दुनिया

વધુ એક યુદ્ધના એંધાણ? ચીને આ દેશને ઘેરી જમીનથી આકાશ સુધી શક્તિ પ્રદર્શન કરતાં તણાવ વધ્યો | China Taiwan Tension New War Game Peoples Liberation Army



China-Taiwan Tension : ચીને તાઈવાને ઘેરીને જમીનથી આકાશ સુધી શક્તિ પ્રદર્શન કરતા તણાવ વધ્યો છે. ચીને સૈન્ય ગતિવિધિઓ શરૂ કરીને સંકેત આપ્યો છે કે, તે તેને નિશાન બનાવી શકે છે. ચીને તાઈવાનની આસપાસના ટાપુ પરના મુખ્ય સ્થળોને કબજે લેવા અને નાકાબંધી કરવા માટે સૈન્ય કવાયત હાથ ધરી છે.

ચીને યુદ્ધાભ્યાસમાં તમામ સેનાઓને સામેલ કરી

ચીન સેનાએ કહ્યું કે, અમે તાઈવાનની આસપાસના વિસ્તારોમાં લશ્કરી અભ્યાસ કરવા માટે સેના, નૌસેના અને વાયુસેના અને રૉકેટ ફોર્સ મોકલી છે. આ દરમિયાન લાઈવ ફાયર યુદ્ધાભ્યાસ પણ કરવામાં આવશે. ચીને આ યુદ્ધાભ્યાસનું નામ ‘જસ્ટિસ મિશન 2025’ હોવાનું સામે આવ્યું છે.

અમેરિકાએ તાઈવાન સાથે ડીલ કરતા ચીન ગુસ્સે થયું

તાજેતરમાં જ અમેરિકાએ તાઈવાન સાથે 11 બિલિયન ડૉલરની ડીલ કરીને મોટા હથિયારો આપવાની જાહેરાત કરી હતી, જેના થોડા દિવસ બાદ ચીને આ યુદ્ધાભ્યાસ શરૂ કર્યો છે. અમેરિકાની જાહેરાત બાદ ચીન ગુસ્સે થયું છે અને તેણે અમેરિકન સંરક્ષણ ફર્મો પર પ્રતિબંધ ઝિંકી દીધો છે.

છેલ્લા ઘણા વર્ષોથી ચીન સાથે સરહદ વિવાદ થતાં તાઈવાને આ વર્ષની શરૂઆતમાં સંરક્ષણ બજેટ વધારવાની કવાયત શરૂ કરી દીધી છે. ચીન તાઈવાનની આસપાસના ટાપુને પોતાનો વિસ્તાર માને છે.

વિવાદાસ્પદ વિસ્તારમાં પેટ્રોલિંગ અને નિયંત્રણ વધારવાનો ચીનનો પ્રયાસ

ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઈમ્સના રિપોર્ટ મુજબ, યુદ્ધાભ્યાસમાં ચાઈના કોસ્ટ ગાર્ડ મુખ્ય ભૂમિકા નિભાવી રહ્યું છે. ચોંકાવનારી વાત એ છે કે, કોસ્ટ ગાર્ડે ‘તાઈવાન જલડમરુમધ્યમાં પેટ્રોલિંગ અને નિયંત્રણ’ નામનું એક પોસ્ટ પણ જાહેર કર્યું છે, જેના કારણે બંને દેશો વચ્ચે વિવાદ વધ્યો છે. પોસ્ટ પરથી લાગી રહ્યું છે કે, ચીન તાઈવાન સાથેના વિવાદાસ્પદ વિસ્તારમાં પેટ્રોલિંગ અને નિયંત્રણ વધારવાનો પ્રયાસ કરી રહ્યું છે.

