથી પ્લેટફોર્મ કંપનીઓ પર દબાણ વધે. આર્થિક નુકસાનની શક્યતાને કારણે કંપનીઓને વાટાઘાટો માટે મજબૂર કરવાની તાકાત આ પગલામાં છે.
ગિગ વર્કર્સની માંગણીઓ
•યોગ્ય અને પારદર્શક વેતન માળખું લાગુ કરવામાં આવે.
•10 મિનિટના ડિલિવરી મોડલને તાત્કાલિક બંધ કરવામાં આવે.
•યોગ્ય પ્રક્રિયા વિના આઈડી બ્લોક કરવા અને દંડ લાદવા પર રોક લગાવવામાં આવે.
•સુરક્ષા માટે જરૂરી સાધનો (ગિયર) અને ઉપાયો પૂરા પાડવામાં આવે.
•અલ્ગોરિધમના આધારે ભેદભાવ ન થાય; બધાને સમાન કામ મળે.
•પ્લેટફોર્મ અને ગ્રાહકો તરફથી સન્માનજનક વ્યવહાર કરવામાં આવે.
•કામ દરમિયાન બ્રેક મળે અને નક્કી કરેલા સમય કરતાં વધુ કામ ન કરાવવામાં આવે.
•ખાસ કરીને પેમેન્ટ અને રૂટિંગની સમસ્યાઓ માટે એપ અને ટેકનિકલ સપોર્ટ મજબૂત બનાવવામાં આવે.
•સ્વાસ્થ્ય વીમો, અકસ્માત કવર અને પેન્શન જેવી સામાજિક સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવે.


