राष्ट्रीय

‘અમારી સાથે દગો થયો’, BMC ચૂંટણી પહેલા મહાયુતિમાં ભંગાણ? દિગ્ગજ નેતા 38 બેઠકો પર લડશે ‘એકલા હાથે’ | Maharashtra BMC Election 2025 Mahayuti Alliance Seat Sharing Ramdas Athawale



BMC Election : મહારાષ્ટ્રના રાજકારણમાં આગામી મહાનગરપાલિકાની ચૂંટણીઓ પહેલા મહાયુતિ ગઠબંધનમાં ડખો થયો હોવાનો મામલો સામે આવ્યો છે. કેન્દ્રીય મંત્રી અને રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયા (A)ના વડા રામદાસ આઠવલે BMC ચૂંટણીમાં બેઠકોની વહેંચણી મામલે નારાજ થયા છે અને તેમણે સ્પષ્ટ કહ્યું છે કે, ‘અમારી સાથે દગો થયો છે.’ BMC ચૂંટણી પહેલા મહાયુતિમાં ભંગાણના સંકેતો આપતા આ દિગ્ગજ નેતાએ હવે 38 બેઠકો પર એકલા હાથે ચૂંટણી લડવાની જાહેરાત કરી દીધી છે.

મારી પાર્ટીને માત્ર સાત બેઠકો : આઠવલે

રામદાસ આઠવલેએ પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, ‘મહાયુતિની સ્થાપના થઈ ત્યારથી મારી પાર્ટી સંપૂર્ણ નિષ્ઠા અને મજબૂતી સાથે ગઠબંધન સાથે ઉભી રહી છે. આમ છતાં, BMC ચૂંટણીમાં બેઠકોની વહેંચણીને લઈને જે નિર્ણય લેવાયો તેનાથી અમારા કાર્યકરો નારાજ થયા છે. મોડી રાત્રે મારી પાર્ટીને માત્ર સાત બેઠકોની દરખાસ્ત આપવી યોગ્ય વાત નથી અને પક્ષ માટે સ્વીકાર્ય પણ નથી.’

‘મહાયુતિએ અમારી પાર્ટીની અવગણના કરી’

આઠવલેએ મહાયુતિનું ટેન્શન વધારતા સ્પષ્ટ કહ્યું કે, ‘મુંબઈમાં અમારી પાર્ટીની શક્તિ વંચિત બહુજન આઘાડી કરતા પણ વધુ છે, તેમ છતાં અમારી પાર્ટીની અવગણના કરવામાં આવી છે. પક્ષ અને કાર્યકરોના ગૌરવ સાથે કોઈ બાંધછોડ કરી શકાય નહીં.’ ઉમેદવારોની યાદી જાહેર કરતા તેમણે સ્પષ્ટ કર્યું કે, જો કાર્યકરોનું સન્માન નહીં જળવાય તો પક્ષનું અસ્તિત્વ જોખમમાં મુકાઈ શકે છે.

આ પણ વાંચો : ડૉક્ટરની સલાહ વિના આડેધડ દવા લેતા હોવ તો ચેતી જજો… PM મોદીએ પણ કરી અપીલ

‘ફ્રેન્ડલી ફાઈટ’ સાથે ગઠબંધન ચાલુ રહેશે

તેમણે વધુમાં કહ્યું કે, તેમની પાર્ટી 38થી 39 બેઠકો પર ‘ફ્રેન્ડલી ફાઈટ’ હેઠળ પોતાના ઉમેદવારો ઉતારશે, જ્યારે બાકીની બેઠકો પર તેઓ ભાજપ અને એકનાથ શિંદેની શિવસેનાને સમર્થન આપવાનું ચાલુ રાખશે. ઉલ્લેખનિય છે કે, માત્ર આઠવલેની પાર્ટી જ નહીં, પરંતુ મહાયુતિના અન્ય એક સાથી પક્ષ અને નાયબ મુખ્યમંત્રી અજિત પવારની આગેવાની હેઠળની NCPએ પણ ચૂંટણીમાં અલગ વલણ અપનાવ્યું છે. મહારાષ્ટ્રની 29 મહાનગરપાલિકાઓમાં 15 જાન્યુઆરીએ યોજાનારી ચૂંટણી માટે નામાંકન ભરવાની અંતિમ તારીખ આજે પૂર્ણ થઈ છે, ત્યારે ગઠબંધન સાથીઓ વચ્ચેના આ વિવાદથી રાજકીય વાતાવરણ ગરમાયું છે.

આ પણ વાંચો : બંગાળમાં ચૂંટણી પહેલા કોંગ્રેસના દિગ્ગજ નેતાની PM મોદી સાથે મુલાકાત, જાણો કયા મુદ્દા પર થઈ ચર્ચા



Source link

Related Articles

Back to top button