दुनिया

’24 કલાકમાં યમનથી સેના હટાવો…’, UAEને સાઉદી અરબનું અલ્ટિમેટમ, જાણો શું છે સમગ્ર વિવાદ | saudi arabia uae yemen ultimatum stc conflict


Saudi Arabia Foreign Ministry Link: સાઉદી અરબ અને UAE વચ્ચેના વર્ષો જૂના મૈત્રીપૂર્ણ સંબંધોમાં હવે તિરાડ પડી છે. યમનના આંતરિક સંઘર્ષને પગલે સાઉદી અરબે UAEને તેની સૈન્ય ટુકડીઓ પાછી ખેંચવા માટે માત્ર 24 કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે. સાઉદી વિદેશ મંત્રાલયે ભારપૂર્વક જણાવ્યું છે કે દેશની સુરક્ષા સાથે બાંધછોડ કર્યા વિના તેઓ કોઈ પણ જોખમને જડબાતોડ જવાબ આપવા તૈયાર છે.

સાઉદીનો UAE પર હવાઈ હુમલો

તાજેતરમાં સાઉદી અરબની વાયુસેનાએ યમનના મુકાલા પોર્ટ પર ભીષણ હવાઈ હુમલો કર્યો હતો. સાઉદીનો દાવો છે કે આ પોર્ટ પર UAE દ્વારા સધર્ન ટ્રાન્ઝિશનલ કાઉન્સિલ(STC) નામના અલગતાવાદી સંગઠન માટે હથિયારો મોકલવામાં આવ્યા હતા. સાઉદી અરબ આ પગલાને પોતાની સુરક્ષા માટે ‘રેડ લાઇન’ ગણાવી રહ્યું છે.

યમનમાં ઈમરજન્સી અને ડિફેન્સ ડીલ રદ

સાઉદી અરબના સમર્થનવાળી યમન સરકારના રાષ્ટ્રપતિ કાઉન્સિલના પ્રમુખ રશદ અલ અલીમીએ યુનાઇટેડ આરબ એમિરેટ્સ સામે અત્યંત આકરું વલણ અપનાવતા મોટા નિર્ણયો લીધા છે. તેમણે UAEને સ્પષ્ટ ચેતવણી આપતાં આગામી 24 કલાકમાં તમામ સૈનિકોને યમન છોડવા માટે કડક આદેશ કર્યો છે. આ રાજદ્વારી અને સૈન્ય તણાવ વચ્ચે, યમન સરકારે UAE સાથેની વર્ષો જૂની સંરક્ષણ સમજૂતીને પણ તાત્કાલિક અસરથી રદ કરી દીધી છે, જે બંને દેશો વચ્ચેના સંબંધોમાં પડેલી મોટી તિરાડ સૂચવે છે. પરિસ્થિતિની ગંભીરતાને જોતાં, હૂતી-વિરોધી દળોએ સમગ્ર યમનમાં ઈમરજન્સી જાહેર કરી છે અને સુરક્ષાના કારણોસર આગામી 72 કલાક માટે તમામ સીમાઓ સીલ કરી દેવામાં આવી છે.

શું છે વિવાદનું મુખ્ય કારણ?

યમનમાં ઈરાન સમર્થિત હૂતીઓ વિરુદ્ધ લડવા માટે સાઉદી અને UAE એકસાથે હતા, પરંતુ હવે આંતરિક મતભેદો સામે આવ્યા છે. UAE સમર્થિત STC અલગતાવાદીઓ દક્ષિણ યમનમાં આગળ વધી રહ્યા છે, જેને સાઉદી અરબ પોતાની સુરક્ષા માટે ખતરો માને છે. સાઉદીનું કહેવું છે કે UAE બળવાખોરોને હથિયાર આપીને યમનની સ્થિરતા બગાડી રહ્યું છે.

આ પણ વાંચો: તાઈવાનની આસપાસ ચીનનું શક્તિપ્રદર્શન: 90 ફાઈટર જેટ્સે સરહદ ઓળંગી

ગઠબંધન પર તોળાતું જોખમ

છેલ્લા એક દાયકાથી હૂતીઓ સામે લડી રહેલું સાઉદી નેતૃત્વ હેઠળનું ગઠબંધન હવે તૂટવાની અણી પર છે. જો સાઉદી અને UAE વચ્ચે આ વિવાદ વધશે, તો તેની અસર માત્ર મધ્ય પૂર્વના દેશો પર જ નહીં પરંતુ વૈશ્વિક તેલ બજાર અને સુરક્ષા પર પણ પડશે. શુક્રવારે હદરામોત વિસ્તારમાં થયેલા હુમલામાં કાઉન્સિલના બે લડવૈયાઓ માર્યા ગયા છે અને અનેક ઘાયલ થયા હોવાના પણ અહેવાલ છે.


'24 કલાકમાં યમનથી સેના હટાવો...', UAEને સાઉદી અરબનું અલ્ટિમેટમ, જાણો શું છે સમગ્ર વિવાદ 2 - image



Source link

Related Articles

Back to top button