गुजरात

સત્તા વગરના સરપંચ! સંખેડાની ઇન્દ્રાલ ગામમાં વહીવટદારની નિમણૂક, માથું ચકરાઈ જાય તેવો કિસ્સો | Chhota Udaipur News Sankheda Indral Gram Panchayat Administrator appointed instead of Sarpanch



Chhota Udaipur News: ગુજરાતમાં પંચાયતી રાજમાં એક અજીબો ગરીબ કિસ્સો બન્યો છે, જ્યાં સરપંચ પદે ચૂંટાયેલા વ્યક્તિને 6-6 મહિના વીતી ગયા બાદ પણ ચાર્જ સોંપાયો નથી, મામલો એવી કાયદાકીય આંટીઘૂંટીએ ચડ્યો હતો કે આખરે હવે ત્યાં વહીવટદારની નિમણૂક કરવાની ફરજ પડી છે. સામાન્ય રીતે ચૂંટણી જીત્યાના થોડા જ દિવસોમાં જનપ્રતિનિધિ સત્તા સંભાળતા હોય છે, પરંતુ ઇન્દ્રાલ ગ્રામ પંચાયતમાં રાકેશભાઈ રતિલાલ પંચાલ 6 મહિનાથી સરપંચ પદે ચૂંટાયા બાદ પણ તે ગામનો વહીવટ હાથમાં લઈ શક્યા નથી, અટકેલા કામો અને પાયાની સુવિધાઓ વચ્ચે નારાજ થયેલા ગ્રામજનોની લોકલાગણીને માન આપી ત્યાં વહીવટદારની નિમણૂક કરી દેવાઈ છે.

ક્યાં મામલો ગુંચવાયો હતો?

છોટાઉદેપુર જિલ્લામાં જ્યારે ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ યોજાઈ, ત્યારે સંખેડાના ઇન્દ્રાલ ગ્રામ પંચાયતમાં એક અજીબ સ્થિતિ સર્જાઈ હતી. પંચાયતના કુલ 8 વૉર્ડમાં સમય મર્યાદાના કારણે કોઈ પણ સભ્ય ઉમેદવારી નોંધાવી શક્યું નહોતું. માત્ર સરપંચ પદ માટે જ ચૂંટણી યોજાઈ, જેમાં રાકેશભાઈ રતિલાલ પંચાલ 25 જૂનના રોજ વિજેતા જાહેર થયા હતા. નિયમ મુજબ, ડેપ્યુટી સરપંચની વરણી માટે સભ્યો હોવા અનિવાર્ય છે. સભ્યો ન હોવાથી ગ્રામ પંચાયતની પ્રથમ મીટિંગ થઈ શકી નથી અને પરિણામે સરપંચને ચાર્જ આપી શકાયો નથી. આ વહીવટી ગૂંચને ઉકેલવા તાલુકા વિકાસ અધિકારી (TDO) એ જિલ્લા વિકાસ અધિકારી (DDO) અને ત્યારબાદ વિકાસ કમિશ્નર પાસે માર્ગદર્શન માંગ્યું હતું, પરંતુ મહિનાઓ વીતવા છતાં ઉકેલ આવ્યો ન હતો. 

નાયબ જિલ્લા વિકાસ અધિકારીએ શું કહ્યું?

સમગ્ર મામલે છોટાઉદેપુરના નાયબ જિલ્લા વિકાસ અધિકારીએ કહ્યું કે, ઇન્દ્રાલ ગ્રામ પંચાયતમાં વહીવટદાર નિમવાની એક દરખાસ્ત હતી, જે અનુસંધાને આજે વહીવટદાર તરીકે હવે હિરેન આર પટેલ, (તાલુકા પંચાયત સંખેડા વિસ્તરણ અધિકારી)ની નિમણૂક કરવામાં આવી છે.

‘સરપંચ કહે છે અમારી પાસે ચાર્જ નથી’

ગ્રામજનોનો આક્ષેપ હતો કે, “અમે મત આપીને સરપંચને ચૂંટ્યા છે, પણ જ્યારે અમે સમસ્યા લઈને જઈએ છીએ ત્યારે સરપંચ કહે છે કે મારી પાસે ચાર્જ જ નથી.” બીજી તરફ, તલાટીના શાસનમાં લોકપ્રશ્નો ઉકેલાતા નથી. હવે વહીવટદારની નિમણૂક થતાં લોકોએ થોડો રાહતનો શ્વાસ લીધો છે.

આ પણ વાંચો: VIDEO: લોકશાહીની મજાક? સંખેડાના ઇન્દ્રાલમાં 6 મહિનાથી ચૂંટાયેલા સરપંચ પાસે સત્તા નહીં, તંત્રની નિષ્કાળજીથી ગ્રામજનો પરેશાન

પ્રથમ બેઠક અને કોરમનો પ્રશ્ન, આખરે વહીવટદારની નિમણૂક

કાયદા મુજબ, ચૂંટણી પછી પંચાયતની ‘પ્રથમ બેઠક’ બોલાવવી પડે છે, જેમાં ઉપ-સરપંચની વરણી થાય છે. આ બેઠક માટે ‘કોરમ’ (ન્યૂનતમ સભ્યોની હાજરી) જરૂરી છે. ઇન્દ્રાલના કિસ્સામાં એક પણ સભ્ય નથી, તેથી ટેકનિકલી પ્રથમ બેઠક મળી શકતી નથી. જ્યાં સુધી પ્રથમ બેઠક ન મળે, ત્યાં સુધી સરપંચ કાયદેસર રીતે ચાર્જ સંભાળી શકતા નથી. જો કાયદાકીય ગૂંચ ઉકેલાય તેમ ન હોય, તો જ્યાં સુધી નવી ચૂંટણી ન થાય ત્યાં સુધી ‘વહીવટદાર'(મોટેભાગે તલાટી અથવા વિસ્તરણ અધિકારી)ને સત્તા સોંપવામાં આવે છે.



Source link

Related Articles

Back to top button