‘ભારતમાલા’ના અસરગ્રસ્ત ખેડૂતો મુખ્યમંત્રી સુધી પહોંચ્યાઃબજાર કિંમતે વળતરની માંગ | Farmers affected by ‘Bharatmala’ reach out to Chief Minister: Demand compensation at market price

![]()
વળતરની રકમ સામે ટીડીએસ નહીં કાપવા પણ રજુઆત
અઢી કરોડથી છ કરોડ વિઘાના ભાવ સામે સામાન્ય વળતર નહીં સ્વિકારાય ઃ આંદોલનની પણ ચિમકીં
ગાંધીનગર : ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત ગાંધીનગર જિલ્લાના ચારેય
તાલુકાના ૨૬ ગામોની જમીન સંપાદન કરવામાં આવનાર છે. આ માટે અગાઉ બે વખત જાહેરનામું
બહાર પાડવામાં આવ્યું હોવા છતા કોઇ કાર્યવાહી કરી શકવામાં આવી નથી ત્યારે ખેડૂતો
દ્વારા બજાર કિંમતે જમીન સામે વળતર આપવાની માંગને વધુ બુલંદ બનાવી છે અને
મુખ્યમંત્રીને પણ આ બાબતે ગઇકાલે રજુઆત કરવામાં આવી હતી. તો આજે વધુ એક વખત
કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે.
જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને ભારતમાલા પ્રોજેક્ટના
ગાંધીનગર જિલ્લા અસરગ્રસ્ત ખેડૂત મંડળના પ્રતિનિધિઓ દ્વારા ખેડૂતોની જમીન બજાર
કિંમતે સંપાદિત કરવા માટેની માંગને દોહરાવવાની સાથે રોષ ઠોલવતા જણાવ્યું હતું કે,ગાંધીનગર
જિલ્લાના ૨૬ ગામોના લગભગ ત્રણ હજાર જેટલા ખેડૂત ખાતેદારોની જમીનનું સંપાદન આ
ભારતમાલા પ્રોજેક્ટમાં થાય છે જમીનની કિંમત હાલ કોરોડોમાં બોલાય છે ત્યારે સરકાર
જુની નીતિ પ્રમાણે સામાન્ય વળતર આપીને જમીન સંપાદન કરવાના મુડમાં છે જેનો વારંવાર
વિરોધ કરવામાં આવ્યો છે આ ઉપરાંત આવેદનપત્રમાં મુલ્યાંકન સમિતિમાં ખેડૂત
પ્રતિનિધીઓને સ્થાન આપવા અને સર્વિસ રોડ પણ સાથે સાથે બનાવીને ગામ-ખેતરો પાસે કટ
આપવા માંગણી કરવામાં આવી છે. અનેક આવેદપત્રો પણ સ્થાનિક તંત્રથી લઇને પદાધિકારીઓને
આપવામાં આવ્યા છે છતા કોઇ હકારાત્મક નિર્ણય લેવામાં આવ્યો નથી.ત્યારે રોષે ભરાયેલા
ખેડૂતો દ્વારા આંદોલનની ચિમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
ખેડૂત પ્રતિનિધી મંડળ દ્વારા ગઇકાલે રાજ્યના મુખ્યમંત્રીને
બજાર કિંમતે વળતર આપવા માટે રૃબરૃ મળીને રજુઆત કરવામં આવી હતી.જેની સામે
મુખ્યમંત્રીએ તો સંતોષકારક જવાબ આપ્યો હતો પરંતુ અગાઉ પણ ખોટી હૈયાધારણા આપવામાં
આવી હોવાથી ખેડૂતો જ્યાં સુધી લેખિત ઓર્ડર ન કરવામાં આવે ત્યાં સુધી વિશ્વાસ કરતા
નથી. ઉલ્લેખનીય છે કે, વળતર
પેટે ચૂકવવામાં આવતી રકમ સામે ટીડીએસ ન લગાવવા માટે પણ ખેડૂતોએ ઉગ્ર રજુઆત કરી છે.



