પોલીસ તંત્ર એક્શન મોડમાં : થર્ટી ફર્સ્ટની આડમાં થતી રેવ પાર્ટીઓ ઉપર બાજનજર | Police system in action mode: Vigilance on rave parties held under the guise of Thirty First

![]()
– આણંદના યુવાનો 2026 ને વધાવવા થનગની રહ્યું છે ત્યારે
– ફાર્મહાઉસો ઉપર કાયદાના પાલન માટે નોટિસો લગાવી સૂચના અપાઈ, ગેરકાયદેસર પ્રવૃત્તિ જણાશે તો કાર્યવાહી
આણંદ : આણંદ જિલ્લાનું યુવા ધન નવા વરસને વધાવવા માટે એટલે કે, થર્ટી ફર્સ્ટની રાત્રિની ઉજવણી કરવા માટે થનગની રહ્યું છે. તો બીજી તરફ થર્ટી ફર્સ્ટને લઈ આણંદ જિલ્લા પોલીસ તંત્ર પણ સજાગ બન્યું છે અને વિવિધ ફાર્મહાઉસો સહિતના સ્થળોએ યોજાતી ડીજે અને રેવ પાર્ટીઓ ઉપર પોલીસ તંત્ર દ્વારા બાજનજર રાખવામાં આવશે. પોલીસ દ્વારા વિવિધ સ્થળોએ ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. તેમજ ફાર્મહાઉસો ઉપર કાયદાનું પાલન થાય તે માટેની નોટિસો પણ લગાવવામાં આવી છે.
વર્ષ ૨૦૨૬ને વધાવવા માટે ૩૧ ડિસેમ્બરની રાત્રિના દેશભરમાં ઉજવણી થશે. થર્ટી ફર્સ્ટની ઉજવણી માટે યુવા ધન પણ થનગની રહ્યું છે. આણંદ જિલ્લામાં થર્ટી ફર્સ્ટની ઉજવણીમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર દ્વારા ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. ખાસ કરીને આણંદ જિલ્લામાંથી પસાર થતી મહીસાગર નદીના કિનારે આવેલા ફાર્મહાઉસો ખાતે થર્ટી ફર્સ્ટની ઉજવણીની આડમાં રેવ પાર્ટીઓનું આયોજન ન થાય તે માટે પોલીસ સતર્ક બની છે અને તમામ ફાર્મહાઉશો ઉપર નોટિસ ચિપકાવી સૂચનાઓ આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
ફાર્મ હાઉસમાં યોજાતી પાર્ટી માટે આયોજકોએ પૂર્વ મંજૂરી લેવા સાથે ફરજિયાત સીસીટીવી કેમેરા તથા પાકગની વ્યવસ્થા સાથે અન્ય સ્થાનિકો ને હેરાનગતિ ન થાય તેમજ નોઈસ પોલ્યુશન સહિતના નિયમોનું ફરજિયાત પણે પાલન કરી સરકારી ગાઈડલાઈનનું પાલન કરવા જણાવ્યું છે. થર્ટી ફર્સ્ટની ઉજવણી દરમિયાન કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ જણાશે તો ફાર્મ હાઉસના માલિક તથા આયોજકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે, તેમ પણ પોલીસ દ્વારા જણાવાયું છે. ખાસ કરીને આંકલાવ અને વાસદ નજીક અનેક ફાર્મહાઉસો આવેલા છે, આવા ફાર્મહાઉસો ખાતે થર્ટી ફર્સ્ટની ઉજવણીની આડમાં કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ કે રેવ પાર્ટી ન યોજાય તે માટે પોલીસ દ્વારા સઘન ચેકિંગ પણ હાથ ધરવામાં આવ્યું છે. સાથે સાથે નશાખોર શખ્સોને ઝડપી પાડવા પોલીસે કવાયત હાથ ધરી છે અને રાત્રિના વિવિધ માર્ગોે ઉપર પોલીસ દ્વારા આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.


