બાંગ્લાદેશના પ્રથમ મહિલા વડાંપ્રધાન ખાલિદા ઝિયાનું નિધન, 80 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ | Former Bangladesh PM Khaleda Zia Passes Away at 80 After Prolonged Illness

Former Bangladesh PM Khaleda Zia Passes Away : બાંગ્લાદેશના પૂર્વ વડાંપ્રધાન ખાલિદા ઝિયાનું આજે 80 વર્ષની વયે નિધન થયું છે. તેઓ ઘણા સમયથી બીમાર હતા અને હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. હાલમાં જ તેમના પુત્ર વર્ષો બાદ બાંગ્લાદેશ પરત ફર્યા હતા. બાંગ્લાદેશ નેશનલ પાર્ટીએ X પર પોસ્ટ કરી જણાવ્યું, કે આજે ફજરની નમાઝ બાદ સવારે 6 વાગ્યે ખાલિદા ઝિયાએ અંતિમ શ્વાસ લીધા.
હવે પુત્રના હાથમાં BNPની કમાન
નોંધનીય છે કે ખાલિદા ઝિયાને લીવર, ડાયાબિટીસ તથા હૃદય રોગની બીમારી હતી અને છેલ્લા દિવસથી તેઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા. તેમના નિધન બાદ હવે BNPની કમાન તેમના પુત્ર તારિક રહેમાનના હાથમાં રહેશે. તેઓ અત્યાર સુધી કાર્યકારી પ્રમુખ તરીકે કામ કરી રહ્યા હતા. તેઓ જેલની સજાના ડરથી શેખ હસીના શાસનકાળ દરમિયાન બાંગ્લાદેશ છોડી જતાં હતા. જોકે હાલમાં જ તેઓ 17 વર્ષ બાદ બાંગ્લાદેશ પરત આવ્યા છે.

શેખ હસીના સાથે રાજકીય દુશ્મનાવટ હતી
બાંગ્લાદેશના રાજકારણમાં ત્રણ દાયકાથી બે બેગમ વચ્ચે લોહિયાળ યુદ્ધ ચાલી રહ્યું હતું. યુદ્ધના મુખ્ય પાત્રો હતા બે શક્તિશાળી મહિલા નેતા: શેખ હસીના વાજેદ (અવામી લીગ) અને બેગમ ખાલિદા ઝિયા (બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટી-BNP). એક સમયે બંને સામૂહિક રીતે સરમુખત્યારશાહી સામે લડી હતી, પણ સત્તાની લાલચમાં બંને એકબીજાની દુશ્મન બની બેઠી. જોકે હવે શેખ હસીના ભારતમાં છે જ્યારે આજે ખાલિદા ઝિયાનું નિધન થયું છે. એવામાં હવે બાંગ્લાદેશમાં નવા જ પ્રકારનું રાજકારણ જોવા મળશે.
ખલિદા ઝિયાએ પતિના નિધન બાદ રાજકારણમાં પગ મૂક્યો હતો
30 મે, 1981ના રોજ, પૂર્વ રાષ્ટ્રપતિ અને ખાલિદા ઝિયાના પતિ, જનરલ ઝિયાઉર રહેમાનની પણ ચિત્તગોંગમાં લશ્કરી બળવાખોરોએ હત્યા કરી દીધી. એ સમયે ખાલિદા ઝિયા ગૃહિણી હતા. પતિના અવસાન પછી તેમણે પતિએ સ્થાપેલી પાર્ટી BNPનું સુકાન સંભાળ્યું અને રાજકારણમાં પગ મૂક્યો.
જ્યારે શેખ હસીના અને ખાલિદા ઝિયા એક થયા હતા!
વર્ષ 1978માં જનરલ ઝિયાઉર રહેમાન દ્વારા બાંગ્લાદેશ સેનાના પ્રમુખ બનાવાયેલા હુસૈન મુહમ્મદ ઇર્શાદને ઝિયાઉર રહેમાનની હત્યા બાદ સત્તાલાલસા જાગી. તેમણે 1982માં સૈન્ય તખ્તાપલટ કરીને તત્કાલીન રાષ્ટ્રપતિ અબ્દુલ સત્તારની સરકાર ગબડાવી દીધી અને પોતે રાષ્ટ્રપતિ બનીને સંપૂર્ણ અધિકારો હાંસલ કરી લીધા. માર્શલ લૉ લાદીને તેમણે રાજકીય પ્રવૃત્તિ પર પ્રતિબંધ મૂક્યો, રાજકીય પક્ષો ભંગ કર્યા અને વિરોધી નેતાઓને જેલમાં ધકેલી દીધા. પોતાની સરમુખત્યારશાહી પર ઢાંકપિછોડો કરવા તેમણે 1983માં ‘જાતીય પક્ષ’ નામની પાર્ટીની સ્થાપના કરી. ઇર્શાદને સત્તા પરથી હટાવવા માટે શેખ હસીના વાજેદ અને ખાલિદા ઝિયા એક થયા. 1987માં શરુ થયેલા આ આંદોલનને વ્યાપક લોકસમર્થન મળ્યું. આખરે 4 ડિસેમ્બર 1990ના રોજ ઇર્શાદે રાષ્ટ્રપતિપદેથી રાજીનામું આપવું પડ્યું. 1991માં ભ્રષ્ટાચારના આરોપ હેઠળ તેમની ધરપકડ થઈ.
