કચ્છના રાપરમાં તળાવમાં ડૂબી જવાથી મહિલાનું મોત, 2 કલાકના રેસ્ક્યૂ ઓપરેશન બાદ મૃતદેહ બહાર કઢાયો | Woman Drowns in Rapar Pond Body Recovered After 2 Hour Rescue Operation in Kutch

![]()
Woman Drowns in Rapar Pond: કચ્છ જિલ્લાના રાપર તાલુકામાં એક કરુણ દુર્ઘટના સામે આવી છે. રાપરના કીડીયાનગર વિસ્તારમાં આવેલા તળાવમાં ડૂબી જવાથી એક મહિલાનું મોત નિપજ્યું છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. ભચાઉ ફાયર વિભાગની ટીમે ભારે જહેમત બાદ મહિલાના મૃતદેહને બહાર કાઢ્યો હતો.
2 કલાકની જહેમત બાદ મૃતદેહ મળ્યો
મળતી માહિતી મુજબ, રાપરના કીડીયાનગરમાં રહેતા નીલાબેન કોલી નામની મહિલા કોઈ કારણોસર તળાવના ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. સ્થાનિક લોકોએ મહિલાને ડૂબતા જોઈ તાત્કાલિક પોલીસ અને ફાયર વિભાગને જાણ કરી હતી. ઘટનાની ગંભીરતા જોતા ભચાઉ ફાયર વિભાગની ટીમ રેસ્ક્યુ સાધનો સાથે સ્થળ પર પહોંચી હતી.
તળાવમાં પાણી વધુ હોવાથી રેસ્ક્યૂ ઓપરેશનમાં મુશ્કેલી પડી હતી, પરંતુ ફાયર વિભાગની ટીમે સતત 2 કલાક સુધી જહેમત ઉઠાવી અંતે મહિલાનો મૃતદેહ શોધી કાઢ્યો હતો. મૃતદેહ બહાર કાઢવામાં આવતા જ ત્યાં હાજર સ્વજનોમાં ભારે આક્રંદ જોવા મળ્યો હતો.
આ પણ વાંચો: અમદાવાદ FRCનો મહત્ત્વનો નિર્ણય, વાલીઓ હવે સ્કૂલોની ફી ઘરે બેઠા પોર્ટલ પર જાણી શકશે
પોલીસ તપાસ અને કાર્યવાહી
ઘટનાની જાણ થતા ગાગોદર પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને જરૂરી પંચનામું કરી તપાસ હાથ ધરી હતી. પોલીસે મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે નજીકની હોસ્પિટલ ખસેડ્યો છે અને આ ઘટના અકસ્માતે બની છે કે અન્ય કોઈ કારણસર, તે અંગે વધુ તપાસ શરૂ કરી છે.