ચીની કોસ્ટગાર્ડે યુદ્ધાભ્યાસનું પોસ્ટર જાહેર કર્યું

પોસ્ટરમાં કોસ્ટ ગાર્ડના અનેક જહાજો ચાર દિશા ઉત્તર-દક્ષિણ-પશ્ચિમ-પૂર્વ આગળ વધીને તાઈવાન તરફ જતા દેખાડાયા છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે, પોસ્ટરમાં તાઈવાન ટાપુના પૂર્વ ભાગને નાકાબંધી કરતા અનેક જહાજો દેખાડવામાં આવ્યા છે. ચીને તાઈવાનની ચારેતરફ એમ્ફીબિયસ ફોર્સ તહેનાત કરી છે, જેમાં લાઈવ-ફાયર યુદ્ધાભ્યાસ અને બ્લૉકેડ જેવો અભ્યાસ પણ શરૂ કરી દેવાયા છે.

ચીનની સેનાએ એક પોસ્ટમાં લખ્યું છે કે, ‘આઝાદીનું ષડયંત્ર રચનારા તમામ લોકો આ ઢાલનો સામનો કરતી વખતે ખતમ થઈ જશે.’ રિપોર્ટ મુજબ ચીને યુદ્ધાભ્યાસ શરૂ કરી દીધો છે અને તેઓ મંગળવારે મોટો યુદ્ધાભ્યાસ કરશે.

તાઈવાન એલર્ટ

તાઈવાન મીડિયાના રિપોર્ટ મુજબ, ચીનની પીપલ્સ લિબરેશન આર્મી (PLA)ના મહત્ત્વના સૈન્ય વિભાગ ઈસ્ટર્ન થિયેટર કમાન્ડે યુદ્ધાભ્યાસની જાહેરાત કર્યા બાદ તાઈવાન એલર્ટ થઈ ગયું છે. તાઈવાને તેની તમામ સેનાઓને હાઈએલર્ટ પર રહેવા આદેશ આપ્યો છે. નિષ્ણાંતોનું કહેવું છે કે, આ યુદ્ધાભ્યાસ એક આક્રમણ કરવાની રણનીતિ હોઈ શકે છે, જોકે તે શક્તિ પ્રદર્શન જેવું વધારે લાગી રહ્યું છે. બીજીતરફ તાઈવાનના રાષ્ટ્રપતિ ભવન દ્વારા ચીનના યુદ્ધાભ્યાસની ટીકા કરવામાં આવી છે અને તેને આંતરરાષ્ટ્રીય નિયમોનું ઉલ્લંઘન ગણાવ્યું છે.

આ પણ વાંચો : ‘સૌથી મોટા ભાગેડુ’ વાળા વીડિયો પર લલિત મોદીએ માંગી માફી, કહ્યું- ભારત સરકારનું સન્માન કરું છું

તાઈવાને મિસાઈલ સિસ્ટમ તહેનાત કરી

તાઈવાન સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે, ‘અમને સોમવારે સવારે તાઈવાનના આસપાસ ચીનના વિમાનો અને જહાજો હોવાનું માહિતી મળી છે. અમે ચીનની ગતિવિધિઓ પર સતત નજર રાખી રહ્યા છે અને મિસાઈલ સિસ્ટમ પણ તહેનાત કરી દીધી છે. અમારા  દેશની લોકોની સુરક્ષા કરવા માટે અમારી સેના હાઈએલર્ટ પર છે.’

ચીનની તાઈવાન પર નજર

ચીન ઘણા સમયથી કહી રહ્યું છે કે, તાઈવાન શાંતિપૂર્ણ રીતે પોતાનામાં સામેલ થઈ જાય, નહીં તો અમે અશાંતિનો રસ્તો અપનાવીશું. ચીને તાઈવાનના રાષ્ટ્રપ્રમુખ લાઈ ચિંગ તે પર તાઈવાનને આઝાદી અપાવવનો આક્ષેપ કર્યો છે. રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે, તાઈવાન પહેલેથી જ એક સંપ્રભુ દેશ છે, તેથી તેણે આઝાદી માટે ઔપચારિક જાહેરાત કરવાની કોઈ જરૂર નથી. 

આ પણ વાંચો : બાંગ્લાદેશમાં ભારતીયો વિરુદ્ધ ‘બળવો’ ! હાદીના સાથીઓનું 24 દિવસનું અલ્ટીમેટમ



Source link

Related Articles

Back to top button