શેખ હસીના અને ખાલિદા ઝિયા વચ્ચે સત્તા માટે લડાઈ
ઇર્શાદના પતન પછી બંને બેગમો વચ્ચે સત્તા માટે સીધી હરીફાઈ શરુ થઈ, જેમાં બંનેએ વારાફરતી સત્તા મેળવી.
– 1991માં ખાલિદા ઝિયા (BNP) બાંગ્લાદેશના પ્રથમ મહિલા વડાપ્રધાન બન્યા.
– 1996માં શેખ હસીના (અવામી લીગ) પહેલીવાર બાંગ્લાદેશના વડાપ્રધાન બન્યા.
– ખાલિદા ઝિયા 2001થી 2006 સુધી ફરી સત્તામાં રહ્યા.
– શેખ હસીનાએ 2009થી 2024 સુધી સતત 15 વર્ષ સુધી સત્તા ભોગવી. તેઓ 2009, 2014 અને 2018માં સતત ત્રણ ચૂંટણી જીત્યા હતા.
ખાલિદા ઝિયાને જેલ થઈ, પુત્ર પહેલા જ લંડન ભાગી ગયા હતા
વર્ષ 1991થી 2024ના દરમિયાન બંને બેગમોના પક્ષની દુશ્મનાવટ ઉગ્ર બની. બંનેએ એકબીજા પર ભ્રષ્ટાચાર, આપખુદ શાસન અને હિંસા ફેલાવવાના આરોપ મૂક્યા. 2004માં શેખ હસીના પર ગ્રેનેડ હુમલો થયો, જેમાં 24 લોકો માર્યા ગયા. હસીનાએ આ હુમલા માટે ખાલિદા ઝિયાના પુત્ર તારિક રહેમાનને દોષી ઠેરવ્યા. હસીના સરકાર જેલમાં નાંખી દેશે એવા ડરથી તારિક 2008માં લંડન ભાગી ગયા. 2018માં હસીના સરકારે ભ્રષ્ટાચારના કેસમાં ખાલિદા ઝિયાને જેલમાં ધકેલી દીધા.
2024ના વિદ્યાર્થી આંદોલને કર્યું હસીનાના શાસનનું પતન
2024ના ઉનાળામાં સરકારી નોકરીઓમાં જૂની ‘ક્વોટા સિસ્ટમ’ બંધ કરવા માટે શાંતિપૂર્ણ વિદ્યાર્થી આંદોલન શરુ થયું, જે પછીથી શેખ હસીના સરકાર સામે વ્યાપક વિરોધ બની ગયું. આંદોલનકારીઓ અને આંતરરાષ્ટ્રીય સમુદાયે સરકાર પર લોકશાહીનું દમન, મીડિયા દમન અને ચૂંટણીમાં ગોટાળાના આરોપ મૂક્યા. જુલાઈ-ઑગસ્ટમાં થયેલી હિંસક ઘટનાઓમાં સેંકડો લોકો માર્યા ગયા. દબાણ વધતું જતાં 5 ઑગસ્ટ 2024ના રોજ શેખ હસીનાએ વડાપ્રધાનપદેથી રાજીનામું આપી દીધું. જીવ પર ખતરો લાગતા તેમણે ભારતમાં શરણ લીધી.
પતન બાદ બાંગ્લાદેશમાં આવેલા રાજકીય પરિવર્તનો
– ખાલિદા ઝિયાને જેલમાંથી મુક્ત કરાયા.
– નોબેલ વિજેતા ડૉ. મુહમ્મદ યુનુસને વચગાળાની સરકારના વડા બનાવાયા.
– અવામી લીગ પર પ્રતિબંધ મૂકાયો. હસીના પર માનવતા વિરુદ્ધના ગુના માટે કેસ ચાલ્યો.
– નવેમ્બર 2025માં ટ્રિબ્યુનલે શેખ હસીનાને તેમની ગેરહાજરીમાં જ મૃત્યુદંડની સજા ફટકારી.
– શેખ હસીના હજુ પણ ભારતમાં છે. તેમના પ્રત્યાર્પણ માટે બાંગ્લાદેશ સરકારની માંગણીનો ભારતે હજુ સુધી સ્પષ્ટ જવાબ આપ્યો નથી.



