राष्ट्रीय

શરદ પવારના પુત્રી કેન્દ્ર સરકારમાં બનશે મંત્રી? દિગ્ગજ નેતાના દાવાથી મહારાષ્ટ્રના રાજકારણમાં હલચલ | Maharashtra Politics Heats Up as Claim Emerges on Supriya Sule Becoming Union Minister



Maharashtra Politics: મહારાષ્ટ્રમાં મ્યુનિસિપલ કોર્પોરેશન અને ખાસ કરીને BMCની આગામી ચૂંટણીઓ પૂર્વે રાજકીય ગતિવિધિઓએ જોર પકડ્યું છે. રવિવારે (28મી ડિસેમ્બર)  અજિત પવાર અને શરદ પવાર જૂથ વચ્ચે પિંપરી-ચિંચવડની ચૂંટણી માટે ગઠબંધન જાહેર થયા બાદ, ‘વંચિત બહુજન અઘાડી’ (VBA)ના અધ્યક્ષ પ્રકાશ આંબેડકરે એક સનસનીખેજ નિવેદન આપ્યું છે. તેમણે દાવો કર્યો છે કે, ‘શરદ પવારના પુત્રી અને સાંસદ સુપ્રિયા સુલે આગામી સમયમાં કેન્દ્ર સરકારમાં મંત્રી બની શકે છે.’

પ્રકાશ આંબેડકરનું વિવાદાસ્પદ નિવેદન

એનસીપીના બંને જૂથોના જોડાણ પર પ્રતિક્રિયા આપતા પ્રકાશ આંબેડકરે કહ્યું કે, ‘ચૂંટણી પછી જો તમે સુપ્રિયા સુલેને કેન્દ્રીય મંત્રીમંડળમાં જુઓ તો આશ્ચર્ય પામશો નહીં. આ માત્ર શરૂઆત છે, ધર્મનિરપેક્ષ પક્ષોએ હવે સાવધ રહેવાની જરૂર છે. અજિત પવારે શરદ પવાર માટે ભાજપ તરફ વળવાનો માર્ગ મોકળો કરી આપ્યો છે.’ 

VBAના અધ્યક્ષ પ્રકાશ આંબેડકરે યાદ અપાવ્યું કે શરદ પવાર અટલ બિહારી વાજપેયીના કાર્યકાળ દરમિયાન પણ મહત્વના પદે હતા, તેથી તેમના અને ભાજપના સંબંધો ક્યારેય છૂપા રહ્યા નથી.

આ પણ વાંચો: ‘પહેલા તમારા દેશની સ્થિતિ જુઓ’ લઘુમતીઓ મુદ્દે આક્ષેપ કરનારા પાકિસ્તાનને ભારતે આપ્યો જવાબ

NCPના બંને જૂથો ફરી એકસાથે: 2023 પછીનું પ્રથમ જોડાણ

રવિવારે નાયબ મુખ્યમંત્રી અજિત પવારે જાહેરાત કરી હતી કે, પિંપરી-ચિંચવડ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં NCP (અજિત પવાર) અને NCP (શરદ પવાર જૂથ) સાથે મળીને લડશે. 2023માં પક્ષમાં પડેલી ફાટ પછી આ પ્રથમ વખત છે જ્યારે કાકા-ભત્રીજાના જૂથો એક મંચ પર આવ્યા છે. આ ગઠબંધનનો મુખ્ય હેતુ પિંપરી-ચિંચવડમાં ભાજપના ગઠબંધનને પડકારવાનો છે.

મહારાષ્ટ્ર મ્યુનિસિપલ ચૂંટણી: ‘નાના-ભારતની ઝલક’

વ્યૂહરચના સ્પષ્ટ કરતા પ્રકાશ આંબેડકરે કહ્યું કે, ‘મારી પાર્ટી મહારાષ્ટ્રના અલગ-અલગ વિસ્તારોમાં અલગ-અલગ પક્ષો સાથે જોડાણ કરી રહી છે.’ તેમણે સ્પષ્ટ કર્યું કે તેમની પાર્ટી ભાજપ અને RSS સાથે ક્યારેય જોડાણ નહીં કરે, પરંતુ અન્ય પક્ષો માટે દરવાજા ખુલ્લા છે. નોંધનીય છે કે, મુંબઈમાં VBA કોંગ્રેસ સાથે છે, જ્યારે ચંદ્રપુરમાં શિવસેના સાથે છે.

ઉલ્લેખનીય છે કે,પ્રકાશ આંબેડકરના આ નિવેદને મહાવિકાસ અઘાડી (MVA) માં પણ ચિંતા વધારી છે. જો સુપ્રિયા સુલે અંગેનો તેમનો દાવો સાચો પડે, તો મહારાષ્ટ્રમાં વિપક્ષી એકતાના લીરેલીરા ઉડી શકે છે. હાલમાં તો પિંપરી-ચિંચવડમાં NCPના બંને જૂથોનું એક થવું એ રાજ્યના રાજકારણમાં પલટાના સંકેત આપી રહ્યું છે.



Source link

Related Articles

Back to top button