ખાલીદા ઝીયાનું નિધન : ભારતમાં જન્મ થયો પાકિસ્તાનમાં બાળપણ : બાંગ્લાદેશમાં રાજકારણ | Khaleda Zia passes away: Born in India childhood in Pakistan: Politics in Bangladesh

![]()
– બાંગ્લાદેશનાં પૂર્વ વડાપ્રધાન
– 15 ઓગસ્ટ 1945ના દિને જલપાઈગુડીમાં જન્મ : 16 ડીસેમ્બર 1971માં ભારતના હસ્તક્ષેપ પછી બાંગ્લાદેશનું સર્જન : આમ છતાં તેઓ ભારત વિરોધી હતા
ઢાકા : બાંગ્લાદેશનાં પૂર્વ વડાપ્રધાન અને બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટીના અધ્યક્ષ ખાલીદા ઝીયાનું આજે (મંગળવારે) સવારે નિધન થયું છે. તેઓ ૮૦ વર્ષનાં હતાં. તેઓ લાંબા સમયથી બિમાર હતા. વેન્ટીલેટર પર હતાં. આ સાથે બાંગ્લાદેશના લાંબા અને વિવાદોથી ભર્યા રાજકીય અધ્યાયનો અંત આવ્યો છે. તેઓ દેશના સર્વપ્રથમ મહિલા વડાપ્રધાન હતા. તેઓએ ૩ વખત વડાપ્રધાનપદ સંભાળી દાયકાઓ સુધી દેશના રાજકારણને દોર્યું હતું.
૧૫ ઓગસ્ટ ૧૯૪૫માં પશ્ચિમ બંગાળના જલપાઈગુડીમાં જન્મ થયો. જન્મના બે વર્ષ પછી ૧૯૪૭ના ૧૪મી ઓગસ્ટે જ અખંડ હિન્દુસ્તાનનું વિભાજન થયું. પાકિસ્તાન પશ્ચિમ અને પૂર્વ પાકિસ્તાન (વર્તમાન બાંગ્લાદેશ) તરીકે જુદું રાષ્ટ્ર બન્યું.
ભાષા અને સાંસ્કૃતિક ભેદભાવને લીધે પૂર્વ પાકિસ્તાનમાં અસંતોષ વ્યાપ્યો. અંતરવિગ્રહ શરૂ થયો. ભારતે બંગ-વાહીનીને શસ્ત્રો અને પૈસાની મદદ તો કરી જ સાથે ભારતીય સેના કાર્યરત થઈ. હજી સુધી નોંધાયેલી સૌથી મોટી સંખ્યા ૯૩૦૦૦માં પાકિસ્તાની સૈનિકોએ આત્મસમર્પણ કર્યું અને પૂર્વ પાકિસ્તાનમાંથી બાંગ્લાદેશનું ૧૬મી ડીસેમ્બર ૧૯૭૧ના દિને સર્જન થયું. તે માટે ભારતના ૬૦૦૦ સૈનિકો બંગવાહીને સહાય કરતાં વીરગતિ પામ્યા.
૧૯૮૦ના દશકમાં ખાલીદાએ રાજકારણમાં પ્રવેશ કર્યો ત્યારે તેઓના પતિ અને તે સમયના પ્રમુખ જનરલ ઝિયા ઉલ રહેમાનની હત્યા થઈ હતી ત્યારે રાજકારણ તેઓ માટે તદ્દન નવું હતું. પતિનાં નિધન પછી તેઓએ બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (બી.એન.પી.)નું અધ્યક્ષપદ સંભાળ્યું સાથે દેશના સબળ નેતાઓનાં જૂથમાં તેઓ આવી ગયાં. ૧૯૯૧માં પહેલીવાર વડાપ્રધાન પદના શપથ લીધા અને દેશનાં સૌથી પહેલાં મહિલા વડાપ્રધાન બન્યાં. ૧૯૯૧ પછી ૨૦૦૧થી ૨૦૦૬ સુધી વડાપ્રધાન પદે રહી દેશને નેતૃત્વ આપ્યું.
જોકે તેઓનાં શાસનકાળમાં મુક્ત બજાર, અર્થ વ્યવસ્થા, ખાનગીકરણ અને ઈન્ફાસ્ટ્રકચર ઉપર ભાર મુકાયો.
ભારત સાથે તેઓના પક્ષ કે તેમના પોતાના સંબંધો સારા રહ્યાં ન હતાં. બીજી તરફ તેઓની અને તેઓની પાર્ટી ઉપર ભ્રષ્ટાચાર, રાજકીય હિંસા અને વહીવટી નિર્બળતાના આક્ષેપો થયા. તેથી પણ વધુ ગંભીર આક્ષેપો તો કટ્ટરપંથી તત્ત્વોને પુષ્ટિ આપતાં હતા.
ભારત સાથે તેઓના સંબંધો હંમેશાં જટિલ અને તંગદિલીભર્યા રહ્યા હતા. તેઓનાં રાજકારણનો આધાર જ તેઓની ભારત વિરોધી નીતિ માનવામાં આવે છે. ૧૯૭૧માં બાંગ્લાદેશનું સર્જન થયું પછી ૧૯૭૨માં ભારત સાથે બાંગ્લાદેશે કરેલી સંધિને તેમણે ગુલામીની સંધિ કહી હતી. ૧૯૯૬માં ગંગાજળ વહેંચણી સંધિને તેમણે ગુલામીનો સોદો કહી હતી. ચટ્ગાંવ-હિલ ટ્રેક્સની શાંતિ સમજૂતીનો વિરોધ કરતાં કહ્યું કે તેથી તે ક્ષેત્ર ભારતના પ્રભાવમાં આવી જશે.
૨૦૦૧માં તો મેઘાલય અને આસામની બાંગ્લાદેશ સાથેની સરહદે બંને દેશોનાં દળો વચ્ચે ઝપાઝપી પણ થઈ હતી. તેમાં ભારતના ૧૬ જવાનો વીરગતિ પામ્યા હતા. (શહીદ થયા હતા) આ પછી બંને દેશોના સંબંધોમાં કડવાશ આવી ગઈ. તિસ્તા નદીના જળની વહેંચણી તથા ગેરકાયદે ઘૂસણખોરીને લીધે પણ બંને દેશો વચ્ચે તંગદિલી પ્રવર્તે છે.
ખાલીદાએ ભારતને બદલે પાકિસ્તાન અને ચીન સાથે મૈત્રી બાંધવાને પ્રાથમિકતા આપી હતી. તેટલું જ નહીં પરંતુ પૂર્વોત્તર ભારતના આતંકીઓને તેમની સરકાર આશ્રય આપતી હતી.
૨૦૧૩માં ભારતના રાષ્ટ્રપતિપદે રહેલા પ્રણવ મુખર્જી ઢાકાની મુલાકાતે ગયા ત્યારે તેઓને મળવાની પણ ના કહી હતી. તેઓનો આક્ષેપ હતો કે ભારત શેખ હસીનાને વધુ મહત્વ આપી રહ્યું છે. શેખ હસીના સાથે તો તેમને આડવેર થઈ ગયું હતું.



