‘હમાસનું નિ:શસ્ત્રીકરણ થવું જ જોઈએ’ નેતન્યાહૂ સાથે મંત્રણા પછી ટ્રમ્પે કહ્યું | ‘Hamas must be disarmed ‘ Trump says after talks with Netanyahu

![]()
– ‘ગાઝા અંગે યોજના છે વહેલામાં વહેલી અમલી કરવી પડે’
– ઈરાન સરકાર ઉથલાવવા વિષે હું નહીં કહું : તેને તો ઘણા જ પ્રશ્નો છે ભયંકર ફુગાવો છે : અર્થતંત્ર બિસ્માર છે, જે કોઈ અવાજ ઉઠાવે તેને ઠાર કરાય છે
પામ બીચ,ફલોરિડા : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે, ‘ગાઝા અંગે અમારી પાસે યોજના છે, અને તે વહેલામાં વહેલી તકે અમલી કરવી પડે તેમ છે.’
સોમવારે (અમેરિકન સમય પ્રમાણે) ઈઝરાયલી વડાપ્રધાન સાથેની મંત્રણા પછી પ્રમુખે બહુ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, ‘અમારી પાસે ગાઝામાં શાંતિ સ્થાપવા માટે સઘન યોજના છે. પરંતુ તે પૂર્વે હમાસનું નિ:શસ્ત્રીકરણ થવું જ જોઈએ.’ અમે ગાઝા અંગે સમજૂતી સાધવા માંગીએ છીએ તેથી તો આ મહાન વડાપ્રધાન અહીં આવ્યા છે. અમે ઘણી ઘણી વાતો કરી છે, તે પૈકી પાંચ મહત્વના મુદ્દાઓ વિષે ચર્ચા કરી હતી, તે પૈકી ગાઝા એક મહત્વનો મુદ્દો હતો.
તમો ઈરાનની સરકાર ઉથલાવવામાં ટેકો આપશો કે કેમ તેવા પત્રકારોના પ્રશ્નના ઉત્તરમાં ટ્રમ્પે કહ્યું હતું કે, ‘હું તે વિષે કશું કહેવા નથી માગતો. ઈરાનને ઘણા પ્રશ્નો છે. ત્યાં અસામાન્ય ફુગાવો છે. અર્થતંત્ર જરા પણ સારી સ્થિતિમાં નથી. લોકો ત્યાં અશાંત છે. વારંવાર ત્યાં રમખાણો થાય છે. જ્યારે કોઈ એક ગુ્રપ બનાવે, નાનું કે મોટું ગુ્રપ બનાવે તો તેઓ ઉપર ગોળીબાર કરવામાં આવે છે. તેઓ લોકોને મારી નાખે છે. હું વર્ષોથી તે જોતો આવ્યો છું ત્યાં અસામાન્ય અસંતોષ છે.’
ટ્રમ્પને મળતાં પૂર્વે નેતન્યાહૂ અમેરિકાના સંરક્ષણ મંત્રી પેટ હેગસેશને મળ્યા હતા તે પછી વિદેશ મંત્રી માર્કો રૂબિયાને પણ મળ્યા હતા.



