અમદાવાદ: આ કેવું ભણતર! બગોદરા પ્રાથમિક શાળાની શિક્ષિકા ભાન ભૂલ્યા, વિદ્યાર્થીને લાકડીથી ફટકારતાં ફરિયાદ દાખલ | Ahmedabad News Bagodara Primary School Teacher beats up student Botad Police

![]()
Ahmedabad News: બાવળાના બગોદરા પ્રાથમિક શાળા શિક્ષિકા દ્વારા વિદ્યાર્થીને ઢોર માર મારવામાં આવતા ફરિયાદ દાખલ થઈ છે. અમીબેન નામની શિક્ષિકાએ ગુસ્સામાં આવી ઘોરણ 5માં ભણતા વિદ્યાથીને લાકડી વડે માર માર્યો હતો. જેમાં વિદ્યાર્થીને હાથના ભાગે પાટાપિંડી કરવી પડે તેવી નોબત આવી હતી. શાળા દ્વારા ઘટનાની જાણ વાલીને કરવામાં આવતા વાલીએ 112માં જાણ કરી ફરિયાદ નોંધાવી છે. જે મામલે બગોદરા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. શિક્ષણ વિભાગના અધિકારીઓ દ્વારા તપાસ કરી કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે.
વાલીએ કહ્યું ન્યાય મળે
વાલીએ ઘટના અને ફરિયાદનો ઉલ્લેખ કરતાં કહ્યું કે ‘મારો છોકરો સવારો શાળાએ ગયો હતો, ત્યાં બેન દ્વારા તેને ઢોર માર મારવામાં આવ્યો. મને ઘટનાની જાણ થતાં જ મેં 112માં ફોન કર્યો હતો. તેમણે તપાસ કરી હતી અને મારા દીકરાને દવાખાને મોકલ્યો હતો. જે બાદ મને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો જ્યાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હું ઈચ્છું છું કે બગોદરા પ્રાથમિક શાળાના બધા શિક્ષકો અને પોલીસ આ મુદ્દે ન્યાય મળે તે રીતે પગલાં ભરે’
લગભગ આઠેક વાર માર મારવાની ઘટના સામે આવી: આચાર્ય
બગોદરા પ્રાથમિક શાળાના આચાર્યએ જણાવ્યું કે ‘મારી શાળામાં ધોરણ 5 કના વર્ગ શિક્ષક અમીબેન રાવલ દ્વારા બાળકોને મારવાની ઘટના લગભગ આઠેક વાર નજર સામે આવી છે. આ પહેલા પણ બેન દ્વારા માર મારવાની ઘટના ફરી નહીં બને તેવી મૌખિક બાહેંધરી પ્રાથમિક શાળાના શિક્ષકો, વાલી અને TPOને આપવામાં હતી. તેમ છતાં આજ રોજ જાણવા મળ્યું છે કે બેને ફરી એક બાળકના હાથમાં માર મારી ઈજા પહોંચાડી છે. એ બાળકને બોલાવી તેના પિતાનો સંપર્ક કરવામાં આવ્યો હતો. તે કામેથી થાકીને આવ્યા હતા એટલે તેમને તેમના ભાઈને મોકલ્યો હતો જે ગુસ્સામાં હતા, તેમને મને ફરિયાદ કરી હતી, મેં સમજાવ્યા હતા બાદમાં મેં કહ્યું હતું કે લેખિત ફરિયાદ મળશે તો અમે ઘટનાની જાણ TPOને કરીશું, અને બેનને યોગ્ય કાઉન્સિલિંગની જરૂર હશે તો તે પણ કરાવીશું’
આચાર્ય કેમ જવાબદારીમાંથી છટકયા?
આચાર્ય, કાર્યવાહી કરીશુંના નામે ધોયેલાં મૂળાની માફક જવાબદારીમાંથી છટકી ગયા છે, પણ એ ભૂલી ગયા છે કે આચાર્ય હોવાના નાતે બાળકોના માનસિક અને શારીરિક ટૉર્ચર ન થાય તે જોવાની પણ જવાબદારી તેમની છે. સવાલ એ છે આચાર્યએ સ્વીકાર્યું છે કે પહેલા પણ અમીબેન દ્વારા માર મારવાની ઘટનાઓ સામે આવી હતી તો ત્યારે જ જો યોગ્ય કાર્યવાહી કરવામાં આવી હોત તો આજે આ બાળક ઈજાનો ભોગ ન બન્યો હોત!
પ્રાથમિકમાં ભણતા બાળકો નાના હોય છે તે કોઈના કોઈ કારણસર નજીવી ભૂલો કરતાં પણ હશે પણ શિક્ષકે બાળક બનીને પ્રેમથી તેમની સાથે કામ કરવું જોઈએ પણ હાલ અનેક એવા શિક્ષકો છે જે બાળકો પર વારંવાર હાથ ઉગામે છે અને તેમણે નુકસાન પહોંચાડે છે, જે કાયદાકીય રીતે ગુનો છે. અમીબેન સામે તાત્કાલિક શિક્ષાત્મક કાર્યવાહી થવી જોઈએ, આચાર્યએ પણ સામેથી સ્ટાફ દ્વારા આવું વર્તન થાય તો સંબંધિત અધિકારીને જાણ કરી એક્શન લેવા જોઈએ જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ પર લગામ લગાવી શકાય.



